અમેરિકાએ ભારતને ગણાવ્યું અફઘાનિસ્તાનનો વિશ્વાસપાત્ર સાથી, પાક.ને પડી લપડાક - Sandesh
  • Home
  • Featured
  • અમેરિકાએ ભારતને ગણાવ્યું અફઘાનિસ્તાનનો વિશ્વાસપાત્ર સાથી, પાક.ને પડી લપડાક

અમેરિકાએ ભારતને ગણાવ્યું અફઘાનિસ્તાનનો વિશ્વાસપાત્ર સાથી, પાક.ને પડી લપડાક

 | 2:08 pm IST

અમેરિકાના સંરક્ષણ વિભાગના વડામથક પેન્ટાગોને ભારતને અફઘાનિસ્તાનનો સૌથી વધુ વિશ્વાસપાત્ર સહયોગી ગણાવ્યું છે. અફઘાનિસ્તાન અંગેના નવા અહેવાલને અમેરિકાની સેનેટમાં રજૂ કરાયો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રથમ અહેવાલમાં ભારત પર માત્ર ભાર જ મુકાયો નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાની પ્રશંસા પણ કરાઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો આ અહેવાલ પાકિસ્તાન માટે ફટકા સમાન છે. અફઘાનિસ્તાનમાં ભારતની સક્રિય ભૂમિકા સામે પાકિસ્તાન સતત વાંધો ઉઠાવે છે. આટલું જ નહીં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રતા અંગે પાકિસ્તાને અનેકવાર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

પેન્ટાગોને અફઘાન રિપોર્ટમાં લખ્યું હતું કે અફઘાનિસ્તાનના અધિકારીઓ અને સુરક્ષા દળોને ભારત તાલિમ આપે છે. અહેવાલમાં ભારતને અફઘાનિસ્તાનું સૌથી ભરોસાપત્ર સાથી ગણાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં ભારતનો સહયોગ સૌથી વધારે છે. અફઘાનિસ્તાન-ભારત ફ્રેન્ડશિપ ડેમ અને અફઘાન સંસદની ઈમારત જેવા મહત્વના પ્રોજેક્ટમાં ભારતે અફઘાનિસ્તાનને ભારે મદદ કરી છે. છેલ્લાં એક દાયકા કરતાં પણ વધુ સમયથી અફઘાનિસ્તાનમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં ભારતે ભારે મદદ કરી છે.

ભારતે અફઘાનિસ્તાનને 2016માં એમઆઈ-35 વિમાનો પણ આપ્યા હતાં. આ જ ગાળામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચાબહાર પોર્ટ અંગે સમજૂતી સધાઈ હતી. આ પોર્ટને કારણે પાકિસ્તાનને દૂર હડસેલી મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે એક નવો વેપારી માર્ગ અસ્તિત્વમાં આવશે. ભારતે 1 એપ્રિલથી 27 માર્ચ 2017 સુધીમાં અફઘાનિસ્તાનને રૂ. 221 કરોડની નાણાકીય સહાય પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન