USનાં પૂર્વ કાંઠે વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે, ૧૦ લાખનું સ્થળાંતર - Sandesh
  • Home
  • Newspaper
  • USનાં પૂર્વ કાંઠે વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે, ૧૦ લાખનું સ્થળાંતર

USનાં પૂર્વ કાંઠે વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે, ૧૦ લાખનું સ્થળાંતર

 | 2:21 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાનાં પૂર્વ કાંઠા તરફ તોફાની પવન સાથે શક્તિશાળી વાવાઝોડું ફ્લોરેન્સ આગળ વધી રહ્યું છે. જેની તીવ્રતાને જોતા તે ગુરુવારે સાઉથ કેરોલીના અને નોર્થ કેરોલીના પર ત્રાટકી શકે છે. સાઉથ કેરોલીનાનાં ગવર્નર દ્વારા ૧૦ લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે. તોફાની વાવાઝોડાની સાથે કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. ફ્લોરેન્સને કેટેગરી ૪માં મૂકવામાં આવ્યું છે જેને છેલ્લાં કેટલાંક દાયકાનું ભયાનકમાં ભયાનક વાવોઝોડું ગણાવાઈ રહ્યું છે. વાવાઝોડાને ધ્યાનમાં લઈને વર્જિનિયામાં કટોકટી જાહેર કરાઈ છે. નોર્થ કેરોલીનાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ આઉટર બેન્કસ સહિત અનેક સ્થળને ખાલી કરાવાયા છે. સાઉથ કેરોલીનાનાં ગવર્નર હેનરી મેકમાસ્ટરે કહ્યું હતું કે આ ઘણું શક્તિશાળી વાવાઝોડું છે જેને અમે હળવાશથી લઈ શકીએ નહીં. અમે કોઈ ખતરો સર્જવા માગતા નથી આથી કાંઠાનાં વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામત સ્થળે ખસી જવાનું અનિવાર્ય છે. વાવાઝોડું ફ્લોરેન્સ મંગળવાર અને બુધવારે બરમુડા અને બહામા પરથી પસાર થશે.

સાઉથ કેરોલીનાની ૪૬ કાઉન્ટીમાંથી ૨૬ કાઉન્ટીમાં મંગળવારથી સ્કૂલો બંધ રહેવાની જાહેરાત કરાઈ છે. નોર્થ કેરોલીનાના ગવર્નર રોય કૂપરની ઓફિસે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ન જોયું હોય તેવું ખતરનાક વાવાઝોડું રાજ્ય તરફ ધસી રહ્યું છે. .જેના કારણે ૧૫થી ૨૦ ઇંચ વરસાદ પડી શકે છે. વાવાઝોડાના માર્ગમાં છ જેટલા અણુ પ્લાન્ટ અને કોલ એશ તેમજ ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના સ્થળો આવવાથી સત્તાવાળાઓની ચિંતા વધી છે.

વર્જિનિયામાં પૂર અને જમીન ધસી પડવાની ચેતવણી

ફ્લોરેન્સની તીવ્રતાને જોતા સત્તાવાળાઓએ વર્જિનિયામાં કટોકટી જાહેર કરી છે. ૨,૪૫ ,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે. વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ શકે, પૂર આવી શકે અને જમીન ધસી પડવાની શક્યતા હોવાની ચેતવણી આપવામાં આવી છે. ફ્લોરેન્સને કેટેગરી ૪માં મૂકવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાંક દાયકાનું તે ભયાનકમાં ભયાનક વાવાઝોડું પુરવાર થઈ શકે છે. વાવાઝોડાને પગલે ભારે તોફાની વરસાદ અને પૂરની સંભાવના છે. ફ્લોરેન્સ મંગળવાર અને બુધવારે બરમુડા અને બહામા પરથી પસાર થશે. હાલ તે કલાકનાં ૨૦ કિ.મીની ઝડપે પશ્ચિમ તરફ ફંટાઈને મજબૂત થઈ રહ્યું છે.

ટ્રમ્પે મિસિસિપીમાં યોજાનાર રેલી રદ કરી

ફ્લોરેન્સની ગંભીરતાને ધ્યાનમાં લઈને યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા શુક્રવારે મિસિસિપીમાં યોજાનાર રેલીને રદ કરી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ફ્લોરેન્સ ખતરનાક સાબિત થઈ શકે છે. અધિકારીઓ વાવાઝોડાના માર્ગમાં આવતા લોકોને બચાવે તે મહત્ત્વનું છે. નોર્થ અને સાઉથ કેરોલીનાનાં લોકોને વધારે ખતરો છે.

;