USમાં ભારતીય દૂતાવાસની ફોનલાઇન સાથે ચેડાં કરીને ઠગાઈ કરવાનો પ્રયાસ - Sandesh
  • Home
  • Newspaper
  • USમાં ભારતીય દૂતાવાસની ફોનલાઇન સાથે ચેડાં કરીને ઠગાઈ કરવાનો પ્રયાસ

USમાં ભારતીય દૂતાવાસની ફોનલાઇન સાથે ચેડાં કરીને ઠગાઈ કરવાનો પ્રયાસ

 | 4:19 am IST

વોશિંગ્ટન, તા. ૫

અમેરિકામાં ભારતનાં દૂતાવાસની ટેલિફોનલાઇન્સ સાથે ચેડાં કરીને લોકોને ઠગવા પ્રયાસ થયો છે. શંકાસ્પદ ફોન્સને મુદ્દે જાગ્રતિ ફેલાવવાની કામગીરી કરી રહેલાં જૂથે આ મુદ્દે એડવાઇઝરી આપી છે. ભારતીય દૂતાવાસે પણ અમેરિકી સરકારને આ અંગેની જાણકારી આપીને આંતરિક તપાસ શરૂ કરી છે. ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરતાં જણાવ્યું હતું કે, ‘ઠગાઈ કરનારાં લોકો ક્રેડિટકાર્ડ અંગેની માહિતી લે છે કે પછી ભારતીય મૂળનાં લોકોને ફોન કરીને કહે છે કે તેમના પાસપોર્ટ, વિઝા ફોર્મ કે ઇમિગ્રેશન ફોર્મમાં ભૂલો છે. કિંમત ચૂકવીને તે સુધારી શકાય છે, સાથે એવી ચીમકી આપે છે કે તે સુધારા નહીં થાય તો વિઝા રદ થઈ શકે છે.’ અમેરિકામાં રહેનારાં કેટલાક ભારતીયોને આવા ફોન મળી ચૂક્યા છે તેમણે જ દૂતાવાસને જાણ કરી કે કેટલાંક લોકો દૂતાવાસની ફોનલાઇન સાથે ચેડાં કરીને લોકોને ઠગવા પ્રયાસ કરી રહ્યાં છે.

ફોન કરનારી વ્યક્તિ કહે છે કે દૂતાવાસ કે ભારતના સત્તાવાળા દ્વારા તેમને માહિતી મળી છે. ફરિયાદો મળતાં દૂતાવાસે જાણકારી એકઠી કરવાની શરૂઆત કરી દીધી છે. જે વેસ્ટર્ન યુનિયન ખાતામાં નાણાં જમા કરાવવામાં આવતાં હતાં તેની જાણકારી મેળવવામાં આવી છે.

દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે દૂતાવાસેથી થતા ફોનમાં કોઈ વ્યક્તિની અંગત માહિતી માગવામાં આવતી નથી. કોઈ દસ્તાવેજની જરૂર હોય તો સત્તાવાર ડોમેન પરથી ઈ-મેલ કરવામાં આવે છે. ભળતા ફોન પર લોકો ધ્યાન ના આપે તેવી સૂચના અપાઈ છે.