USમાં વાવાઝોડું વિકરાળ બન્યું ૫,૦૦૦ફ્લાઇટ રદ, એકનું મોત - Sandesh
  • Home
  • Ahmedabad
  • USમાં વાવાઝોડું વિકરાળ બન્યું ૫,૦૦૦ફ્લાઇટ રદ, એકનું મોત

USમાં વાવાઝોડું વિકરાળ બન્યું ૫,૦૦૦ફ્લાઇટ રદ, એકનું મોત

 | 1:17 am IST

ન્યૂયોર્ક,તા.૮

અમેરિકાના પૂર્વ સાગરકાંઠે એક જ સપ્તાહમાં બીજીવાર ત્રાટકેલું બરફનું તોફાન વધું વિકરાળ બન્યું છે. સાવચેતીના પગલાંરૂપે ૨૬૦૦ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એકમાત્ર ન્યૂયોર્કમાં જ ૧૯૦૦ ફ્લાઇટ રદ થઈ હતી. આમ અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. બુધવારના દિવસે જ ૨,૩૦૦ ફ્લાઈટના ટાઈમટેબલ પણ ખોરવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં પણ બરફનું તોફાન ત્રાટકતાં ૫૦૦૦થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફિલેડેલ્ફીઆથી ન્યૂયોર્ક સુધીનો વીજપુરવઠો ખોરવાતાં છ કરોડ લોકો પ્રભાવિત છે. આ લોકો ગયા વાવાઝોડાની અસરોથી મુક્ત થાય તે પહેલાં બીજુ વાવાઝોડું ફુંકાયું હતું. ન્યૂજર્સીના પણ અનેક વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી. ન્યૂયોર્કના એક શિક્ષક પર વીજળી ત્રાટકી હતી પરંતુ જીવ બચી ગયો છે. આ સિવાય એક વૃદ્ધાનું મોત થયું છે. આ સિવાય કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. આ સિવાય કેટલાક વિસ્તારોમાં ગાડીઓ ઉપર ઝાડ પડવાની અને ઘરના છત પડવાના કિસ્સા સામે આવ્યા હતા જેમાં પણ કોઈને ઈજા થયાના કે જીવ ગયો હોવાના અહેવાલ આવ્યા નથી. અગાઉના વાવાઝાડાએ સાત લોકોનો ભોગ લીધો હતો.

ન્યૂયોર્ક શહેરમાં ૮ થી ૧૨ ઈંચ સુધીનો બરફ વરસ્યો હતો. એમટ્રેક રેલવે સિસ્ટમ દ્વારા વોશિંગ્ટનથી બોસ્ટન  વચ્ચે દોડતી સંખ્યાબંધ ટ્રેન રદ થઈ છે. અધિકારીઓએ લોકોને ઘરમાં રહેવાની ચેતવણી આપતાં ન્યૂ ઇંગ્લેન્ડ વિસ્તારમાં બરફનું તોફાન ત્રાટકવાની આગાહી કરી છે.

બ્ર્રિટનમાં તોફાની પવન સાથે બરફવર્ષા

બ્રિટન પર પેસ્ટ ફ્રોમ ધ વેસ્ટ વાવાઝોડું ત્રાટકતાં  જીવન વ્યવહાર ખોરવાયો હતો. ચાર ઇંચ બરફ વરસતાં હવામાન ઠંડુગાર થઈ ગયું હતું. હવામાન વિભાગે  મદ્ય ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ચાર ઇંચ સુધીનો બરફ વરસે તેવી આગાહી કરી છે. લેંકેશાયર ખાતે વાવાઝોડા સાથે બરફવર્ષા થતાં રોજીંદો જીવન વ્યવહાર ખોરવાઈ ચુક્યો છે. સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડમાં પણ ભારે બરફ વરસવાની આગાહી છે.

આગામી બે દિવસમાં સ્થિતિ જોખમી થવાની ભીતિ

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, હાલમાં નોર્ધન ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં હવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. અહીંયા ભારે બરફવર્ષા થવા ઉપરાંત મોટા પ્રમાણમાં વરસાદ પડવાની અને તોફાની પવનો ફુંકાવાની શક્યતા છે. આગામી બે દિવસ આ વિસ્તારો માટે જોખમી સાબિત થાય તેવી ભીતી પણ વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવાર રાતથી યોર્કશાયર અને હમ્બર તથા વેલ્સ અને આસપાસના વિસ્તારો ઉપરથી વાદળો પસાર થશે જે બરફનું તોફાન ઉપરાંત વરસાદ લાવી શકે છે.

;