US likely to end sanctions waiver for India on Iran Oil : Report
  • Home
  • Featured
  • ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થવાના એંધાણ, અમેરિકા લગાવી શકે છે પ્રતિબંધ!

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થવાના એંધાણ, અમેરિકા લગાવી શકે છે પ્રતિબંધ!

 | 5:38 pm IST

અમેરિકા ઈરાનને ચારેકોરથી ઘેરવા માટે દુનિયાના તમામ દેશો પર દબાણ વધારી રહ્યું છે. અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરતા તમામ દેશોને ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, જો ઈરાન પાસેથી તેલની આયાત સંપૂર્ણ રીતે બંધ ના કરવામાં આવી તો અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયાર રહો.

એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ ગત વર્ષે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની જે જે દેશોને છુટછાટ આપી હતી તે પરત લેવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને સ્પષ્ટ કરી ચુક્યા છે કે, તે ઈરાનની ક્રુડ આયાતને લઈને આપવામાં આવેલી છુટનો અંત કરવા માંગે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટર પ્રશાસન સાથે મળીને આ દિશામાં કામ કરી રહ્યાં છે.

અમેરિકાએ ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલ તોડી નાખી હતી. આ ન્યૂક્લિયર ડીલ ઈરાન અને દુનિયાની છ મહાસત્તાઓ વચ્ચે 2015માં થઈ હતી. જેમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, ચીન, ફ્રાંસ, જર્મની, રશિયા અને ઈરાન શામેલ હતાં. પરંતુ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ તેમણે ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા હતાં. અમેરિકા ઈરાન પર પરમાણું કાર્યક્રમ આગળ ધપાવવા અને મધ્ય-પૂર્વમાં ચરમપંથીઓને સમર્થન આપતું રોકવા માટે તેના પર તમામ પ્રકારનું દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઈરાન પર પ્રતિબંધ વચ્ચે જ વોશિંગ્ટને 8 દેશોને 180 દિવસ માટે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવાની પણ મંજુરી આપી હતી. આ દેશોમાં ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, તુર્કી, ઈટાલી અને ગ્રીસનો સમાવેશ થાય છે. અમેરિકાએ આ દેશોને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની આંશિક છુટછાટ આપી હતી.

પરંતુ હવે અમેરિકાએ તેનું વલણ બદલ્યું છે. એક અહેવાલ પ્રમાણે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે કે, હવે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ આયાત કરવાના મામલે કોઈ પણ દેશને છુટછાટ નહીં આપવામાં આવે. અમેરિકાના સ્ટેટ ફોર એનર્જી રિસોર્સિજના આસિસ્ટેંત સેક્રેટરી ફ્રેંક ફૈનને જણાવ્યું હતું કે, અમારૂ લક્ષ્ય ટૂંક સમયમાં જ ઈરાનની નિકાસને ઝીરો પર પહોંચાડવાનું છે.

તુર્કીના પ્રવક્તા ઈબ્રાહિમ કૈલિને જણાવ્યું હતું કે, બાકીના દેશો પણ નજર રાખી રહ્યાં છે કે અમેરિકા પ્રતિબંધોને લઈને છુટછાટ યથાવત રાખી શકે છે કે કેમ? તુર્કીને આશા છે કે અમેરિકા અંકારાને કોઈ શરત વગર ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની મંજૂરી આપશે. તુર્કી અમેરિકાના પ્રતિબંધોની નીતિઓનું સમર્થન નથી કરતું અને તેને લાગે છે કે તેના અમેરિકા તરફથી તેને અપેક્ષિત પરિણામ મળશે.

ઈરાક અને સાઉદી અરેબિયા બાદ ઈરાન ભારતનું ત્રીજુ સૌથી વધારે ક્રુડ ઓઈલ પુરૂ પાડતો દેશ છે. માટે જો અમેરિકા ઈરાનને આપેલી છોટ બંધ કરે તો ભારતને ગંભીર અસર થઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ

રાજસ્થાનના બાડમેરથી PM મોદીના પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન