US મધ્યસત્ર ચૂંટણી : ટ્રમ્પને ઝટકો, નીચલાં ગૃહમાં બહુમતી ગુમાવી - Sandesh
  • Home
  • World
  • US મધ્યસત્ર ચૂંટણી : ટ્રમ્પને ઝટકો, નીચલાં ગૃહમાં બહુમતી ગુમાવી

US મધ્યસત્ર ચૂંટણી : ટ્રમ્પને ઝટકો, નીચલાં ગૃહમાં બહુમતી ગુમાવી

 | 12:16 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. અત્યાર સુધી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બંને ગૃહમાં બહુમતી હતી પણ નીચલાં ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ડેમોક્રેટ્સે ફરી બહુમતી હાંસલ કરીને કબજો જમાવ્યો છે જ્યારે ઉપલાં ગૃહ સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બહુમતી જાળવી રાખી છે. નીચલા ગૃહમાં ડેમોક્રેટસની બહુમતીથી ટ્રમ્પ સામે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. યુએસ પ્રમુખની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ આગળ વધી શકે છે અને તેમની સામે મહાભિયોગ ચલાવવાનો રસ્તો ખુલી શકે છે.ડેમોક્રેટસ હવે તેમના આવકવેરાના રિટર્ન તપાસવા માગશે. જો કે વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે સેનેટમાં રિપબ્લિકન્સની બહુમતીથી ટ્રમ્પનાં એજન્ડામાં કોઈ ફેરફાર થશે નહીં.

ડેમોક્રેટસે રિપબ્લિકન્સ પાસેની ૨૩ સીટો જીતી લીધી હતી જેમાં વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, કેન્સાસ સિટી અને મિયામીનો સમાવેશ થાય છે. હેલ્થકેર અને ઈમીગ્રેશનનાં મુદ્દા મતદારો માટે મુખ્ય મુદ્દા રહ્યા હતા. મતદારોનો ઝોક મિશ્ર રહ્યો હતો. જો કે ટ્રમ્પે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતી ગુમાવતા તેમના એકચક્રી શાસન પર લગામ લાગશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. નેવાડા અને એરિઝોનાનાં પરિણામો હજી આવવાનાં બાકી હતા પણ તેનાંથી અન્ય પરિણામો પર મોટો ફરક પડશે નહીં.

પરિણામોમાં ટ્રમ્પ વિરુદ્ધનો જનમત

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના ૨ વર્ષમાં જ તેમના પક્ષે પીછેહઠ અનુભવવી પડી છે. આ પરિણામો યુએસમાં સત્તાનું સંતુલન સ્થાપી શકે છે. કારણ કે ૨૦૧૬ની ચૂંટણી પછી સંસદનાં બંને ગૃહમાં ટ્રમ્પની જીત થઈ હતી કોઈપણ કાયદો પાસ કરાવવામાં કોઈ તેમને રોકી શકે તેમ ન હતું હવે નીચલા ગૃહમાં ડેમોક્રેટસનો દબદબો સર્જાતા ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ મધ્યસત્ર ચૂંટણી ટ્રમ્પ માટે ટેસ્ટ સમાન હતી જેમાં પરિણામોને ટ્રમ્પ વિરૂધ્ધનો જનમત માનવામાં આવે છે.

૨૦૨૦માં ટ્રમ્પને હરાવવાનો ડેમોક્રેટ્સનો દાવો

અમેરિકનોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ન્યૂ યોર્કથી કેલિફોર્નિયા તેમજ મસૂરીથી ર્જ્યોિજયા સુધી મતદાન કર્યું હતું જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝની ૪૩૫ સીટો અને ૧૦૦ સભ્યોનાં સેનેટમાં ૩૫ સીટ તેમજ ગવર્નરની ૩૬ સીટ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સ જીત્યા હતા. હવે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બીડેન ટ્રમ્પ સામે યુએસ પ્રમુખની ચૂંટણી લડી શકે છે. ડેમોક્રેટસે દાવો કર્યો હતો કે તેઓ ૨૦૨૦માં ટ્રમ્પને હરાવી શકે છે. યુએસનાં ચૂંટણી અધિકારી માઈકલ મેકડોનાલ્ડે કહ્યું હતું કે આ મધ્યસત્ર ચૂંટણીમાં ૩૮.૪ લાખ મતદારોએ મતદાન કર્યું હતું. લોકો આ વખતે પરિવર્તન લાવવાનાં મૂડમાં હતા.

ડેમોક્રેટ્સ વધુ શક્તિશાળી બનશે

સાંસદ નેન્સી પેલોસ ફરી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝનાં સ્પીકર તરીકે ફરી ચૂંટાઈ શકે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતીથી ડેમોક્રેટ્સ વધુ શક્તિશાળી બનશે. ટ્રમ્પ માટે વહીવટી ખર્ચ, વ્યક્તિગત ખર્ચ, હોટલ ખર્ચ. તેમજ બિઝનેસને લગતા પ્રશ્નો પડકારરૂપ બનશે. ચૂંટણી પહેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં રિપબ્લિકન્સની ૨૩૫ અને ડેમોક્રેટસના ૧૯૩ સાંસદ હતા. હવે મધ્યસત્ર ચૂંટણી પછી ડેમોક્રેટ્સને નવી ૨૩ સીટ મળી છે.

સેનેટ પર રિપબ્લિકન્સનો કબજો

સેનેટ પર ફરી રિપબ્લકન્સને કબજો જમાવ્યો છે. ટ્રમ્પની પાર્ટીને બહુમતી કરતા વધુ સીટ મળી શકે છે. રિપબ્લિકન્સને ફ્લોરિડા, ટેક્સાસ, ટેનેસી અને નોર્થ ડાકોટા, ઈન્ડિયાનામાં જીત મળી છે. ટ્રમ્પે આ માટે લોકોનો આભાર માન્યો છે.

પરિણામોને અપ્રતિમ સફળતા ગણાવતા ટ્રમ્પ

યુએસ પ્રમુખ ટ્રમ્પે ચૂંટણીનાં પરિણામોને અપ્રતિમ સફળતા ગણાવ્યા હતા. સેનેટ પર રિપબ્લિકન્સે જાળવેલી બહુમતીને તેમણે આવકારી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. તેમણે સાંજનો સમય પરિવાર સાથે ચૂંટણીનાં પરિણામો જોવામાં ગાળ્યો હતો.

યુએસની ચૂંટણીમાં પહેલીવાર બે મુસ્લિમ મહિલાઓ ચૂંટાઈ

  • આ વખતની ચૂંટણીમાં બે મુસ્લિમ મહિલાઓ ઈલ્હાન ઉમર અને રાશિદા તાલિબ પહેલીવાર યુએસ સંસદમાં પહોંચી છે. ટ્રમ્પની ઈમિગ્રન્ટસ વિરોધી નીતિ વચ્ચે તેમનું ચૂંટાવું મહત્વનું છે. ઈલ્હાન ઉમર રિપબ્લિકન જેનિફર ઝાઈલિન્સ્કીને હરાવીને ચૂંટાયા છે. તેઓ ચૂંટણી જીતનારા પહેલા સોમાલિયાથી આવીને વસેલા અમેરિકી મુસ્લિમ મહિલા છે. રાશિદા તાલિબ પેલેસ્ટાઈનથી આવીને વસેલા મુસ્લિમ મહિલા છે.
  • કેન્સાસની ડેમોક્રેટ શેરાઈસ ડેવિસ કોંગ્રેસમાં પહોંચનાર પહેલી મૂળ અમેરિકન મહિલા છે.
  • કોલોરાડોનાં ડેમોક્રેટ જેરેડ પોલિસ અમેરિકાનાં પહેલા ગે ગવર્નર બન્યા છે.
  • એલેકઝાન્ડ્રિયા ઓકેસિયો સૌથી નાની ૨૦ વર્ષની વયે અમેરિકન સાંસદ બની.
  • એરિઝોનાને માર્થા મેકસેલી કે ક્રિસ્ટન સિનેમાં પૈકી કોઈ એક સૌથી પહેલા મહિલા સાંસદ મળશે.

;