યુએસ ઓપનની વિવાદિત ફાઇનલમાં ઓસાકા ચેમ્પિયન - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • યુએસ ઓપનની વિવાદિત ફાઇનલમાં ઓસાકા ચેમ્પિયન

યુએસ ઓપનની વિવાદિત ફાઇનલમાં ઓસાકા ચેમ્પિયન

 | 3:43 am IST

ન્યૂયોર્ક

જાપાનની ૨૦ વર્ષીય નાઓમી ઓસાકાએ પોતાની રોલ મોડલ સેરેના વિલિયમ્સને યુએસ ઓપનના મહિલા સિંગલ્સની વિવાદિત ફાઇનલમાં ૬-૨, ૬-૪થી પરાજય આપી ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ઓસાકા ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સમાં ચેમ્પિયન બનનાર જાપાનની પ્રથમ ખેલાડી બની ગઈ છે. બીજી તરફ ૩૬ વર્ષીય સેરેનાનો પરાજય થતાં રેકોર્ડ ૨૪મું ગાન્ડ સ્લેમ જીતવાનું તેનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

યુવા ખેલાડી ઓસાકા પ્રથમ સેટમાં સેરેના પર હાવી રહી હતી. બીજા સેટમાં વિવાદ વચ્ચે ઓસાકાએ ૬-૪થી જીત મેળવી હતી. બંને ખેલાડીઓ બીજી વખત સામ-સામે ટકરાઈ હતી અને બંને વખત ઓસાકાએ જીત મેળવી હતી. ઓસાકાએ આ વર્ષે માર્ચમાં માયામી ઓપનના પ્રથમ રાઉન્ડમાં પણ સેરેનાને પરાજય આપ્યો હતો. ગત વર્ષે માતા બન્યા બાદ મેદાન પર સેરેનાની વાપસી બાદ માયામી ઓપન તેની બીજી જ ટૂર્નામેન્ટ હતી. ઓસાકા સેરેનાને પોતાનો આદર્શ માને છે. જ્યારે ઓસાકા માત્ર ત્રણ મહિનાની હતી ત્યારે સેરેનાએ વિલિયમ્સે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીત્યું હતું. ૨૦ વર્ષની ઓસાકા યુએસ ઓપનની ફાઇનલમાં સ્થાન મેળવનાર છેલ્લા નવ વર્ષમાં સૌથી યુવા ખેલાડી છે. આ પહેલાં ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ ૨૦૦૯માં ૧૯ વર્ષની ઉંમરે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, સૌથી નાની વયે યુએસ ઓપનમાં ચેમ્પિયન બનવાનો રેકોર્ડ મારિયા શારાપોવાના નામે છે. ૨૦૦૬માં તેણે માત્ર ૧૯ વર્ષની વયે આ ટાઇટલ જીત્યું હતું.

સેરેનાએ અમ્પાયર પર લૈંગિક ભેદભાવનો આરોપ લગાવ્યો

યુએસ ઓપનની ફાઇનલ દરમિયાન સેરેના વિલિયમ્સ વિવાદમાં ફસાઈ છે. સેરેના પ્રથમ સેટ ૨-૬થી હારી ગઈ હતી જ્યારે બીજા સેટના બીજા ગેમમાં ચેર અમ્પાયરે ચેતવણી આપી હતી કારણે કે, સેરેનાના કોચ પેટ્રિક મોરાટોગ્લૂએ હાથ વડે કંઇક ઇશારો કર્યો હતો જેને ચેર અમ્પાયર રામોસે મેદાન પર મેચ દરમિયાન કોચિંગ આપવું ખોટું હોવાનું જણાવ્યું હતું અને સાથે ગ્રાન્ડ સ્લેમના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જોકે, સેરેનાએ ચેર અમ્પાયર પાસે જઈ કહ્યું કે, તેઓ માત્ર મનોબળ વધારી રહ્યા હતા.

તેણે એ પણ કહ્યું કે, તે જાણે છે કે, ગ્રાન્ડ સ્લેમમાં રમત દરમિયાન કોચિંગ ન લઈ શકાય આથી તે એવું નહીં કરે. સેરેનાએ ત્યારબાદ કહ્યું કે, હું મેચ જીતવા માટે ચીટિંગ નહીં કરું. તેના બદલે હું મેચ હારી જવાનું પસંદ કરીશ. તે પછી સેરેનાએ પોતાની ગેમ જીતી અને પછી ઓસાકાની સર્વિસ તોડતાં બીજા સેટમાં ૩-૧ની લીડ મેળવી હતી પરંતુ તે પછી ઓસાકાએ સેરેનાની સર્વિસ તોડી હતી. આ ગેમ પૂર્ણ થઈ ત્યારે સેરેનાએ ગુસ્સામાં મેદાન પર જ રેકેટને પટકી તોડી નાખ્યું હતું. મેચના નિયમોનું ઉલ્લંઘન માનતાં અમ્પાયરે સેરેનાને એક પોઇન્ટનો દંડ ફટકાર્યો હતો. આ સાંભળતાં જ સેરેના ભડકી ગઈ હતી અને અમ્પાયર રામોસને માફી માગવા કહ્યું અને કહ્યું કે, તેઓ માઇક પર દર્શકોને જણાવે કે, સેરેના કોચિંગ નહોતી લઈ રહી. તે પછી ઓસાકા ૪-૩થી આગળ હતી અને તેના ચેહરા પરથી સ્પષ્ટ વર્તાતું હતું કે, તે અમ્પાયરના નિર્ણય સામે નારાજ હતી. તેણે ફરી એક વખત અમ્પાયર રામોસને કહ્યું કે, તેઓએ મારો એક પોઇન્ટ ચોર્યો છે અને સેરેનાએ રામોસને ચોર કહ્યું. આથી મેચ દરમિયાન ત્રીજી વખત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેરેના પર એક ગેમની પેનલ્ટી લગાવતાં ઓસાકાની લીડ ૫-૩ થઈ ગઈ હતી.

સેરેના ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું ચૂકી

લેટવિયાની અનાસ્તાસિયા સેવાસ્તોવાને પરાજય આપી ફાઇનલમાં પહોંચેલી સેરેના વિલિયમ્સ પોતાના ૨૪મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ માટે રમી રહી હતી. ગત વર્ષે પોતાની બાળકીને જન્મ આપ્યા બાદ તે બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. યુએસ ઓપન પહેલાં સેરેના વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ પહોંચી હતી પરંતુ એન્જેલિક કાર્બેરે પરાજય આપ્યો હતો. સેરેના યુએસ ઓપનની ફાઇનલમાં નવમી વખત પહોંચી હતી પરંતુ યુવા ખેલાડી ઓસાકાએ પરાજય આપી સેરેનાનું ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન રોળી નાખ્યું હતું.

મરે-સેન્ડ્સે મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું

બ્રિટનના જેમી મરે અને અમેરિકાની બેથાની માટેક સેન્ડ્સે યુએસ ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. મરે-સેન્ડ્સની જોડીએ ફાઇનલમાં ક્રોએશિયાના નિકોલા મેકટિચ અને પોલેન્ડની એલિઝા રોસોલસ્કાને ૨-૬, ૬-૩, ૧૧-૯થી પરાજય આપ્યો હતો. જેમી મરેએ ગત વર્ષે સ્વિટ્ઝરલેન્ડની માર્ટિના હિંગિસ સાથે મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું અને તે યુએસ ઓપનમાં સતત બીજા વર્ષે મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. તે વર્ષ ૨૦૦૩-૦૪માં બોબ બ્રાયન બાદ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે.