US OPEN જીતી એમ્મા રાદૂકાનૂએ ઇતિહાસ રચ્યો, ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી પ્રથમ ક્વોલિફાયર બની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • US OPEN જીતી એમ્મા રાદૂકાનૂએ ઇતિહાસ રચ્યો, ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી પ્રથમ ક્વોલિફાયર બની

US OPEN જીતી એમ્મા રાદૂકાનૂએ ઇતિહાસ રચ્યો, ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી પ્રથમ ક્વોલિફાયર બની

 | 7:50 am IST
  • Share

 બ્રિટનની ૧૮ વર્ષની એમ્મા રાદૂકાનૂએ યુએસ ઓપન ટેનિસનો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે ૫૩ વર્ષ બાદ બ્રિટન માટે આ ખિતાબ જીતવાવાળી પ્રથમ મહિલા ખેલાડી છે. ૨૦૧૨માં એન્ડી મરેએ આ ટ્રોફી હાંસલ કરી હતી તેના પછી એમ્મા બીજી બ્રિટિશર બની છે જેણે યુએસ ઓપનનો સિંગલ ખિતાબ હાંસલ કર્યો છે. એમ્માની ખાસ બાબત એ છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તે અજેય રહી હતી અને તેણે એક પણ સેટ હાર્યો ન હતો અને સતત ૨૦ સેટ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો હતો. યુએસ ઓપનની ફાઇનલમાં એમ્માએ કેનેડાની ૧૯ વર્ષની લીલહ ફર્નાન્ડિઝને એક કલાક અને ૫૧ મિનિટ ચાલેલા મુકાબલામાં ૬-૪, ૬-૩થી સીધા સેટમાં પરાજિત કરીને આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમને પોતાના નામે કરી લીધું હતું. અત્રે નોંધનીય છે કે બન્ને યુવાન ખેલાડીઓ પ્રથમવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચી હતી. આ રોમાંચક મુકાબલા દરમિયાન એક અઘરા શોટ માટે એમ્માએ સ્લાઈડ મારી હતી અને તેને કારણે તેના પગમાં વાગ્યું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું. જો કે મેડિકલ બ્રેક બાદ તરત કોર્ટ પર પરત આવી ગઈ હતી અને ફાઇટરની જેમ રમી હતી. સમગ્ર રમત દરમિયાન એમ્માએ લીલહને પોતાની ઉપર હાવી થવાની એકપણ તક આપી ન હતી.

રાદૂકાનૂએ રેન્કિંગમાં મારી છલાંગ, ૧૫૦ ઉપરથી ૨૩ પર પહોંચી । નોંધનીય છે કે કેટલાક દિવસો અગાઉ રાદૂકાનૂની રેન્કિંગ ૧૫૦મી હતી અને લગભગ બે સપ્તાહ અગાઉ ભાગ્યે જ કોઇ તેનું નામ જાણતું હતું. સેમિ ફાઇનલમાં ૧૭મી વરિયતાપ્રાપ્ત મારિયા સકારીને ૬-૧, ૬-૪થી આસાનીથી હરાવીને ફાઇનલમાં પહોંચી ત્યારે વિશ્વભરના ટેનિસ ચાહકો અને વિશ્લેષકોની માનીતી બની ગઈ હતી. યુએસ ઓપન એમ્માનું કેરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે અને આ જીત સાથે તે પોતાની કેરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ઉપર પહોંચી ગઇ છે હવે તેનું રેન્કિંગ ૨૩ છે. એમ્મા ક્વોલિફાયર રમ્યા બાદ ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી પ્રથમ ટેનિસ ખેલાડી બની ગઈ છે. તેના પહેલાં પુરુષ કે મહિલા બન્ને સેગમેન્ટમાં કોઇપણ ક્વોલિફાયર આવી કમાલ દર્શાવી શક્યું નથી.

શારાપોવા પછી એમ્મા સૌથી નાની વયે ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી મહિલા બની 

અત્રે નોંધનીય છે કે ૧૯૯૯ પછી આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે યુએસ ઓપનની ફાઇનલમાં બન્ને યુવાન મહિલાઓ આમનેસામને આવી ગઈ હતી. ટીએનએજર્સ દ્વારા મોટા ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ રમવામાં આવે જવલ્લે જ જોવા મળતો પ્રસંગ હોય છે અને આ મેચ આવી જ હતી. આ અગાઉ ૧૯૯૯માં ૧૭ વર્ષની સેરેના વિલિયમ્સ અને ૧૮ વર્ષની ર્માિટના હિંગીસ આમનેસામને ટકરાયાં હતાં. ૨૦૦૪ની વિમ્બલ્ડનમાં ૧૭ વર્ષની મારિયા શારાપોવાએ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. શારાપોવા પછી એમ્મા સૌથી નાની વયે ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી બીજી મહિલા ખેલાડી બની છે. સાથે ૧૯૭૭માં વિમ્બલ્ડનમાં વર્જીનિયા વેડની પછી ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતવાવાળી એમ્મા રાદૂકાનૂ પ્રથમ બ્રિટિશ મહિલા પણ છે.

૧૮ વર્ષની એમ્મા યુએસ ઓપનના વિજય સાથે સમગ્ર બ્રિટનની લાડકી થઇ ગઈ છે. ન્યૂયોર્કમાં એમ્માના વિજયને બ્રિટિશરોએ અભૂતપૂર્વ ઉમળકા સાથે વધાવ્યો હતો અને તેની આગેવાની મહારાણી એલિઝાબેથે લીધી હતી. મહારાણીએ એમ્માને મેસેજમાં જણાવ્યું હતું કે તારી સફળતા ઉપર મારા અભિનંદન. યુવાન વયે તારી આ નોંધપાત્ર સિદ્ધિ છે જે અથાક મહેનત અને સમર્પણનું પરિણામ છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને પણ ટ્વિટ કરીને એમ્માને અભિનંદન પાઠવ્યાં હતાં.

મને આશા છે હું અહીંં ફરી ફાઇનલમા જગા બનાવીશ ઃ લીલહ ફર્નાન્ડિસ

ઐતિહાસિક મેચના ટ્રોફી વિતરણ સમારોહમાં ભગ્નહૃદયે આંખમાં આંસુ સાથે પરાજિત લીલહે જણાવ્યું હતું કે મને આશા છે કે હું અહીં ફરીથી ફાઇનલમાં જગા બનાવીશ અને મારા હાથમાં યોગ્ય ટ્રોફી હશે. તેણે ૯/૧૧ ટેરર એટેકને યાદ કરતાં જણાવ્યું હતું કે તેને આશા છે કે પોતે પણ ન્યૂયોર્ક વાસીઓની માફક સ્થિતિસ્થાપક બની શકશે. તેણે જણાવ્યુ હતું કે મને ખબર છે કે આજનો દિવસ ન્યૂયોર્ક વાસીઓ માટે અને સમગ્ર અમેરિકા માટે મુશ્કેલ છે. હું આશા રાખું કે હું પણ ન્યૂયોર્ક પાછલા ૨૦ વર્ષથી છે તેવી મજબૂત અને સ્થિતિસ્થાપક બની શકું. તેણે ઉમેર્યું હતું કે આઇ લવ યુ ન્યૂયોર્ક અને આગામી વર્ષે તમને જોવાની આશા છે. જો કે કેનેડિયન ટીનેજે પોતાની બ્રિટિશ હરીફને જીત માટે અભિનંદન આપ્યા હતાં. એમ્માએ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફીને હાથમાં લેતા જણાવ્યું હતું કે મહિલા ટેનિસનું ભવિષ્ય અને હાલમાં ખેલનું ઊંડાણ શાનદાર છે. મને લાગે છે કે મહિલા ડ્રોમા સામેલ દરેકે દરેક ખેલાડીની પાસે ટૂર્નામેન્ટ જીતવાનો મોકો હતો. એમ્માએ યુએસ ઓપન ખાતે અદભુત દેખાવ માટે લીલહ ફર્નાન્ડિઝને પણ અભિનંદન આપ્યા હતાં અને ઉમેર્યું હતું કે તેને આશા છે કે તેને ભવિષ્યમાં આ કેનેડિયન સ્ટાર સામે ટકરાવાની વારંવાર તક મળશે. તેણે ઉમેર્યું હતું કે ફર્નાન્ડિઝ હંમેશા એક મહાન હરીફ બનશે. એમ્માને ૨.૫ મિલિયન ડોલર પ્રાઇસ મની અને ટ્રોફી હાંસલ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન