યુએસ પ્રેસિડેન્ટની છેલ્લી ડિબેટમાં હિલેરીએ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા - Sandesh
  • Home
  • World
  • યુએસ પ્રેસિડેન્ટની છેલ્લી ડિબેટમાં હિલેરીએ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા

યુએસ પ્રેસિડેન્ટની છેલ્લી ડિબેટમાં હિલેરીએ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા

 | 3:47 am IST

ન્યૂયોર્ક :

અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી લડનાર રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના હરીફ ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન વચ્ચે છેલ્લી ડિબેટ બુધવારે યોજાઈ હતી. લાસ વેગાસમાં યોજાયેલી આ ત્રીજી અને છેલ્લી ડિબેટમાં હિલેરીએ બાજી મારી હતી. ટ્રમ્પ ઉપર હિલેરીએ સરસાઈ મેળવી હતી. ફોકસ ન્યૂઝના પોલમાં હિલેરી તેમના હરીફ કરતાં છ પોઇન્ટ આગળ હતા. એક સરવેમાં ક્લિન્ટનને ૪૯ ટકા અને ટ્રમ્પને ૪૨ ટકા મત મળ્યા હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાયું હતું. મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કર્યા પછી ચારે તરફથી ઘેરાયેલા ટ્ર્મ્પે એક તબક્કે જ્યારે એમ કહ્યું કે, હું મહિલાઓનું સન્માન કરું છું ત્યારે ડિબેટમાં હાજર રહેલા દર્શકો ખડખડાટ હસી પડયા હતા અને કેટલીક ક્ષણો સુધી હાસ્યની છોળો ઊડી હતી.

નાસ્ટી વુમન અને પુતિન પપેટ

બીજા એક સવાલના જવાબમાં ટ્રમ્પે તેમનો પિત્તો ગુમાવ્યો હતો અને હિલેરી ક્લિન્ટનને અધમ મહિલા કહ્યું હતું. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે મારા સામે તમામ મોરચે ષડ્યંત્ર રચવામાં આવી રહ્યાં છે અને છેતરપિંડી થઈ રહી છે. છેલ્લી ડીબેટમાં બંને નેતાઓએ એકબીજા સાથે હસ્તધૂનન કરવાનું ટાળ્યું હતું અને એકબીજા પર ગંદા અને વ્યક્તિગત આક્ષેપો કર્યા હતા. ટ્ર્મ્પે હિલેરીને “નાસ્ટી વુમન” કહ્યા હતા તો હિલેરીએ ટ્રમ્પને “પુતિન પપેટ” કહ્યા હતા.

છેલ્લી ડિબેટમાં પણ ક્લિન્ટન છવાયા

બુધવારની છેલ્લી ડિબેટમાં ક્લિન્ટન છવાઈ ગયા હતા. ફોક્સ ન્યૂઝના ક્રિસ વેલેસ દ્વારા આ ડિબેટનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં એબોર્શન, ઇમિગ્રેશન, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો, એશિયાના દેશોમાં અણુશસ્ત્રોનો ખતરો, અમેરિકાનું અર્થતંત્ર, ચીન સાથેનો વેપાર જેવા મુદ્દા પર ગરમાગરમ ચર્ચા થઈ હતી.

ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા ટ્રમ્પનો ઈનકાર

અમેરિકામાં ૮ નવેમ્બરે યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે છેલ્લી ડિબેટનું સમાપન કરતાં ટ્રમ્પે ચૂંટણીનાં પરિણામો સ્વીકારશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં પરિણામો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીની પ્રક્રિયામાં છેતરપિંડી થઈ રહી છે. હિલેરીએ આ આક્ષેપોને ભયાનક ગણાવ્યા હતા. સીએનએન, ફોક્સ ન્યૂઝ, વોક્સ, યુગોવ જેવા પોલસ્ટર્સ દ્વારા કેટલાક પોલ હાથ ધરાયા હતા, જેમાં તમામ પોલમાં હિલેરીએ બાજી મારી હતી અને ટ્રમ્પ પાછળ રહ્યા હતા.

બંને પક્ષો દ્વારા ડિબેટમાં તેમની જીત થઈ હોવાના વિરોધાભાસી દાવા

ફોક્સ ન્યૂઝના પોલ મુજબ હિલેરી તેમના હરીફ કરતાં છ પોઇન્ટ આગળ હતા. વ્યક્તિગત સ્પર્ધામાં હિલેરીને ૪૯ ટકા અને ટ્રમ્પને ૪૨ ટકા મત મળ્યા હતા જ્યારે સીએનએનના પોલમાં હિલેરીને ૫૨ ટકા અને ટ્રમ્પને ૩૯ ટકા મત મળ્યા હતા. યુગોવના પોલમાં હિલેરીને ૪૯ ટકા અને ટ્રમ્પને ૩૯ ટકા મત મળ્યા હતા. ડેઇલી ગેઝેટ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં ટ્રમ્પને ૬૫ ટકા અને હિલેરીને ૩૫ ટકા મત મળ્યા હતા. વોશિંગ્ટન ટાઇમ્સના પોલમાં ટ્રમ્પને ૭૭ ટકા અને હિલેરીને ૧૭ ટકા મત મળ્યા હતા. બ્રેઇટબાર્ટ ઓનલાઇન પોલમાં હિલેરીને ૫૯.૩ ટકા અને ટ્રમ્પને ૪૦.૬૫ ટકા મત મળ્યા હતા, જોકે બંને પક્ષો દ્વારા ડિબેટમાં તેમની જીત થઈ હોવાના વિરોધાભાસી દાવા કરાયા હતા.

ટ્રમ્પના દાવા વખતે હાસ્યની છોળો ઊડી

ટ્રમ્પને જ્યારે મહિલાઓનાં યૌનશોષણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવા આક્ષેપોને ફગાવ્યા હતા. તેમનાં યૌનશોષણનો ભોગ બનેલી મહિલાઓ દ્વારા જ્યારે ટ્રમ્પ પર આક્ષેપો કરાયા ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે હું મહિલાઓનું સન્માન કરું છું. ટ્રમ્પનો આવો જવાબ સાંભળીનો લોકો ખડખડાટ હસી પડયાં હતાં. આ વખતે ડિબેટના સંચાલકે લોકોને શાંત રહેવા અપીલ કરવી પડી હતી.

ભારતની પ્રગતિનાં ટ્રમ્પે વખાણ કર્યાં

ડિબેટમાં અર્થતંત્રની ચર્ચા વખતે ટ્રમ્પે ભારતની આર્થક પ્રગતિનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ભારત ૮ ટકા કરતાં વધુ આર્થક વિકાસ સાથે પ્રગતિ કરી રહ્યો છે જ્યારે ઓબામાનાં શાસનમાં આર્થક વિકાસદર ૧ ટકાના દરથી નીચે ગગડી રહ્યો છે. તેમણે નવી રોજગારીનું લોકોને વચન આપ્યું હતું. ઓબામાની આર્થક નીતિઓની ટીકા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન