US Senate Panel Inserts Text on 'Humanitarian Crisis' in Kashmir in Report
  • Home
  • Featured
  • અમેરિકાએ ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

અમેરિકાએ ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

 | 9:38 pm IST

પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ની નાબૂદી બાદ પહેલીવાર અમેરિકી સંસદે કાશ્મીર મામલામાં હસ્તક્ષેપ કરતાં કાશ્મીરની સ્થિતિને માનવીય કટોકટી ગણાવી તાત્કાલિક અંત લાવવાની માગ કરી છે. અમેરિકી સંસદના ઉપલા ગૃહ ગણાતી સેનેટની વિદેશ મામલાની સમિતિએ વર્ષ 2020 માટેના વિદેશો માટેનો કાયદો ઘડાય તે પહેલાં તેના અહેવાલમાં કાશ્મીરમાં સર્જાયેલી માનવીય કટોકટીનો અંત લાવવાની અપીલ કરી છે. ચાલુ સપ્તાહમાં દિલ્હીની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળમાં સામેલ એવા સેનેટર ક્રિસ વાન હોલેનના પ્રસ્તાવ પર રિપોર્ટમાં સુધારો કરી કાશ્મીર મામલાનો ઉલ્લેખ કરાયો છે.

સેનેટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરની હાલની માનવીય કટોકટી અંગે ચિંતાઓ વ્યક્ત કરી ભારત સરકારને જમ્મુ-કાશ્મીરમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બહાલ કરવા કર્ફ્યૂ અને અન્ય પ્રતિબંધાત્મક આદેશો હટાવી લેવા અને અટકાયતમાં રખાયેલા તમામ નાગરિકોને મુક્ત કરવાની અપીલ કરાઈ છે. રિપોર્ટમાં કાશ્મીરની સ્થિતિ અંગે આકરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ રિપોર્ટ 26મી સપ્ટેમ્બરે સેનેટને સોંપાયો હતો. આ સમયે પીએમ મોદી અમેરિકામાં જ હતા.

અમેરિકી સેનેટની વિદેશ મામલાની આ સમિતિ દ્વારા કાશ્મીર અંગેનો સુધારો સર્વસંમતિથી સ્વીકારી લેવાયો હતો. રિપોર્ટમાં સેનેટે જણાવ્યું છે કે, અમે કાશ્મીરમાં માનવ અધિકારની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે, ભારત સરકાર અમારી ચિંતાઓને ગંભીરતાથી લે. હોલેને જણાવ્યું હતું કે, કાશ હું પીએમ મોદી સમક્ષ મારી ચિંતાઓ વ્યક્ત કરી શક્યો હોત પરંતુ મારી તેમની સાથે મુલાકાત શક્ય બની નહોતી.

ભારતે અમેરિકી સેનેટરને કાશ્મીરની મુલાકાતની પરવાનગી ન આપી

અમેરિકી સેનેટના ડેમોક્રેટિક સેનેટર ક્રિસ વાન હોલેન કાશ્મીરની મુલાકાત લેવા માગતા હતા પરંતુ ભારત સરકારે તેમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. હોલેન પહેલા અમેરિકી સેનેટર છે જેમને કાશ્મીરની મુલાકાતની પરવાનગી અપાઈ નથી. હોલેન ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવા આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. હોલેને જણાવ્યું હતું કે, હું કાશ્મીરની મુલાકાત લઈ ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવા ઇચ્છતો હતો પરંતુ ભારત સરકારે મને જણાવ્યું હતું કે, અત્યારે કાશ્મીરમાં જવાનો યોગ્ય સમય નથી. મને એમ હતું કે, હું કાશ્મીર જઈને ત્યાંની સાચી સ્થિતિ જાણી શકીશ. હું માનું છું કે, જો તમારે કશું સંતાડવાનું નથી તો કાશ્મીરની મુલાકાતે જતાં કેમ અટકાવો છો? હું એટલું કહી શકું કે ભારત સરકાર નથી ઇચ્છતી કે કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે તેની વિશ્વને જાણ થાય.

આ વીડિયો પણ જુઓ : એક ટિકટોક સ્ટારને મળી ગઈ ભાજપની ટિકીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન