અમેરિકાએ સ્ટીલની આયાત પર ૨૫% ડયૂટી લાદી - Sandesh
  • Home
  • Business
  • અમેરિકાએ સ્ટીલની આયાત પર ૨૫% ડયૂટી લાદી

અમેરિકાએ સ્ટીલની આયાત પર ૨૫% ડયૂટી લાદી

 | 1:51 am IST

નવી દિલ્હી, તા.૩

સ્ટીલની આયાત ઉપર ૨૫ ટકા ડયૂટી લાદવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને પગલે વિશ્વમાં વ્યાપાર યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકી સ્ટીલ ઉપર ભારત વળતા પગલાં રૂપે કોઈ ડયૂટી નહીં લાદશે. વળતા પગલાં રૂપે ટેરિફ લાદવાની શક્યતા વાણિજ્ય અને સ્ટીલ મંત્રાલયના અધિકારીઓએ નકારી કાઢી હતી અને તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના નિર્ણયથી ભારતને ખાસ અસર નહીં થશે કેમ કે અમેરિકા ખાતે ભારત માત્ર બે ટકા સ્ટીલની નિકાસ કરે છે.

અમેરિકામાં હવે વેચાણ કરવાનું અશક્ય બનશે. અમેરિકાના નિર્ણયની ઝાઝી અસર નહીં થશે પરંતુ આપણે અમેરિકામાં મુખ્યત્વે પાઇપની નિકાસ કરીએ છીએ અને હવે વૈકલ્પિક બજારો શોધી લઈશું, એમ સેઇલના ભૂતપૂર્વ ચેરમેન અને સ્ટીલ ઉદ્યોગના નિષ્ણાત એસ.કે.રુંગટાએ જણાવ્યું હતું. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર પાડોશી રાષ્ટ્ર કેનેડાને થશે કે જે અમેરિકાની સ્ટીલની ૧૬ ટકા માગ પૂરી કરે છે.

ત્યાર પછીના ક્રમે બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા આવે છે. ચીન પણ ભારતની જેમ માત્ર બે ટકા સ્ટીલ પ્રોડક્ટ્સની નિકાસ અમેરિકામાં કરે છે. એનેલિસ્ટોએ જણાવ્યું હતું કે અમેરિકાએ ભૂતકાળમાં ઊંચી કાઉન્ટરવેઇલિંગ ડયૂટી લાદીને ભારત અને ચીનને નિશાન બનાવ્યા હતા.

કેટલીક આયાત અથવા તો અમુક પ્રોડક્ટ્સની મોટે પાયે આયાત રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો સર્જતી જણાય એ કિસ્સામાં અમેરિકા ૧૯૬૨ના ટ્રેડ એક્સ્પાન્ઝન એક્ટનો ઉપયોગ કરે છે. જોકે, સમયે સમયે અન્ય દેશો દ્વારા આ કાયદાની જોગવાઇના અમલને પડકારવામાં આવી છે. સ્ટીલ સેક્રેટરી અરુણ શર્માએ જણાવ્યું હતું કે ૨૩૨મી કલમની કાયદેસરતાને વિસ્તારીને તેનો ઉપયોગ ટેરિફ લાદવા માટે કરવામાં આવે છે. ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના આ નિર્ણયથી સૌથી મોટી અસર સ્થાનિક ઓટોમોબાઇલ ઉદ્યોગ, ઓઇલ અને ગેસ ઉદ્યોગ ઉપર પડશે કે જેમનો ખર્ચ ડયૂટી વધવાથી વધશે.

અમેરિકાના આ નિર્ણય પરત્વે કેનેડા, યુરોપ અને કોરિયા કેવા પ્રત્યાઘાત આપે છે તે આપણે જોવાનું રહે છે, એમ રુંગટાએ જણાવ્યુંઔહતું. અમેરિકાના નિર્ણય સામેઔકેનેડાએ વળતા પગલાં લેવાની જાહેરાત કરી છે. ચીન પણ વળતા પગલાં લેવા વિચારી રહ્યું છે એમ માનવામાં આવે છે.

;