સીરિયા પર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સના હુમલાથી યુદ્ધના વાગતા ભણકાર - Sandesh
  • Home
  • World
  • સીરિયા પર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સના હુમલાથી યુદ્ધના વાગતા ભણકાર

સીરિયા પર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સના હુમલાથી યુદ્ધના વાગતા ભણકાર

 | 11:11 pm IST

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં જે ધમકી આપી હતી, તેનો શુક્રવારે તેમણે અમલ કરી નાખ્યો. અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સની સાથે મળીને સીરિયાની રાજધાની દમાસ્કસના કેટલાક વિસ્તારો પર હુમલો કર્યો હતો. ટ્રમ્પનું કહેવું છે કે આ હવાઇ હુમલા સીરિયા દ્વારા હાલમાં જ કરાયેલા કેમિકલ હુમલાના વિરોધમાં કરાયા હતા.

ગયા અઠવાડિયે સીરિયામાં કેમિકલ હુમલો કરાયો હતો, જેમાં ૬૦ લોકોનાં મોત થયા હતા. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત હુમલાએ રશિયાને નારાજ કરી દીધું છે. રશિયાએ અમેરિકાના રાજદૂત એનાટોલી એનટોનોવનું કહેવું છે કે અમે પહેલાંથી જ ચેતવણી આપી હતી કે જો આ પ્રકારની કોઇ કાર્યવાહી થશે તો તેના પરિણામ ભોગવવા પડશે.

ફ્રાન્સથી આઝાદ થઇને બન્યું સીરિયા

સીરિયા ૧૯૪૬માં ફ્રાન્સથી આઝાદી બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. પરંતુ અસ્તિત્વમાં આવ્યા બાદથી જ આ દેશ રાજકીય પ્રશ્નોથી ઝઝૂમી રહ્યું છે. ૧૯૭૦માં હાફિઝ અલ અસદે બાથ પાર્ટીના નામે સીરિયાની સત્તા ખૂંચવી લીધી હતી. એ સીરિયાની લઘુમતી શિયા કોમના હતા, પોતાને સાચા સાબિત કરવા માટે અસદે ઘણા હથિયાર ખરીદ્યા અને દેશમાં આતંક ફેલાવી દીધો.

૧૯૭૩માં ઇજિપ્તની સાથે મળીને ઇઝરાયેલ પર હુમલો કર્યો, પરંતુ પરાજય ખમવો પડયો. ૧૯૭૬માં પડોશી દેશ લેબેનોનમાં રાજકીય સ્થિતિ બગડતાં ત્યાં સૈન્ય મોકલ્યું હતું. ૧૯૮૨માં મુસ્લિમ બ્રધરહુડે સીરિયાના હમા શહેરમાં વિદ્રોહ કર્યો. અસદની સેનાએ તેની સાથે હજારો સીરિયનોને પણ મારી નાખ્યા. એ રીતે અસદ એક સરમુખત્યાર બની ગયા. ૨૦૦૦માં અસદ મૃત્યુ પામ્યા અને તેમના સ્થાને તેમનો પુત્ર બશર અલ અસદ સરમુખત્યાર બન્યો.

સીરિયાની સમસ્યા શું છે?

વર્ષ ૨૦૧૧માં સીરિયામાં લોકતંત્ર માટે શાંતિપૂર્ણ પ્રદર્શન થવા લાગ્યા. પણ પ્રેસિડેન્ટ અસદને એ મંજૂૂર ન હતા. તરત જ સૈન્યને તહેનાત કરી દીધું. પરંતુ લોકો માન્યા નહીં. અસદ પણ અડી રહ્યા. એ દરમ્યાન કેટલાક ઉગ્રવાદી લોકોએ હથિયાર ઉઠાવ્યા. ધીરે ધીરે હિંસા વધવા માંડી અને સેંકડો લોકો સામેલ થતા ગયા. સરકારી સૈન્યને દેશમાંથી હાંકી કાઢવાની વાત થવા લાગી.

બીજા દેશોએ વ્યાપાર કરી લીધો!

આ સંઘર્ષમાં ઇરાન, સાઉદી અરેબિયા, અમેરિકા અને રશિયા પણ સામેલ થયા છે. કોઇ અસદને મદદ કરે છે, તો કોઇ વિપક્ષને. ખરો હેતુ તો હથિયાર વેચવાનો જ છે. લાંબા સમયથી સીરિયા લગભગ સેક્યુલર દેશ જ હતો. પરંતુ ધીરે ધીરે અહીં શિયા- સુન્ની લડવા લાગ્યા. હવે તો ઇસ્લામિક સ્ટેટ સીરિયામાં રશિયા, અમેરિકા, અસદ બધા જ લડી રહ્યા છે. આ રીતે સીરિયા બીજા દેશો માટે યુદ્ધનું મેદાન બની ગયું છે અને તેને કારણે લાખો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

રશિયા- ઇરાનની ભૂમિકા

સપ્ટેમ્બર ૨૦૧૫માં રશિયાએ અસદના ટેકામાં સીરિયા પર હુમલો શરૃ કર્યો હતો કેમકે અમેરિકા અસદને પદ પરથી દૂર કરવા માગતું હતું. બીજી તરફ અસદને ટેકો આપવા પાછળ રશિયાનો વિચાર એવો કે તેનાથી રશિયાનો સીરિયામાં પ્રભાવ બની રહે. તો ઇરાને સીરિયામાં તેલ અને હથિયાર બંનેની જવાબદારી લીધી છે. આ બધા કામ લેબેનોનના શિયા આતંકવાદી જૂથ હિઝબુલ્લા પાસેથી કરાવાય છે, જે અસદનો કટ્ટર સમર્થક છે.

અમેરિકા- સાઉદીની ભૂમિકા

સીરિયામાં અમેરિકા આઇએસઆઇએસ પર હુમલો કરે છે. તે વિદ્રોહીઓનું સમર્થક છે અને લોકતંત્ર માટે તેને જરૃરી ગણાવાય છે. સાઉદી અરેબિયા પણ સુન્ની વિદ્રોહીઓની મદદ કરે છે. તુર્કી પણ તેને જ મદદ કરે છે જો કે અમેરિકાનું સંકટ એ છે કે તે અસદને પ્રમુખપદેથી દૂર કરવા માંગે છે, પણ તેના સૈન્ય પર હુમલા કરવા માગતું નથી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા

૨૦૧૨ અને ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે અસદ અને વિદ્રોહીઓની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ અસદ કોઇની વાત સાંભળવા માટે તૈયાર જ હોતા નથી. જો કે કેટલાક સમય પહેલાં રશિયા અને અમેરિકાએ સીરિયા પર હુમલો ન કરવાની વાત કરી હતી. પરંતુ કેમિકલ એટલે બાદ ફરીથી ત્યાં સ્થિતિ હિંસાગ્રસ્ત થઇ ગઇ છે.

૨.૫૦ લાખથી ૪.૭૦ લાખ લોકોનાં મોત

સંયુક્ત રાષ્ટ્રના આખરી રિપોર્ટ મુજબ ૨૦૧૦-૨૦૧૫ સુધી સીરિયામાં ૨.૫૦ લાખનાં મોત થયા છે. ઓગસ્ટ ૨૦૧૫ બાદ યુએને મૃત્યુની સંખ્યા અપડેટ કરવાનું બંધ કરી દીધું છે. કેટલાય સંગઠનોનું કહેવું છે કે ૩.૨૧ લાખ લોકો માર્યા ગયા છે. એક થિન્ક ટેન્ક મુજબ ૪.૭૦ લાખ લોકોનાં મોત થઇ ચૂક્યા છે.

અમેરિકાના નિશાન હેઠળ સૈન્ય છાવણી

આ હુમલા સીરિયામાં એ સ્થળો પર કરાઇ રહ્યા છે, જ્યાં કહેવાતી રીતે રાસાયણિક હથિયાર રાખ્યા છે. ઓરિએેન્ટ ન્યૂઝ વેબસાઇટે ૯ એપ્રિલે એ હવાઇ હુમલા અને સૈન્ય છાવણીની યાદી બહાર પાડી હતી, જ્યાં હુમલા થઇ શકે છે.

તિયસ કે ટી ફોર એરબસ

હોમ્સ શહેરની પાસે દેશનો સૌથી મોટી સૈન્ય છાવણી છે. અહીં ૫૪ હવાઇ જહાજ ઊભા રહેવાની જગ્યા અને ૨ રન વે છે. અહીં મિગ-૨૯ એસ અને ૨૭ એસ સહિત સુખોઇ એસયુ -૩૫ એસ જેવા વિમાન છે. ટૂંકા અંતરના રડાર, ટેન્ક અને આધુનિક સૈન્ય હથિયાર પણ છે.

અલ દુમૈર

દમાસ્કસથી ૪૦ કિલોમીટર દૂર સ્થિત દેશની બીજી સૌથી મોટી સૈન્ય એરબેઝ છે. કહેવાતો કેમિકલ હુમલો કરવા માટે હેલિકોપ્ટર અહીંથી જ ઊડયા હતા. અહીં ૫૦ હેંગરો છે, જેમાંથી ૮ હેંગર અંડરગ્રાઉન્ડ છે. અહીં મિગ-૨૩ એસ, ૨૪ એસ અને ૨૭ એસ સહિત સુખોઇ એસયુ -૨૨ ફાઇટર વિમાન છે.

હમા એરબેઝ

હમા શહેરની પાસે આ એરબેઝ છે. અહીં ૧૭ હેંગર્સ છે અને મિગ ૨૧ એસ વિમાન સહિત એમઆઇ-૮ અને એમઆઇ-૨ હેલિકોપ્ટર છે.

શયરાત એરબેઝ

હોમ્સ શહેરની દક્ષિણ પૂર્વમાં આ એરબેઝ આવેલી છે. અહીં ૪૦ હેંગર છે અને મિગ ૨૩ એસ, ૨૫ એસ અને સુખોઇ એસ યુ ૨૫ એક જેવા ફાઇટર વિમાન છે. અહીં ૨ મુખ્ય રન વે અને રશિયન એસએ-૬ એર મિસાઇલની સાથે શક્તિશાળી હવાઇ રક્ષા પ્રણાલી છે.

મેજેહ એરબેઝ

દમાસ્કસથી કેટલીક દૂર આ હવાઇ મથક આવેલું છે. અહીં ૨૨ હેંગર છે અને કેટલાય ફાઇટર વિમાન છે. વાયુ સેનાના ગુપ્તચર વિભાગ તેનો ધરપકડ કેન્દ્ર તરીકે ઉપયોગ કરે છે.

અલ – નયરાબ એરબેઝ

અલેપ્પો આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પાસે આ એરબઝ છે. અહીં ૮ હેંગર છે.

અલ સીન એરબેઝ

દમાસ્કસથી ૮૦ કિલોમીટર દૂર અલ સીના સૈન્ય મથક આવેલું છે. અહીં ૩૬ હેંગર અને ૨ રન વે છે.

વૈજ્ઞાનિક અધ્યયન અનુસંધાન કેન્દ્ર (એસએસઆરસી)

રાજધાનીથી ઉત્તરમાં જમરાયા ગામમાં સ્થિત એસએસઆરસી ઘણું પ્રસિદ્ધ છે. આરોપ લાગે છે કે એસએસઆરસીમાં રાસાયણિક અને ગેર પારંપરિક હથિયાર બનાવ્યા છે. જો કે સીરિયાઇ સરકાર કહે છે કે અહીં નાગરિકો માટે અનુસંધાન સંસ્થાન છે.

અલ- સફીરા

અલ સફીરા શહેરમાં સીરિયાનું સૌથી મોટું સૈન્ય નિર્માણ સુવિધા કેન્દ્ર છે.અહીં ગુપ્તચર શોધ કેન્દ્રની સાથે રાસાયણિક હથિયાર પર જ ધ્યાન કેન્દ્રિત કરાય છે. તેમાં રહેલા રાસાયણિક હથિયારવાળી ઇમારતમાં કોઇને જવાની મંજૂરી નથી.

મૈમીસ બેસ
રશિયાના કબજામાં આ બેઝ છે, તેથી તેને નિશાન બનાવાય નહીં.

દેર અલ- જૂર એરબેઝ

દેર અલ- જૂર શહેરમાં છે. સંભવિત નિશાન પર આ એરબેઝ આવી શકે છે.
કયા હથિયારોથી કરાયો હુમલો

બ્રિટન

ક્રૂઝ મિસાઇલોથી સજ્જ ૪ ટોર્નેડો ફાઇટર જેટ.
૪૦૦ કિલો સુધી વોરહેડ લઇ જવામાં સક્ષમ
૪૦૦ કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા
સીરિયાના હોમ્સ શહેરમાં રાસાયણિક હથિયાર સાઇટ પર હુમલો કર્યો હતો.

ફ્રાન્સ

ક્રૂઝ મિસાઇલોથી સજ્જ રાફેલ જેટ વિમાન
૪૦૦ કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ

અમેરિકા

યુએસ બી ૧ બોમ્બર જેટ વિમાન

૪ એન્જિન, ક્રૂઝ મિસાઇલ લઇ જવામાં સક્ષમ
૪૫૦ કિલો વોરહેડ લઇ જવાની સક્ષમ, ૩૭૦ કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ

ટોમહોક ક્રૂઝ મિસાઇલ

૬.૨૫ મીટર લાંબી , લગભગ ૧૫૦૦ કિલોમીટર વજન
૪૫૪ કિલો વિસ્ફોટથી સજ્જ થઇ શકે.
૮૮૦ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપ
૧,૨૫૦- ૨,૫૦૦ કિલોમીટર દૂર ટાર્ગેટ પર નિશાન માટે સક્ષમ
૧૯૯૧ના ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ (અખાતી યુદ્ધ) માં ઉપયોગમાં લેવાઇ હતી.