આજે સાત દાયકા જૂના સંઘર્ષનો આવશે અંત, સિંગાપુરમાં કિમ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત - Sandesh
NIFTY 11,435.10 +0.00  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે સાત દાયકા જૂના સંઘર્ષનો આવશે અંત, સિંગાપુરમાં કિમ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત

આજે સાત દાયકા જૂના સંઘર્ષનો આવશે અંત, સિંગાપુરમાં કિમ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત

 | 11:45 pm IST

વર્ષ 2018ની સૌથી મહત્ત્વની રાજકીય મુલાકાત માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન રવિવારેે સિંગાપુર આવી પહોંચ્યા હતા. આ ઐતિહાસિક મુલાકાતની વૈશ્વિક પ્રવાહો પર લાંબાગાળાની અસરો થવાની હોવાથી સમગ્ર વિશ્વની નજર મંગળવારે યોજાનારી આ મલાકાત પર છે. કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે થોડા કલાકોના અંતરે સિંગાપોર પહોંચ્યા હતા.

મંગળવારે સવારે 9 કલાકે સેનતોસા ખાતે બંને નેતા વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકના પરિણામોની અસર ન કેવળ કોરિયન મહાદ્વિપ પર પરંતુ સમગ્ર વિશ્વ પર થશે. બંને નેતા કોરિયન મહાદ્વીપના સંપૂર્ણ બિનપરમાણુકરણ પર ચર્ચા કરશે. આ બેઠકમાં છેલ્લા સાત દાયકાથી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંતની જાહેરાત કરાય તેવી સંભાવના છે. ઉત્તર કોરિયાના સત્તાવાર મીડિયાએ જણાવ્યું હતું કે, બને નેતા કોરિયન મહાદ્વીપમાં કાયમી શાંતિની સ્થાપના માટેની વ્યવસ્થા પર ચર્ચા કરશે. તે ઉપરાંત પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરાશે.

કિમ જોંગ ઉન રનિંગ ગાર્ડ્સ અને ટોઇલેટ સાથે સિંગાપુર પહોંચ્યા
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સુરક્ષાના કારણોસર 3 વિમાનો સાથે સિંગાપુર પહોંચ્યા હતા. તેમના અંગત અધિકારીઓ સિવાય કોઇ જાણતું નહોતું કે કિમ કયા વિમાનમાં સવાર થયા છે. તે ઉપરાંત એરપોર્ટથી હોટેલ જતી વખતે કિમની કાર સાથે રનિંગ બોડીગાર્ડ્સ પણ જોવા મળ્યા હતા. એમ કહેવાય છે કે કિમ તેમની સાથે પોતાનું ટોઇલેટ પણ લઇને આવ્યા છે.

કિમ સાથે મુલાકાત પહેલાં ટ્રમ્પે સિંગાપુરના વડાપ્રધાન સાથે રવિવારે મુલાકાત કરી હતી. તે ઉપરાંત તેમણે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન સાથે ફોન પર 40 મિનિટ વાત કરી હતી. મૂને ટ્રમ્પને જણાવવ્યું હતું કે મારા દેશવાસીઓ આ મુલાકાતની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કિમે ડોનાલ્ડ ટ્રમ્પને જુલાઇમાં પ્યોંગયાંગની મુલાકાતનું આમંત્રણ આપ્યું
દક્ષિણ કોરિયાના અખબારે દાવો કર્યો હતો કે કિમ જોંગ ઉને ડોનાલ્ડ ટ્રમ્પને જુલાઇ મહિનામાં ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. મંગળવારની બેઠક સફળ રહેશે તો જુલાઇમાં બંને નેતાઓ વચ્ચે બીજી મુલાકાત યોજાશે.

કિમ – ટ્રમ્પની મુલાકાત પર રૂ. 102 કરોડનો ખર્ચ
ટ્રમ્પ અને કિમ વચ્ચેની મુલાકાત પર રૂ. 102 કરોડનો ખર્ચ થશે. આ તમામ ખર્ચ સિંગાપુર ઉઠાવી રહ્યું છે. આ રકમમાં અડધો ખર્ચ સુરક્ષા માટે કરાશે. સિંગાપુરના પીએમ લૂંગે જણાવ્યું હતું કે, દુનિયામાં થયેલી આ પહેલના હિસાબે આ ખર્ચ વ્યાજબી છે. તેમાં અમારું હિત પણ સામેલ છે.