Use this as a way to clean the face for charcoal
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાની સ્વચ્છતા માટે આ રીતે કરો કોલસાનો ઉપયોગ

ચહેરાની સ્વચ્છતા માટે આ રીતે કરો કોલસાનો ઉપયોગ

 | 10:47 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

આ દિવસોમાં સુંદરતા વધારવા માટે એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ ખૂબ થતો હોય છે. બ્યુટીશિયન ચારકોલનો પ્રયોગ અલગ અલગ રીતે કરતાં હોય છે. ચારકોલનો મુખ્ય ઉપયોગ ચહેરાને, વાળ અને દાંતને ચમકાવવા માટે થતો હોય છે. તેનો સીધો મતલબ એ થયો કે તે ચહેરા પરની ધૂળને સાફ કરવાનું કાર્ય કરે છે. આપણી આસપાસના પ્રદૂષણની સીધી અસર આપણાં ચહેરા ઉપર થાય છે અને આ કારણે જ ત્વચાની સમસ્યા સર્જાય છે. ત્વચાનાં છિદ્રોમાં સમાયેલી આ ગંદકીને દૂર કરવાનું કાર્ય ચારકોલ કરે છે. આ ચારકોલ બજારમાં સરળતાથી મળી રહે છે. તેને ઘરે લાવીને તમે તમારી ત્વચાને સુંદર રાખવા સ્ક્રબ અને ફેસપેક બનાવી શકો છો.

ચારકોલયુક્ત સ્ક્રબ અને ફેસપેક બીજા નોર્મલ ફેસપેક તેમજ સ્ક્રબ કરતાં સો ટકા વધારે અસરકારક હોય છે. જો કે બજારમાંથી ચારકોલ લો ત્યારે ખાસ એક્ટિવેટેડ ચારકોલ લેવો, કેમ કે એક્ટિવેટેડ ચારકોલને વધારે તાપમાનમાં સ્ટીમ કરવામાં આવે છે, જેથી ચારકોલની અંદર રહેલા અકાર્બનિક પદાર્થ બહાર નીકળી જાય છે જેથી, ચારકોલ ત્વચા ઉપર વધારે એક્ટિવ બની જાય છે. તો ચાલો જાણી લઇએ ઘરે ચારકોલ સ્ક્રબ અને ફેસપેક કઇ રીતે બનાવશો.

એક્ટિવેટેડ ચારકોલ સ્ક્રબ   

ચારકોલયુક્ત સ્ક્રબ બનાવવા માટે એક વાટકામાં બે ચમચી બદામનું તેલ લો, તેમાં એક્ટિવેટેડ ચારકોલ નાખો. આ બંનેને મિક્સ કરી આશરે પંદર મિનિટ સુધી ફેસ પર મસાજ કરો. પંદર મિનિટ મસાજ કરી લીધા બાદ ઠંડા પાણીથી ફેસ સાફ કરીને સ્ટીમ લઇ લો. ચારકોલ ત્વચાનાં બધાં જ છીદ્રોમાં પહોંચીને તેની અંદર ભરાયેલા કચરાને સાફ કરવાનું કામ કરે છે ને બદામનું તેલ ત્વચાને મોઇૃરાઈઝ કરવાનું કાર્ય કરે છે. તમે ઇચ્છો તો હાથ અને પગ ઉપર પણ આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. હાથે પગે સ્ક્રબ કરો ત્યારે મસાજ પંદર મિનિટથી વધારે સમય સુધી કરો. છેલ્લે ઠંડા પાણીને બદલે શરીરના બીજા ભાગમાં સ્ક્રબ કરો ત્યારે હૂંફાળા પાણીથી ધોવાનું રાખવું.

ફેસપેક  

એક્ટિવેટેડ ચારકોલયુક્ત ફેસપેક બનાવવો ખૂબ જ સહેલો છે, તેના માટે એક ચમચી ચારકોલ પાઉડરમાં બેથી ત્રણ ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણમાં બે કે ત્રણ ટીપાં ટી ટ્રી ઓઇલ નાખી તે પેકને ચહેરા ઉપર લગાવી દો. પેકને વીસ મિનિટ સુધી ચહેરા ઉપર રાખી ઠંડા પાણી વડે ચહેરાને સાફ કરી લો. આ જ રીતે તમે હાથ અને પગ ઉપર પણ આ પેક લગાવી શકો છો.

પીલ માસ્ક  

એક્ટિવેટેડ ચારકોલથી તમે પીલ માસ્ક પણ બનાવી શકો છો. સૂર્યપ્રકાશથી સ્કિન ખૂબ ટેન થઇ ગઇ હોય તો તેના માટે પીલ માસ્ક ખૂબ જ કારગત નીવડી શકે છે. પીલ માસ્ક બનાવવા માટે એક વાટકો ચારકોલ લઇ તેની અંદર થોડું ફેવિકોલ અને પાણી મિક્સ કરો. આ મિશ્રણને સરખું હલાવી ચહેરા ઉપર લગાવી લો. આશરે દસ મિનિટ સુધી આ માસ્ક ચહેરા ઉપર લગાવી ચહેરો ધોઇ લો. આનાથી ત્વચા એકદમ સ્વચ્છ તો થઇ જ જશે સાથે સાથે તમારો રંગ પણ નીખરી ઊઠશે. હાલના સમયે ત્વચાની સંભાળ લેવા માટે એક્ટિવેટેડ ચારકોલ શ્રેષ્ઠ ઉપાય છે. તમે પણ અજમાવી જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન