Uttar Pradesh : Congress And RLD Are Still Hopeful To Make Place In Mahagathbandhan
  • Home
  • Featured
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પરાણે ‘એકલા ચલો રે’, જોકે હજી આ પક્ષ પાસેથી આશા

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પરાણે ‘એકલા ચલો રે’, જોકે હજી આ પક્ષ પાસેથી આશા

 | 9:38 pm IST

સપા અને બસપાએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની જાહેરાત કરતાંની સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી પડશે, હવે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 60થી 65 બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમે તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ.

રાહુલ ગાંધીની રેલીઓની યોજના તૈયાર છે અને પહેલી રેલી લખનઉમાં થાય તેવી સંભાવના છે. શુક્રવારે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં આ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 60-65 બેઠક પર ચૂંટણી લડી શકે છે, બાકીની બેઠકો સપા, બસપા અને રાલોદ માટે છોડી દેવાશે. પાર્ટી સપા-બસપા ગઠબંધન અને ભાજપ વચ્ચે સીધી લડાઈ રહે તેવી વ્યૂહરચના અપનાવી રહી છે.

અખિલેશ અને માયાવતીએ કોંગ્રેસને અવગણીને ગંભીર ભૂલ કરી છે : કોંગ્રેસ

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં ગઠબંધન પર કોંગ્રેસે જણાવ્યું હતું કે, સપા અને બસપા કોંગ્રેસને બાકાત રાખીને ગંભીર ભૂલ કરી રહ્યાં છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તમામ વિપક્ષનું એક જ ધ્યેય ભાજપ અને કેન્દ્ર ખાતેની સરમુખત્યારશાહીને પરાજિત કરવાનું હોવું જોઈએ. કોંગ્રેસ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે પરંતુ મને લાગે છે કે કોંગ્રેસની અવગણના ગંભીર ભૂલ બની રહેશે.

કોંગ્રેસ એકલા હાથે મોદીને પરાજિત કરી શકશે નહીં : એ. કે. એન્ટોની

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ. કે. એન્ટોનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને લાગે છે કે તે લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે ભાજપને પરાજિત કરી શક્તી નથી. કોંગ્રેસ એકલા હાથે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી શકે તેમ નથી. મોદીને સત્તા પરથી હટાવવાનાં અભિયાનનાં નેતૃત્વ માટે કોંગ્રેસ મહત્વની છે. કોંગ્રેસ આ માટે વ્યાપક ગઠબંધનની રચના કરવા માગે છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો!

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના સાથી નેતાઓનું માનવું છે કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જોરદાર ટક્કર આપશે. પાર્ટી નેતૃત્વે પ્રદેશ નેતાગીરીને વોરરૂમ બનાવવા અને બૂથ સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાના આદેશ આપી દીધા છે. રાહુલ ગાંધી અગાઉ જણાવી ચૂક્યા છે કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ઓછી આંકશો નહીં.