Uttar Pradesh Police Give Permission To priyanka gandhi to visit Agra
  • Home
  • Featured
  • આખરે પ્રિયંકા ગાંધીને આગ્રા જવાની મંજૂરી મળી

આખરે પ્રિયંકા ગાંધીને આગ્રા જવાની મંજૂરી મળી

 | 7:18 pm IST
  • Share

  • ઉત્તર પ્રદેશ પોલીસે પ્રિયંકા ગાંધીની કરી હતી અટકાયત
  • પોલીસની કસ્ટડીમાં ઢોરમાર મારીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવો કેવો ન્યાય?
  • 17 દિવસમાં બીજી વખત કોંગ્રેસ મહાસચિવની અટકાયત

આખરે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને આગ્રા જવાની મંજૂરી મળી ગઈ છે. અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસે પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી.

હકીકતમાં પોલીસ કસ્ટડીમાં એક સફાઈ કર્મચારીના મોત મામલે પ્રિયંકા ગાંધી મૃતકના પરિવારજનોને મળવા માટે આગ્રા જઈ રહ્યાં હતા. ઉત્તર પ્રદેશ પોલીસે તેમની અટકાયત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા પાસે જરૂરી મંજૂરી નથી.

આગ્રાની આ ઘટના અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “કોઈને પોલીસની કસ્ટડીમાં ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દેવો કેવો ન્યાય? પોલીસ કસ્ટડીમાં અરુણ વાલ્મિકીના મોતની ઘટના નિંદનીય છે. ભગવાન વાલ્મિકી જયંતિના દિવસે ઉત્તક પ્રદેશ સરકારે તેમના સંદેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈલેવલ કમિટી આ કેસની તપાસ કરે અને આરોપી પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થાય તેમજ પીડિત પરિવારને વળતર મળે. ”

પોતાના અન્ય એક ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, “અરૂણ વાલ્મિકીનું મોત પોલીસ કસ્ટડીમાં થયું. તેનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે. હું પરિવારને મળવા માંગું છું. ઉત્તર પ્રદેશ સરકારને કંઈ વાતનો ડર છે? કેમ મને રોકવામાં આવી રહી છે? ”

જણાવી દઈએ કે, છેલ્લા 17 દિવસોમાં આ બીજી વખત પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે. લખનઉ પોલીસનું કહેવું છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની એટલા માટે અટકાયત કરવામાં આવી, કારણ કે CrpCની કલમ 144 લાગૂ હતી. આગ્રા જિલ્લા અધિકારીએ એક શખ્સના મોત બાદ કોઈ પણ રાજનીતિક વ્યક્તિને ત્યાં ના પહોંચવા દેવાનો આદેશ આપ્યો છે. પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર હોબાળો થયો હતો.

જો કે થોડા સમય સુધી અટકાયતમાં રહ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાને આગ્રા જવાની મંજૂરી મળી જતાં તેઓ રવાના થયા છે. પ્રિયંકાની સાથે પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લૂ, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને MLC દિપક સિંહ પણ આગ્રા જવા માટે રવાના થઈ ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો