ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનો નીમ્યા તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?  - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનો નીમ્યા તો મહારાષ્ટ્રમાં કેમ નહીં? 

ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનો નીમ્યા તો મહારાષ્ટ્રમાં કેમ નહીં? 

 | 1:58 am IST

મુંબઈ, તા. ૨૦

ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનો નીમવાના પગલાં વિશે શિવસેનાએ તેના સાથી પક્ષની આ હોદ્દા વિશે ફેરવી તોળવા બદલ આકરી ટીકા કરી હતી.  શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની રચના દરમિયાન ભાજપ તરફથી તેમને એવી જાણ કરાઈ હતી કે તેના શાસન હેઠળના કોઈ પણ રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન નહીં નીમવાની તેમની નીતિ છે. ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં નાયબ મુખ્ય પ્રધાનો નીમ્યા હતા અને હવે ઉત્તર પ્રદેશમાં પણ નીમ્યા છે. ભાજપે એવી ચોખવટ કરવી રહી કે શું તેણે પોતાની નીતિ બદલી છે? રાઉતે કહ્યું હતું કે, ૨૦૧૪ના મહારાષ્ટ્રમાં સરકાર રચવાની વાટાઘાટો દરમિયાન અમને એવી જાણ કરાઈ હતી કે ભાજપનો તે નીતિ વિષયક નિર્ણય હતો, પરંતુ કાશ્મીરમાં ચૂંટણીઓ બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથેની યુતિ સરકારમાં પોતાના નાયબ મુખ્ય પ્રધાન રાખ્યા હતા. હવે ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનો છે. તો મહારાષ્ટ્રને શા માટે અપવાદ બનાવાયો છે? શું ભાજપે તેની નીતિ બદલી છે?

શિવસેનાએ ગોપીનાથ મુંડેને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા

રાઉતનું નિવેદન મહત્ત્વનં બની રહે છે, કારણ કે ૧૯૯૫-૧૯૯૯ દરમિયાન, શિવસેના મોટો ભાગીદાર પક્ષ હતો ત્યારે તેણે તેના જુનિયર સાથી ભાજપને નાયબ મુખ્ય પ્રધાનનો હોદ્દો આપ્યો હતો અને ગોપીનાથ મુંડેને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા હતા.

શિવસેનાના પ્રધાનો શરૂઆતથી જ ખફા  

શરૂઆતથી જ, શિવસેનાના પ્રધાનો તેમની સાથે ભાજપ તરફથી સાવકી માતા જેવા વ્યવહાર વિશે ફરિયાદ કરતા આવ્યા છે. તેમણે એવી ધમકી સુદ્ધાં આપી છે કે, તેઓ હંમેશાં રાજીનામાના પત્રો સાથે તૈયાર છે અને સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આદેશ મળવાની સાથે તરત જ રાજીનામા સુપરત કરી દેશે.

રામમંદિર નિર્માણ માટે હવે ખરો સમય

સંજય રાઉતે રામ મંદિરનો મુદ્દો પણ ઉખેળ્યો હતો અને કહ્યું હતું કે અયોધ્યામાં મંદિર બાંધવાનો આ ખરો સમય છે. ઉત્તર પ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રામમંદિર ચળવળમાં મોખરે હતા અને જો હવે મંદિરનું નિર્માણ નહીં કરાય તો ભવિષ્યમાં તે કદી નહીં બંધાય.

આદિત્યનાથને સંયમ જાળવવા સલાહ  

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને સંયમ જાળવવાની પણ સંજય રાઉતે સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હોવાથી વિવાદાસ્પદ ટિપ્પણો કામ નહીં આવે. જો તેઓ આવી ટિપ્પણો કરશે તો રાજ્યમાં અંધાધૂંધી સર્જાશે. હવે તેમણે વિકાસ વિશે વાત કરવી જોઈએ.