મ.ભોજન સંચાલકનો આપઘાત : વડનગર બંધના એલાન બાદ સંચાલકની પત્નીને અપાઈ નોકરી - Sandesh
  • Home
  • Gujarat
  • મ.ભોજન સંચાલકનો આપઘાત : વડનગર બંધના એલાન બાદ સંચાલકની પત્નીને અપાઈ નોકરી

મ.ભોજન સંચાલકનો આપઘાત : વડનગર બંધના એલાન બાદ સંચાલકની પત્નીને અપાઈ નોકરી

 | 1:06 pm IST

મહેસાણાના વડનગરના શેખપુર ગામે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક મહેશ ચૌહાણે શાળાના ત્રણ શિક્ષકોના ત્રાસથી મંગળવારે સાંજે વડનગરના એક કૂવામાં પડી આપઘાત કર્યો હતો. મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટમાં તેણે ત્રણ શિક્ષકો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના બાદ મધ્યાહન ભોજન લડત સમિતિએ આજે વડનગર બંધનું એલાન આપ્યું હતું. જેના બાદ મોડી રાત્રે સમાધાન થતા આ એલાન પાછું ખેંચ્યું હતું. પરિવાર સાથે મુલાકાત બાદ મામલતદારે મૃતકની પત્નીને મધ્યાહન ભોજનના સંચાલક તરીકે નોકરી આપવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડનગરના રોહિતવાસમાં રહેતા મહેશ ચૌહાણ શેખપુર ગામની પ્રાથમિક શાળામાં 20 વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી કરતા હતા. શાળાના શિક્ષકો મોમીન હુસેન, વિનોદ પ્રજાપતિ અને અમાજી ઠાકોર ચા-નાસ્તાનો ખર્ચ માગી ઓછી સંખ્યા બતાવી મહેશભાઈને હેરાન કરતા હતા. બીજી બાજુ મહેશની આર્થિક સ્થિતિ સારી ન હોઈ ટેન્શનમાં રહેતા હતા. જેથી મંગળવારે સાંજે વડનગરની સાકેત સોસાયટીની પાછળ આવેલા કૂવા ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તેની સ્યુસાઈડ નોટમાં તેમણે આ ત્રણ વ્યક્તિના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી મૃતકની પત્ની ઈલાબેને વડનગર પોલીસમાં 3 શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પ્રાંત સહિતના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેના બાદ ગઈકાલે મધ્યાહન ભોજન સમિતિએ વડનગર બંધનું એલાન આપ્યું હતું. આ એલાનથી તંત્ર હરકતમાં આવ્યું હતું. મોડી રાત્રે જિલ્લા કલેક્ટરે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જેના બાદ વડનગરના મામલતદાર બી.જે.શેખે મૃતકના પત્નીને મધ્યાહન ભોજનના સંચાલક તરીકે નોકરી આપવાનું જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેના બાદ પરિવારે મહેશ ચૌહાણના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.