Vadodara 9, Padra 10, lies between 15 and 12 villages built desarana lives padike
  • Home
  • Featured
  • વડોદરાના 9, પાદરાના 10, સાવલીના 15 અને ડેસરના 12 ગામોના લોકોના જીવ પડીકે બંધાયા, જાણો કેમ

વડોદરાના 9, પાદરાના 10, સાવલીના 15 અને ડેસરના 12 ગામોના લોકોના જીવ પડીકે બંધાયા, જાણો કેમ

 | 9:00 am IST

મહી બે કાંઠે: વડોદરા, પાદરા, ડેસર, સાવલીના ૪૬ ગામોને એલર્ટ કરાયા

કડાણા ડેમમાંથી ૪.૧૦ લાખ ક્યુસેક પાણી છોડાયુ હતું. તેના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેલા વાગતા કાંઠા વિસ્તારના વડોદરાના ૯, પાદરાના ૧૦, સાવલીના ૧૫ અને ડેસર તાલુકા ૧૨ મળીને ૪૬ ગામોને એલર્ટ જાહેર કરાયા હતાં.

મહીસાગર નદી તેની ૧૪ મીટરની ભયજનક સપાટી વટાવીને ૧૬.૭૫ મીટરેે પહોંચતા સિંધરોટ, અનગઢ, ફાજલપુર, રાયકા, દોડકા, કોટણા ગામના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે પાદરાના ડબકા ભાઠાના ૭૦ ગ્રામજનોેનુ સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કડાણા ડેમમાંથી ગઈકાલ શુક્રવારની બપોરે ૧-૩૦ કલાકે ૪,૧૦,૭૧૬ ક્યુસેક પાણી છોડાયું હતું. જેની અસર દેવ ડેમ પર પડી હતી અને દેવ ડેમમાં જળસ્તરર ૮૯.૫૦ મીટરે પહોંચતાં ગેટ નં.૪ ખોલવામાં આવ્યો હતો અને ૦.૨૦ મીટરના ઓવરફ્લોથી પાણી છોડાયું હતું.

જેના કારણે મહીસાગર નદી પ્રભાવિત થઈ હતી. શુક્રવારે બપોરે ૩ કલાકે મહીસાગરની વિયર ખાતેની સપાટી ૯.૮૦ મીટર નોંધાઈ હતી. એ પછી પાણીની આવક થતાં શુક્રવારની મધરાતે ૧૨ કલાકે મહીસાગર તેની ભયજનક સપાટી ૧૪ મીટરે વહેલા વાગી હતી. જેના કારણે નદીના પાણી બે કાંઠે વહેતુ થઈ ગયુ હતું. જેના કારણે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતાં. એ પછી પણ મહીસાગર નદીમાં પાણી વધતુ જ ગયું હતું.

શનિવારે સવારે ૬ કલાકે મહીસાગરની સપાટી ૧૫.૨૦ મીટરે પહોંચી હતી અને બપોરે ૪ કલાકે સપાટી વધીને ૧૬.૮૦ મીટરે પહોંચી ગઈ હતી. જોકે એ પછી સાંજે ૫ કલાકે સપાટી ઘટીને ૧૬.૭૦ મીટર થઈ ગઈ હતી. આ લખાય છે ત્યારે સાંજે ૬ કલાકે સપાટી ૧૪.૭૦ મીટરે સ્થિર હતી.  

મહીસાગર બે કાંઠે વહેલા લાગતા પાદરા, સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ૪૬ ગામો પ્રભાવિત થયા હતા અને તંત્ર તરફથી મહી કાંઠાના ૪૬ ગામોને એલર્ટ કરાયા હતાં. અને નદી કાંઠે નહીં જવા તંત્ર તરફથી ચેતવણી અપાઈ હતી. મહીસાગરના પાણી શહેર નજીક આવેલા સિંધરોટ, અનગઢ, કોટણા, રાયકા, દોડકા અને ફાજલપુર તેમજ પાદરા તાલુકાના ડબકા ભાઠાના નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતાં.

જેમાં ડબકા ભાઠા વિસ્તારમાંથી ૨૬ પરિવારોના ૧૦૦ ગ્રામજનો પૈકી ૭૦ ગ્રામજનો સ્થળાંતર થયું હતું જ્યારે ૩૦ ગ્રામજનોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ હતી. જોકે સાંજે ૫ કલાકે મહીનુ જળસ્તર ૧૬.૮૦ મીટરથી ઘટીને ૧૬.૭૦ મીટર થતા લોેકોએ થોડો હાશકારો અનુભવ્યો હતો.

૧૦ વર્ષ પછી સિંઘરોટમાં પૂર જેવી પરિસ્થિતિ

સિંધરોટ ગામ પાસેના બ્રીજના ગરનાળામાં પાણી ઘૂસી ગયા હતાં. એટલુ જ નહીં, સિંધરોટ ચેકપોસ્ટથી આંકલાવ તરફ જવાના રસ્તાને જોડતા બ્રીજ સુધી પાણી પહોંચી ગયા હતાં. ૨૦૦૭-૦૮ની આસપાસ પણ મહીસાગરના વધેલા પાણીને કારણે સિંધરોટ અને તેની આસપાસના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું હતું. તે સમયે મીની નદીના પૂલ પરથી પાણી ફરી વળ્યાં હતા અને સિંધરોટ ગામનો વિસ્તારનો શેરખી તરફનો સંપર્ક તૂટી ગયો હતો. ૧૦ વર્ષ પછી ફરી તે જ પ્રકારની પરિસ્થિતિ સર્જાવા પામી હતી.

કયા તાલુકાના આ ગામોને એલર્ટ કરાયા ?

વડોદરા: સિંધરોટ, ફતેપુર, દોડકા, રાયકા, અનગઢ, શેરખી, નંદેસરી, આમલીયારા, અલ્હાદપુરા.

ડેસર: જાંબુગોરલ, વાઘપુરા, વરસડા, ત્રાસિયા, ઈટવાડ, કડાછલા, માણેકલા, નાની વરનોલી, છાલીયેર, લીમડીનુ મુવાડુ, શિહોરા, સાંઢાસાલ.

સાવલી:  જાંબુગોરલ, ગુલાબપુરા, જાલમપુર, ખાંડી, ભાદરવા, ગોકળપુરા (ગ), કાલુપુરા, રાણીયા, મહાપુરા, કનોડા, પોઈચા (ક), પરથમપુરા, પોઈચા (રાણીયા), અમરાપુરા, મુવાલ.

પાદરા: તિથોર, પાવડા, સુલતાનપુરા, મહંમદપુરા, ડબકા, ચોકારી, જાસપુર, ઉમરાયા, મુંજપુર, એકલબારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન