Vadodara High Profile Case Accused Raju Bhatt Arrest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: ભાગેડૂ આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો

વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: ભાગેડૂ આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો

 | 3:38 pm IST
  • Share

વડોદરામાં મૂળ હરિયાણાની વિદ્યાર્થિની પર દુષ્કર્મના ચકચારી કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં દુષ્કર્મ કેસમાં પોલીસ પકડથી દૂર રહેલો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટી એવા આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અગાઉ હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 9 દિવસના અંતે વડોદરાની હાર્મની હોટલના માલિક કાનજી મોકરિયાની ધરપકડ કરી હતી. કાનજીએ દુષ્કર્મ પીડિતાને 20 દિવસ સુધી પોતાની હોટલમાં રાખી હતી. પીડિતા સાથે થયેલા અત્યાચાર અંગે પણ કાનજી જાણતો હતો અને આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં પણ કાનજીએ જ મદદ કરી હતી.

વડોદરાની અલકાપુરી સોસાયટીમાં રહેતા કાનજી મોકરિયા હાર્મની હોટલના માલિક હોવા ઉપરાંત કુરિયર કંપની પણ ચલાવે છે. જેમાં દુષ્કર્મ કેસના વોન્ટેડ આરોપી રાજુ ભટ્ટ ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે.

શું છે સમગ્ર મામલો?
કાયદાનો અભ્યાસ કરતી મૂળ હરિયાણાની યુવતીએ શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટટ અશોક જૈન અને પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ દુષ્કર્મ આચરતી વખતે સ્પાય કેમેરાથી શૂટિંગ ઉતાર્યું હતું અને તેના ફોટા વાયરલ કરવાની બીક આપી વારંવાર દુષ્કર્મ આચરતા હતા.

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથમાં લેતા હવે તપાસ તેજ બની હતી. આરોપી અશોક જૈનની ઓફિસમાં યુવતી ટ્રેનિંગ લેતી હોવાથી અશોક જૈનના સ્ટાફને પૂછપરછ માટે બોલાવાયો હતો. યુવતી જે ફ્લેટમાં ભાડે રહેતી હતી તેનો માલિક અશોક જૈનનો સબંધી હોવાથી તેને પણ પૂછપરછ માટે બોલાવાયો હતો. જ્યારે આ કેસમાં પ્રથમ ધરપકડ તરીકે હોટલ માલિક કાનજી મોકરિયાની કરવામાં આવી હતી. જે બાદ આજે ભાગેડૂ આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો