Vadodara In the surface of Ajwa increased in 3 days, many dams overflowed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરાવાસીઓ આનંદો: 3 દિવસમાં આજવાની સપાટીમાં જબરો વધારો, નિગમે પાણી ન છોડયુ, પણ મેઘરાજા મહેરબાન

વડોદરાવાસીઓ આનંદો: 3 દિવસમાં આજવાની સપાટીમાં જબરો વધારો, નિગમે પાણી ન છોડયુ, પણ મેઘરાજા મહેરબાન

 | 11:14 am IST
  • Share

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ પત્ર લખ્યો તે વાતને 21 દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ હજૂ નર્મદા નિગમ દ્વારા આજવા ડેમમાં પાણી છોડવામાં આવ્યુ નથી. જોકે, મેઘરાજાએ મહેરબાની કરતા હવે હાશકારો અનુભવાયો છે. છેલ્લાં 03 દિવસમાં આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીનુ લેવલ 206.10 ફૂટથી વધીને 206.55 ફૂટ થયુ છે. 120 કરોડ લિટર જેટલુ પાણી આજવામાં આવતા શહેરને વધુ 8 દિવસ ચાલે તેટલા પાણીની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરમાંથી રોજેરોજ 150 એમએલડી એટલે કે 15 કરોડ લિટર પાણી લેવાય છે. વરસાદ ખેંચાઈ જતા આજવામાં પાણીનુ લેવલ ઘટયુ હતુ. ગત તા. 23મી ઓગસ્ટે મેયર કેયુર રોકડિયાએ પત્ર લખ્યો હતો અને નર્મદાની કેનાલમાંથી પાણી વિના મૂલ્યે છોડવાની માગણી કરી હતી. જોકે, તે વાતને 21 દિવસ થઈ ગયા હોવા છતાં હજૂ સુધી નર્મદામાંથી પાણી છોડવાનો કોઈ નિર્ણય લેવાયો ન હતો. જોકે, બીજી તરફ મેઘરાજાએ વડોદરા પર મહેરબાની વરસાવી હતી.

ઉપરવાસમાં છેલ્લાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે આજવા ડેમમાં પાણીનુ લેવલ વધ્યુ છે. ગઈ તા. 11મી સપ્ટેમ્બરના રોજ આજવા ડેમમાં પાણીનુ લેવલ 206.10 ફૂટ હતુ. તા. 13મીની બપોરે વધીને 206.55 ફૂટ થઈ ગયુ હતુ. એટલે કે 120 કરોડ લિટર પાણીની આજવા ડેમમાં આવક થઈ હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો છે. જે પાણી શહેરને વધુ 10 દિવસ સુધી વિતરણ કરી શકાય તેમ છે. જોકે, 13મી સપ્ટેમ્બર 2020ના રોજ આજવા ડેમમાં પાણીનુ લેવલ 212.50 ફૂટ હતુ. જોકે, આજ દિવસે ચાલુ ચોમાસે આજવામાં પાણીનુ લેવલ 206.55 ફૂટ છે. જે ગયા વર્ષની સરખામણીએ ઓછુ છે. જોકે, ભારે વરસાદની આગાહી છે જે જોતા આજવાનુ લેવલ હજૂ વધે તેમ છે.

છેલ્લાં ત્રણ દિવસમાં 120 કરોડ લિટર પાણીની આજવા ડેમમાં આવક થઈ છે. આજવામાંથી રોજ 15 કરોડ લિટર પાણી લેવાય છે. જે જોતા શહેરને વધુ 08 દિવસ સુધી વિતરણ કરી શકાય તેટલુ પાણી આજવા ડેમમાં વરસ્યુ છે.

18 ઈંચ વરસાદ જોઈએ તો આજવાનુ લેવલ જળવાશે

આજવા ડેમમાંથી રોજ સરેરાશ 150 એમએલડી 150 એમએલડી એવુ પાણી લેવાય છે. જેના કારણે ડેમમાંથી પાણીનુ લેવલ સતત ઘટે છે. જોકે, જે રીતે છેલ્લાં ત્રણ દિવસમાં વરસાદ પડયો તેવો વરસાદ પડવો જોઈએ. એક અંદાજ મુજબ 18 ઈંચ વરસાદ પડે તો ડેમમાં પાણીનુ લેવલ દોઢ ફૂટ વધે અને આજવા ડેમમાં પાણીનુ લેવલ જળવાઈ રહે.

ઉપરવાસમાં સિઝનનો કેટલો વરસાદ પડયો?

આજવા ડેમના કેચમેન્ટ એરીયામાં, પ્રતાપપુરાના સ્ત્રાવ વિસ્તારમાં, હાલોલ-પાવાગઢ અને ધનસર વિસ્તારમાં જે વરસાદ પડે છે તેનુ પાણી આજવા ડેમમાં આવે છે. આજવા ડેમના કેચેમન્ટ એરીયામાં અત્યાર સુધીનો સિઝનનો સરેરાશ 15.44 ઈંચ વરસાદ પડયો છે. જે સરેરાશ 43 ઈંચ વરસાદ પડવો જોઈએ. આ જ રીતે, પ્રતાપપુરાના કેચમેન્ટ એરીયામાં 22.8 ઈંચ, હાલોલ-પાવાગઢના કેચમેન્ટ એરીયામાં 25 ઈંચ અને ધનસરના કેચમેન્ટ એરીયામાં 22.92 ઈંચ વરસાદ પડયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન