Vadodara Navlakhi Ground Case 15 years Teenage Girl Fiance Audio Clip viral
  • Home
  • Featured
  • વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ : કિશોરીના ફિયાન્સનો ઓડિયો વાયરલ, ‘ભાઈ, જલ્દી આ, ‘અકોટા મેરી ફંટર કો…

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ : કિશોરીના ફિયાન્સનો ઓડિયો વાયરલ, ‘ભાઈ, જલ્દી આ, ‘અકોટા મેરી ફંટર કો…

 | 1:27 pm IST

શહેરના નવલખી કમ્પાઉન્ડની ઝાડીઓમાં ૧૫ વર્ષની કિશોરીને ગઇકાલે રાત્રે ખેંચી જઇ બે જણાંએ રાત્રે દુષ્કૃત્ય આચર્યુ હતુ. દુષ્કૃત્ય અચારનારના પંજામાંથી કિશોરીને છોડાવવા માટે તેના ફિયાન્સે પ્રયત્ન કરતા તેને પણ આરોપીઓએ માર મારીને ભગાડી મુકયો હતો.કિશોરી ઉપર દુષકર્મ ગુજારનાર બન્ને યુવાનોએ કિશોરીને મુખ મૈથુન કરવા માટે પણ ફરજ પાડી હતી. આ પિશાચી કૃત્ય આચરનારા કિશોરીને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી છુટયા હતા.

આ ઘટના દરમિયાન સગીરાના ફિયાન્સનો એક ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં કિશોરીનો ફિયાન્સ તેના એક મિત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનું કહે છે. યુવક સતત એવું રટણ કરી રહ્યો છે કે પોલીસનો ફોન નથી લાગી રહ્યો. બીજી તરફ વડોદરા સામૂહિક દુષ્કર્મની ઘટનાને 30 કરતા વધારે કલાકનો સમય થઈ ગયો હોવા છતાં હજી પણ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી. વડોદરાની ઘટનાથી હેબતાઈ ગયેલા સગીર વયના મંગેતરે મિત્રને મદદ માટે ફોન કરી નવલખી મેદાનમાં બોલાવ્યો હતો. બનાવ બન્યો હતો તે સ્થળે મંગેતરે મદદ માટે નાખેલી ઘાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

તો વાંચો સગીર મંગેતર મિત્રને ફોન કરી મદદ માંગ્યાની ક્લિપ વાયરલ… અકોટા મેરી ફંટર કો ઝાડીઓ મેં લે ગયે હે, પુલીસ વાલો કો ફોન નહીં લગ રહા

સગીર: અકોટા મેરી ફંટર કો જાડીઓ મેં લે ગયે હે, પુલીસ વાલો કો ફોન નહીં લગ રહા હે, વે જલ્હી બે
મિત્ર: હુઆ ક્યાં હૈ?

સગીર: બે વો દો-તીન જન અંદર સે આયે, ફટકે લેકે આયે થે, વો મેરી ફંટરનો ખેંચ કે લે ગયે ઝાડીઓ મેં, મેં ભાગ કે ઈધર આ ગયા..
મિત્ર: ક્યાં….

સગીર: જલ્દી આ.. જલ્દી ફોન કર પુલીસવાલો કો
મિત્ર: મજાક નહીં કરતા ને..

સગીર: તેરી જાન કી કસમ, તું ફોન રખ મેં દુસરો કરતા હું, તુ ફોન રખ..
મિત્ર: મેં આતા હું, તું હે કહાં

સગીર: અકોટા બ્રિજ, ફટાફટ આ. ટોલે કો લેકે આ, મેં તો કહેતા હું, તું ફોન રખ
મિત્ર: હા ચલ

સગીર: ફટકે લેકે આઈ યો, ફટકે લેકે, વે જલ્દી આ પન, કિતને જનો કો લેકે આયે ગા..
મિત્ર: ફોન કરતા હું રૂકજાને

સગીર: ફટાફટ આ બે બાબા, જમસી લોચા હો જાયે ગા, મેરી ફંટર કો માર-બાર ડાલેગે તો ખોટી
મિત્ર : હા જલ્દી આયા

સગીર: બે બાબા… બે બાબા ફટાફટ આ બહુત જમસી લોચા આ જાયેગા મેરી ફંટર કો કુછ હો જાયે તો, જલ્દી આ મેરી ગાડી ભી લે ગયે ઉન લોગ.
મિત્ર હાં મે આ રહા હું, તું ટેન્શન મત લે, વો સાહિલ નવલખી પર પહોંચ રહા હે,

સગીર: કોન સા સાહિલ હૈ?
મિત્ર : ભુરિયા અપના

સગીર: ઠેક અંદર નવલખી મેં, ઠેક અંદર ભેજ
મિત્ર: ઠેક અંદર હૈ, નવલખી મે

સગીર: હા ઠેક અંદર હું, ફટાફટ આ..

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય ૮ મહિનાની કિશોરી ધોરણ ૬ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા સ્કૂલ વર્ધીની રીક્ષા ચલાવે છે. બે બહેનો અને એક ભાઇમાં ત્રીજો નંબર ધરાવતી કિશોરીના વિવાહ ત્રણ મહિના અગાઉ જ નકકી થયા હતા. ગઇકાલે સાંજે ૬.૩૦ કલાકે કિશોરી ઘરેથી નીકળી હતી. તેના ફિયાન્સ સાથે તે દાંડિયાબજાર ખાતે આવેલા ઉર્સના મેળામાં ગઇ હતી.

જોકે ઉર્સના મેળામાં ગીર્દી હોવાથી કિશોરી તેના ફિયાન્સ સાથે રાત્રે ૮ કલાકે નવલખી કમ્પાઉન્ડમાં આવેલા જીઇબી ઓફિસની પાછળ બેસવા માટે ગયા હતા. જયાં બે યુવાનો આવ્યા હતા. આ યુવાનોએ કિશોરી અને તેના ફિયાન્સને અહીં કેમ બેઠા છો ? કહી કિશોરીને ખેંચી જવા પ્રયાસ કર્યો હતો . કિશોરીના ફિયાન્સે તેને બચાવવા માટે ખુબજ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ બે યુવાનોએ તેને માર મારીને ભગાડી મુકયો હતો.

ત્યારબાદ કિશોરીને ૮૦૦ મીટર સુધી ઝાડીઓમાં ખેંચી લઇ જઇને બે યુવાનોએ અવારનવાર કિશોરી ઉપર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ કિશોરીને માર મારીને મુખ મૈથુન કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ આ કૃત્ય આચર્યા બાદ આ અંગે કોઇને કહીશ તો જાનથી મનારી નાખીશ તેવી ધમકી આપી ભાગી છુટ્યા હતા.

૪૫ મિનિટ થી એક કલાક સુધીને આ પાશચી કૃત્ય આ બે યુવાનોએ આચર્યુ હતુ. તેઓ ભાગી છુટયા બાદ એક કલાક સુધીને તે અંધારામાં રસ્તો નહી મળતા તે ફર્યા કરી હતી. ત્યાર બાદ એક પ્રૌઢ મળતા તેને રસ્તાની પુછપરછ કરી હતી. અને તે સમયે જ તેને શોધતા તેના સબંધી આવી ગયા હતા.

જયારે બીજી તરફ ફિયાન્સીને છોડાવવામાં નિષ્ફળ રહેલા મંગેતર યુવાને પોતાના મિત્રને ફોન કરી બનાવની જાણ કરી હતી. દરમિયાનમાં તે અકોટા બ્રિજ તરફ જઇને પીસીઆર વાન બોલાવી લાવ્યો હતો. ત્યાર બાદ કિશોરી ઉપર દુષ્કૃત્ય આચરનાર બન્ને જણાંની પોલીસે તપાસ હાથ ધરી હતી.

દુષ્કર્મ આચરનારે તાપણી કરતા કિશોરીએ બન્નેના ચહેરા જોયા

નવલખી ક્મ્પાઉન્ડમાં ઝાડીઓમાં ખેંચી ૪૫ મિનિટ થી એક કલાક સુધીને બે જણાએ દુષ્કર્મ આચર્યુ હતુ . ત્યારબાદ મોબાઇલ ચાલુ કરીને તેમને બીડી કે સિગારેટ પીવા માટે દિવાસળી સળગાવી હતી.અને નાની તાપણી જેવુ પણ કર્યુ હતુ. તે સમયે કિશોરીએ બન્નેના ચહેરા જોયા હતા. જેમાં એકની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની ઘઉં વર્ણનો જેના લાંબા વાળ અને નાની દાઢી મુછ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ અને બ્લ્યુ કલરનુ પેન્ટ પહેર્યુ હતુ. બીજાની ઉંમર ૨૩ થી ૨૫ વર્ષનો અને માથે વાંકડીયાવાળ તથા મોટી આંખ અને કલીન સેવ હતી.

દુષ્કર્મ આચરનારની ભાષા જાણવા માટે કિશોરીને વિવિધ ભાષાની કલીપીંગ બતાવાશે

દુષ્કર્મ આચરનાર બે યુવાનો કયારેક તેમની વાતચીતમાં હિન્દી બોલતા હતા. કયારેક હિન્દી કે ગુજરાતી સિવાયની ભાષા બોલતા હતા. જયારે કિશોરીને હમ યહીં કે હૈ તેવુ પણ કહીને સ્થાનિક હોવાનો ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આથી ભોગ બનનાર કિશોરીને વિવિધ ભાષાની કલીપીંગ બતાવી તે કઇ ભાષા બોલતા હતા. તેની જાણકારી મેળવાશે જયારે તેમના સ્કેચ તૈયાર કરી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પરપ્રાંતીયોનો રેકોર્ડ રાખવાની B રોલની પ્રથા પોલીસે બંધ કેમ કરી ?

શહેર મધ્યમાં નવલખી કંપાઉન્ડમાં ગુરુવારે રાતે બનેલી એક કિશોરી ઉપર દર્દનાક ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજયને હચમચાવી મુકયુ છે. ગેંગરેપ ગુજારનારા બે અજાણ્યા પીશાચીઓની હજુ ઓળખ છતી થઈ નથી. પરંતુ ભોગ બનનાર કિશોરીએ આપેલી કેફીયત પ્રમાણે આરોપીઓ પરપ્રાંતીય હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

વડોદરા શહેરમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયો વસી રહ્યા છે. દોઢ દાયકા પૂર્વે સુધી પોલીસ સ્ટેશનોમાં બી રોલનું રજિસ્ટર મેઈન્ટેન થતું હતું. બી રોલ એટલે જે લોકો પરપ્રાંતીયો હોય અને વડોદરા શહેરમાં કોઈ પણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વસાહતમાં રહેતા હોય અથવા નવા રહેવા માટે આવ્યાં હોય તેવા પરપ્રાંતીયોનું નામ, તેઓ કયા પ્રદેશના મૂળ વતની છે તેનું સરનામુ નોંધવામાં આવતું હતું.

પોલીસ સ્ટેશનમાંથી આ વિગતો નોંધવામાં આવી હોય તે પોલીસ દ્વારા જે તે પ્રદેશમાં ચોક્કસ સરનામાવાળા પોલીસ સ્ટેશનમાં પત્ર લખીને આ નામની વ્યકિતનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કે પછી વોન્ટેડ છે કે કેમ ? તે અંગેની ખાત્રી કરવામાં આવતી હતી. આ પ્રોસિજરથી ગુનાખોરી ઉપર ઘણાં અંશે અંકુશ રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા પોલીસે બી રોલ રજિસ્ટર મેઈન્ટેઈન કરવાની પ્રથા બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે. નવલખી કંપાઉન્ડની ઝાડીઓમાં માસુમ કિશોરીને પીંખી નાંખનાર સેક્સ મેનીયાકોને ઝડપી પાડવાનો વિષય પોલીસ તંત્ર માટે પડકાર જનક બન્યો છે.

પોલીસ તંત્ર માટે શરમજનક: વર્ષ ૨૦૧૮માં નવલખીમાં આ જ જગ્યાએ ત્રણ આરોપીએ વિર્દ્યાર્થિનીને પીંખી નાંખી હતી

સંસ્કારીનગરીને લાંછન લગાડતી ઘટના ગુરૂવારે રાતે નવલખી મેદાનમાં બની હતી. પોતાના ફિયાન્સ સાથે નવલખીમાં બેઠેલી સગીરાને વાસના ભૂખ્યા બે વરૃઓએ કોઈ શિકારી પોતાના શિકારને ચૂંથી નાંખે તેમ પીંખી નાંખી હતી. આવી જ એક ધૃણાસ્પદ ઘટના મે – ૨૦૧૮માં નવલખી મેદાનમાં બની હતી. તે વખતે પોલીસે પોતાની ઈજ્જત બચાવવા યુવતીની ફરિયાદ જ નોંધી ન હતી અને હવસખોરોને સમાજમાં છુટા મુકી દીધા હતા. પોલીસે જે તે સમયે બનેલી ઘટના મુજબ આરોપીઓ વિરુદ્વ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હોત તો કદાચ આજે શહેરના માથે કાળી ટીલ્લી લાગી ન હોત.

પોલીસે કથિત ગેંગરેપની ફરિયાદને લૂંટમાં બદલી નાંખી હતી, પરંતુ પોલીસ તંત્ર માટે શરમજનક બાબત એ છે કે, ઘટનાના દોઢ વર્ષ બાદ પણ લૂંટારૃઓને પકડી શક્યા નથી. નવલખીમાં આવા કેટલાય બનાવો બન્યા છે, પરંતુ બહાર આવતા નથી, ત્યારે પોલીસ તંત્ર આળસ ખંખેરીને સગીરાઓ તથા યુવતીઓની આબરૃ લૂંટતા હવસખોરોને પકડી સમાજમાં દાખલારૃપ કાર્યવાહી કરે, તે જરૃરી બન્યું છે.

જૂના પાદરા રોડની વિર્દ્યાથિની અને તેનો બોયફ્રેન્ડ મે- ૨૦૧૮માં નવલખી મેદાનમાં બેઠા હતા, તે વખતે ત્રણ હવસખોરો વિર્દ્યાથિનીને ઝાડીમાં ખેંચી ગયા હતા. જ્યાં બે આરોપીએ તેની સાથે ગંદી હરકતો કરી હતી. આ ઘટના બાદ યુવક અને તેની પ્રેમીકા સૌપ્રથમ અકોટાના સામાજિક કાર્યકર પાસે ગયા હતા. તેમણે એક મહિલા સામાજિક કાર્યકર પાસે મોકલી આપ્યા હતા. મહિલા સામાજિક કાર્યકર યુવતીની વાત સાંભળીને એકદમ ચોંકી ઉઠ્યા હતા. તેમણે યુવતીને ફરિયાદ કરવા માટે હિંમત આપી રાવપુરા પોલીસ મથકે લઈ ગયા હતા. સગીરાએ પોતાની સાથે બનેલી ઘટની જાણ તત્કાલીન પીઆઈ બી.જી.ચેતરિયાને કરી હતી.

જોકે, તે વખતે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી અને તેને લગ્નમાં સબંધીના ઘરે મોકલી દીધી હતી. લગ્નમાંથી પરત આવ્યા બાદ તા. ૯ મે ૨૦૧૮ના રોજ ફરી મહિલા કાર્યકર વિર્દ્યાથિનીને લઈ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા. બબ્બે વખત પોલીસ મથકમાં ગયા બાદ વિર્દ્યાથિનીને એટલી હદે ડરાવી દેવામાં આવી હતી કે, તેણે પોલીસ ફરિયાદ કરવાનું જ ટાળી દીધું હતું. રાવપુરા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થતાં પોલીસે રેપની ફરિયાદ લૂંટમાં બદલી નાંખી હતી.

પોલીસે વિર્દ્યાથિનીના બોયફ્રેન્ડને ફરિયાદી બનાવી ત્રણ આરોપીઓ સિક્યુરિટી ગાર્ડની ઓળખ આપી મોબાઈલ ફોન, ચેઈન, ચાંદીની બે વીંટી, એટીએમ કાર્ડ અને પર્સ લૂંટી ગયા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ખુલ્લી જગ્યામાં કેમેરા તથા પોલીસ ચોકી મુકવાની સુફિયાણી વાતો કરી હતી, પરંતુ રાત ગઈ બાત ગઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસ માટે શરમજનક બાબત તો એ છે કે, ઘટનાના દોઢ વર્ષ બાદ પણ લૂંટારૃઓ પકડાયા નથી. નવલખી મેદાન રાત પછી ગુનેગારો તેમજ ગંજેરીઓનો કુખ્યાત અડ્ડો બની જાય છે, તેમ છતાં રાવપુરા પોલીસના આવા અસામાજીક તત્વો વિરુદ્વ કાર્યવાહી કરવામાં ટાંટિયા ધ્રુજી રહ્યાં છે.

બોયફ્રેન્ડે જન્મદિને આપેલી ગીફ્ટ પણ લૂંટારૃ લઈ ગયા હતા

ધો.૧૨ સાયન્સની વિર્દ્યાથિની તા. ૭ મે – ૨૦૧૮નો રોજ જન્મદિવસનો કેક કાપવા બોયફ્રેન્ડની સાથે મોડીસાંજે ૭ વાગ્યે નવલખી મેદાનમાં ગઈ હતી. તે વખતે ત્રિપુટીએ પોલીસનો રોફ જાડી યુવકને દોરડાથી બાંધી લાકડીના ફટકા માર્યા હતા. તે પછી ત્રણેય આરોપીઓ યુવતીને ઝાડીઓમાં ખેંચી ગયા હતા. જેમાં બે હવસખોરોએ યુવતીની આબરૃ લૂંટી હતી. તે પછી બર્થ ડે ગીફ્ટ તરીકે બોયફ્રેન્ડે યુવતીને આપેલું સોનાનું ઘરેણું પણ આરોપી લઈ ગયા હતા.

નવલખી ગ્રાઉન્ડમાંના દુષ્કર્મનો ઘટનાક્રમ

–સાંજે ૬-૩૦ કલાક ના અરસામાં કિશોરી ઘરેથી બહેનપણીને મળવા જવાનુ કહીને નીકળી

–સાંજે ૭-૦૦ કલાકે દાંડિયાબજાર ઉર્સના મેળામાં અને દર્શન માટે ગયા પરંતુ ગીર્દી હોવાથી ત્યાંથી નીકળી ગયા

–સાંજે ૭-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી નવલખી કમ્પાઉન્ડમાં કિશોરી તેના ફિયાન્સ સાથે વાતો કરતા બેસી હતી.

–રાત્રે ૮-૩૦ કલાકે આરોપીઓ કિશોરીને માર મારીને ઝાડીમાં ખેંચી ગયા

–રાત્રે ૮-૩૦ કલાક થી ૯-૩૦ કલાક સુધી આરોપીઓએ દુષ્કર્મ અને મુખ મૈથુન કર્યુ

–રાત્રે ૮-૫૦ કલાકે ફિયાન્સીને બચાવવામાં નિષ્ફળ રહેલા ફિયાન્સે પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કર્યો

–રાત્રે ૮-૫૩ થી ૮-૫૫ કલાક સુધીમા પોલીસ કન્ટ્રોલ રૃમની વરધી રાવપુરા પીઆઇને મળી

–રાત્રે ૯-૦૫ કલાકે પીસીઆરવાન અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

–રાત્રે ૧૦-૩૦ કલાકે કિશોરી નવલખીની ઝાડીમાંથી રસ્તો શોધીને પરિવારજનોને મળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન