Vadodara New Sama Road On Is the love affair responsible for the mysterious death of a mother and daughter
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરાના ન્યૂ સમા રોડના માતા-પુત્રીના ભેદી મોત પાછળ પ્રેમ સંબંધ જવાબદાર?  

વડોદરાના ન્યૂ સમા રોડના માતા-પુત્રીના ભેદી મોત પાછળ પ્રેમ સંબંધ જવાબદાર?  

 | 5:23 am IST
  • Share

  • તેજસ પટેલે પ્રેમસંબંધમાં પત્ની અને પુત્રીનો કાંટો તો નથી કાઢી નાંખ્યો ને
  • તેજસના પ્રેમ પ્રકરણની જાણ પત્ની શોભના અને સાસરિયાંઓને પણ થઈ ગઈ હતી
  • તેજસ તેની પ્રેમિકાને પામવા માગતો હતો, પ્રેમિકાએ સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી

 શહેરના ન્યુ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં માતા – પુત્રીના મોતને લઈ હજૂ સસ્પેન્સ થયાવત છે. માતા – પુત્રીના શરીરમાંથી પોઈઝનની હાજરી મળી છે, પરંતુ મૃતક મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન  શંકાસ્પદ છે. પોલીસને એવી પણ હકિકત જાણવા મળી છે કે, મૃતક પરણીતાના પતિ તેજસ પટેલના અન્ય યુવતી સાથે પ્રેમ સબંધો પણ હતા, આ પ્રેમ સબંધોમાં આડીખીલી રૂપ પત્નીની સાથે પુત્રીનો પણ તેજસે કાંટો તો નથી કાઢી નાંખ્યો ને? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.  

ન્યુ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં ઘર જમાઈ તરીકે રહેતો મૂળ ગોધરાનો તેજસ પટેલ (ઉં.વ.૩૧) ગેંડા સર્કલ પાસે સેન્ટ્રલ સ્ક્વેર મૉલમાં આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેજસ અહીંના મકાનમાં પત્ની શોભના તથા પુત્રી કાવ્યા સાથે રહેતો હતો.  

રવિવારે રાતે ૧૧.૩૦ વાગ્યે પુત્રી સોસાયટીમાં ગરબા રમી ઘરે આવી હતી. ત્યારબાદ તેજસ સુઈ ગયો હતો. મોડીરાતે બે વાગ્યાની આસપાસ તેજસ લધુશંકા માટે ઉઠયો હતો, ત્યારે માતા – પુત્રી

નિૃેત અવસ્થામાં પડેલા હતા. બંનેને હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. સયાજી હોસ્પિટલમાં માતા – પુત્રીના મૃતદેહનું પીએમ કરાયું હતું. જેમાં બંનેના શરીરમાંથી ઝેરની હાજરી મળી હતી, પરંતુ મૃતક શોભનાબેનના ગળાના ભાગે નખથી થયેલી ઈજાના નિશાન જણાયા હતા.  આ ઈજાના નિશાન બાબતે હજૂ સુધી તેજસે પોલીસને ગળે ઉતરે તેવો યોગ્ય ખુલાસો કર્યો નથી. હાલ પોલીસ આપઘાતની સાથે હત્યાની દિશામાં પણ તપાસ કરી રહી છે અને તપાસ તેજસની આસપાસ ફરી રહી છે. કારણ કે, પોલીસ તપાસમાં તેજસના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધો જાહેર થયા છે.

શોભનાનો ભાઈ અને તેજસ એક જ જગ્યાએ નોકરી કરતા હતા

શોભનાને પતિ તેજસના પ્રેમસંબંધ વિશે જાણકારી હતી

વર્ષ ૨૦૧૭-૧૮માં શોભનાને પતિના પ્રેમ સબંધ વિશે અણસાર આવી ગયો હતો. શોભનાનો સગોભાઈ અને તેજસ એક જ જગ્યાએ નોકરી કરતા હતા. તેને પણ બનેવીના સબંધોની જાણ થઈ હતી. જેથી સાળાએ તેજસની માતાને ઘરે બોલાવી આ બાબતે ચર્ચા પણ કરી હતી. જે તે વખતે માતાએ તેજસને ઠપકો આપતાં વિષય આગળ વધ્યો ન હતો.  

દરમિયાન શોભનાનો ભાઈ નોકરી છોડી રિલાયન્સ એપ્લાયન્સિસમાં લાગ્યો હતો. જેને લઈ તેજસને ફરી મોકળું મેદાન મળી ગયું હતું. જોકે, તેજસના ઘરમાં પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ હોવાથી યુવતીએ તેની સાથેના સબંધો ઓછા કરી નાંખ્યા હતા. દરમિયાન તેજસને એવી ખબર પડી હતી કે, તેની પ્રેમીકા અન્ય યુવક સાથે પણ વાત કરે છે. જેથી તેણે પ્રેમીકાને તું તેને છોડી મને અપનાવી લે, તેમ કહેતો હતો, પરંતુ તેજસ પરણીત હોવાથી યુવતીએ તેના જીવનમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેમ છતાં તેજસે તેની હેરાનગતિ ચાલુ રાખી હતી. આખરે, યુવતીએ કંટાળી એક અઠવાડિયા પહેલા તેના ભાઈને તેજસ હેરાન કરતો હોવાની જાણ કરી હતી. જેને લઈ તેજસ નાસીપાસ થઈ ગયો હતો.  

બીજી તરફ પત્ની શોભનાએ તેજસની બહેન વિશે ગમે તેવી ટીપ્પણી કરી હતી. જેને લઈ તેમની વચ્ચે ઝઘડા થતા હતા. એક તરફ પ્રેમીકાનો સાથ છુટી જતાં તથા પત્ની બહેન વિશે બોલતી હોઈ તેજસે આવેશમાં આવી પત્ની શોભના સાથે ઝપાઝપી કરી ગળાના ભાગે નખોરિયા માર્યા હોવાની પણ શંકા સમા પોલીસે વ્યક્ત કરી છે. નખના નિશાન પણ તાજા છે. એટલે, ઝપાઝપી બાદ શોભના અને માસુમ કાવ્યા સાથે એવી કોઈ ઘટના બની છે કે, એક સાથે માતા – પુત્રીના મોત થયા છે.  માનીએ કે, નખ મારવાથી શોભનાનું મોત થયું નથી, પણ તેની સાથે કોઈ ઘટના બની છે, તે વાત ચોક્કસ છે. જેને લઈ પોલીસે તેજસ વિરુદ્વ તપાસનોે ગાળિયો વધુ મજબુત કર્યો છે અને એકાદ દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

માતા-પુત્રીના મોતથી ઉઠેલા સવાલો 

ઘરમાં ઉંદર જ નથી તો તેને મારવાની દવા કોણ લાવ્યું?   ધાબા પર ઓરડીમાં ઉંદર મારવાની દવા કોણ મુકી આવ્યું? પોલીસને ગેરમાર્ગે દોરવા ઉંદર મારવાની દવા લવાઈ હતી? ખરેખર, ઉંદર મારવાની દવાથી માતા-પુત્રીનું મોત થયું છે કે પછી અન્ય કોઈ ઝેરી દવાથી?  શું શોભનાબેને પુત્રીને પહેલા દવા પીવડાવી પોતે પી લીધી હતી? માત્ર અઢી કલાકના ગાળામાં જ માતા-પુત્રીના મોત થયા, દવા પીધા પછી ઉલ્ટીઓ પણ નથી થઈ?  શોભનાબેને જાતે જ દવા પી લીધી હોય તો ગળાના ભાગે ઈજાના નિશાન શેના છે?

પત્નીના ગળા પર નખના નિશાન, પોલીસે તેજસના હાથના નખના સેમ્પલ તપાસ અર્થે લીધા 

શોભનાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન હત્યાની ચાડી ખાઈ રહ્યાં છે. જેથી પોલીસ શરૂઆતથી જ શંકાના દાયરામાં આવેલા પતિ તેજસની ધનિષ્ઠ પુછપરછ પણ કરી રહી છે. આજે પોલીસે તેજસને સાથે રાખી તેના હાથના નખના સેમ્પલ તપાસ અર્થે લીધા હતા. આ ઉપરાંત બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેથી શોભનાબેનના ગળાના ભાગે ખરેખર તેજસના નખના નિશાન છે કે કેમ? તે જાણી શકાય.

માસૂમ કાવ્યાનો શું વાંક ? રમકડાં પણ ઘરમાં પડી રહ્યા 

ઘરની એક દિવાલ પર હેપ્પી ફેમિલીના ટેગ સાથે હસતા ખેલતા પરિવારનો ફોટો લગાવેલો છે. ફોટોમાં શોભનાબેન અને તેજસ માસુમ પુત્રી કાવ્યાને વ્હાલ કરી રહ્યાં છે, પરંતુ કમનસીબે માતા – પુત્રી હવે દુનિયામાં નથી. કાવ્યા જે બેડ પર ઉંઘતી હતી, ત્યાં તેના રમકડાં પડયા હતા. ફ્રિજમાં તેની ચોકલેટ પણ હતી. આખી ઘટનામાં લોકોના મુખે એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, માસુમ કાવ્યાનો શું વાંક? નવરાત્રીના દિવસોમાં ગરબા રમવાની હામ ધરાવતી બાળકીનો જીવ લેતાં કેવી રીતે જીવ ચાલ્યો હશે? આ સવાલોએ કઠણ કાળજાના માનવીના હૃદયને હચમચાવી નાંખ્યું છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો