Vadodara Police Busted Two Accused With Illegal Substance
  • Home
  • Featured
  • વડોદરામાંથી ઝડપાયું સોનાંથી પણ વધુ ‘મ્યાઉં મ્યાઉં’ ડ્રગ્સ, 10 ગ્રામની કિંમત 1 લાખ રૂપિયા

વડોદરામાંથી ઝડપાયું સોનાંથી પણ વધુ ‘મ્યાઉં મ્યાઉં’ ડ્રગ્સ, 10 ગ્રામની કિંમત 1 લાખ રૂપિયા

 | 9:10 pm IST

દેશના યુવાધનને બરબાદ કરતાં નશાયુક્ત પદાર્થોને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર સતત કાર્યશીલ છે. વડોદરા એસઓજીને મળેલ બાતમીને આધારે વોચ દરમિયાન બે યુવાનોને નશો કરવા માટે ઉપયોગમાં લેવાતાં મેથાફેટામાઇન ડ્રગ્સ સાથે બે ડ્રગમાફિયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. એસઓજીએ કાર અને ડ્રગ્સ સાથે 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લોકડાઉનના કારણે પોલીસે ઠેર-ઠેર ચેક પોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ કરતી હતી. જેના કારણે ડ્રગ્સ હેરાફેરી પર ઘણો ખરો અંકુશ આવી ગયો હતો. પરંતુ લોકડાઉનમાં છૂટછાટ મળતાં જ ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે. જેમાં ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનો એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે, દેણા ચોકડી પાસે સ્કોર્પિયો કારમાં બે ડ્રગ માફિયાઓ મેથાફેટામાઈનનો જથ્થો લઇ દેના ચોકડીથી પસાર થવાના છે. આ બાતમીને આધારે બપોરે એસઓજીએ વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી.

પોલીસે સ્કોર્પિયો કારમાં ઝડતી કરતાં ગાડીના પાછળના દરવાજાના બટનવાળા કવરની અંદર છુપાવી રાખેલ પ્લાસ્ટિકના ઝીપ લોકવાળી થેલીમાં રાખેલ મેથાફેટામાઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 470 ગ્રામ ડ્રગ્સની કિંમત 47 લાખ રૂપિયા થાય છે. તેમજ સ્કોર્પિયો ગાડી રૂપિયા 10 લાખ તથા મોબાઇલ ફોન દસ હજાર મળી કુલ 57 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. SOGએ નરેન્દ્ર ઉર્ફે ચેલારામ ચૌધરી રહે. રાજસ્થાન અને હાલ રહે. વાઘોડિયા રોડ, બીજો આરોપી પંકજ ઉર્ફે વિક્રમ માગુકિયા મૂળ રહે. બોટાદ અને હાલ રહે. વાઘોડિયા રોડને ઝડપી પાડયા હતા.

આ મામલે વડોદરાના જોઈન્ટ કમિશનર કેસરીસિંહ ભાટીએ જણાવ્યું કે, આરોપી નરેન્દ્ર ચૌધરી રાજસ્થાનથી ફોર વ્હીલના સ્પેરવ્હીલમાં તેમજ દરવાજાના પડખામાં ડ્રગ્સ લાવતો હતો. અને વડોદરા મુકામે રહેતાં તેના સાગરીત મારફતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. અને પોલીસને જાણ થાય નહીં તે માટે કોઈ એડવાન્સ ઓર્ડર લેતો ન હતો અને ગ્રાહકો જે વિસ્તારમાં રહેતાં હોય તે વિસ્તારમાં જઈને સંપર્ક કરીને ડ્રગ્સની હેરાફેરી કરતાં હતા. ડ્રગ્સ માફિયાઓ એટલાં હોશિયાર હતા કે તેઓ મોબાઇલ ફોનથી કોઈપણ ગ્રાહકનો સંપર્ક કરતા ન હતા.

આરોપી નરેન્દ્ર ચૌધરી સામે વર્ષ 2016માં રાજસ્થાનના ઝાલોરમાં NDPSનો ગુનો નોંધાયા છે. જ્યારે પકંજ માંગુકિયા સામે સુરતમાં મારામારી અને વડોદરાના નંદેશરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ડ્રગ્સ સોનાં કરતાં પણ વધારે છે. અને તેનો નશો ખાનદાની નબીરાઓ જ કરતાં હોય છે. તેની 10 ગ્રામની કિંમત 1 લાખ રૂપિયા છે. અને 1 ગ્રામની કિંમત 10 હજાર રૂપિયા છે.

એસ.ઓ.જીએ બંને આરોપીને કોરોના રિપોર્ટ માટે ટેસ્ટ કરાવ્યા છે. આરોપી પંકજ અને નરેન્દ્ર ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતાં હતા તેની તપાસ હાલ ચાલુ છે. ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે. આગામી દિવસમાં અનેક ચોંકાવનારા ખુલાસા એસઓજી કરશે.

આ વીડિયો પણ જુઓઃ વડોદરામાં દારૂની ખાલી બોટલો મળી આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન