વડોદરા એસટી ડેપોમાંથી ૧૧ કિલો ગાંજા સાથે મધ્યપ્રદેશનું દંપતી ઝડપાયું

212

વડોદરા એસટી ડેપોમાંથી ગઈકાલે નમતી બપોરે સયાજીગંજ પોલીસે ગાંજા સાથે મધ્યપ્રદેશના દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે દંપતી પાસેથી ૧૧ કિલો ૩૪૩ ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ ૧,૨૮૦ મળી કુલ રૃ. ૬૯,૯૩૯નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દંપતી ધોળકા જવા માટે બસની પૂછપરછ કરતું હતું
એસટી ડેપોમાં સોમવારે બપોરે અઢી વાગ્યે એક દંપતી આવ્યું હતું. દંપતીએ ધોળકા જવા માટે બસની પૂછપરછ કરી હતી. ત્યારબાદ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતાં તેમની પાસેના થેલામાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હોવાની ગંધ આવી હતી, જેની જાણ થતાં સયાજીગંજ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં ગાંજા જેવો પદાર્થ હોવાનું લાગ્યું હતું. જોકે, પોલીસે તેની ખરાઈ કરાવવા એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની તપાસમાં દંપતી પાસેથી મળેલો નશીલો પદાર્થ ગાંજો હોવાનુ પુરવાર થયું હતું.

ગામનો એક આદિવાસી યુવક આપી ગયો હોવાની દંપતીની કબુલાત
સયાજીગંજ પોલીસે એનડીપીએસની કલમ ૮ (સી), ૨૦ (બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી રામદેવ હરીજી પાટીદાર અને તેની પત્ની પ્રભા રામદેવ પાટીદાર (રહે, ખંડવા ગામ, જિ.ધાર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. આરોપી દંપતીની પૂછપરછમાં તેમણે ગામનો એક આદિવાસી યુવક આપી ગયો હોવાની કબૂલાત કરી હતી, પરંતુ તેનું નામ જણાવ્યું ન હતું. ગાંજો ધોળકામાં કોને આપવાનો હતો? તેને લઈને પણ આરોપીઓેએ ગોળગોળ જવાબ આપ્યાં હતા. આ કેસની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાંચના અધિકારીએ રામદેવ અને પ્રભા પાટીદારને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

કોર્ટે સાત દિવસના રિમાન્ડ
સોમવારે બપોરે એસટી બસ સ્ટેન્ડ ઉપરથી પકડાયેલા મધ્યપ્રદેશના દંપતીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ગાંજા સાથે પકડાયેલા દંપતીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.