મહાનુભાવ : ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ગીતકાર - મજરુહ સુલતાનપુરી - Sandesh
  • Home
  • Featured
  • મહાનુભાવ : ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ગીતકાર – મજરુહ સુલતાનપુરી

મહાનુભાવ : ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ગીતકાર – મજરુહ સુલતાનપુરી

 | 12:43 pm IST

મજરુહ સુલતાનપુરી હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગીતકાર અને ઉર્દૂ ભાષાના શ્રેષ્ઠ શાયર હતા. મજરુહ સુલતાનપુરીએ તેમની રચનાઓ વડે દેશ, સમાજ અને સાહિત્યને એક નવી દિશા આપી. તેમણે નૌશાદથી લઈને એ.આર. રહેમાન સુધીના બધા જ મ્યુઝિક ડિરેક્ટર સાથે કામ કર્યું છે.

  • મજરુહ સુલતાનપુરીનું સાચું નામ અસર હુસેન ખાન છે.
  • સુલતાનપુરીનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૧૯માં યુપીના નિઝામાબાદનાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા પોલીસ અધિકારી હતા. તેમના પિતા નહોતા ઇચ્છતા કે તેઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે, એટલે તેમણે સુલતાનપુરીને મદ્રાસમાં એડમિશન અપાવ્યું. ત્યાંથી તેમણે અરબી, ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાાન મેળવ્યું અને આલીમની ડિગ્રી મેળવી આગળના અભ્યાસ માટે લખનૌ ગયા. અહીં તકમીલ-ઉત-તિબ યુનાની કોલેજથી તેમણે ડોક્ટરની ડિગ્રી મેળવી.
  • સુલતાનપુરીએ ડોક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૃઆત તો કરી, પણ તેમને રસ તો શેર-શાયરીમાં જ હતો. જ્યારે તેઓ લખનૌ રહેતાં હતાં ત્યારે સુલતાનપુરમાં મુશાયરાનું આયોજન થયું હતું, જેમાં તેમણે ભાગ લીધો અને તેમની ગઝલ બધાને બહુ પસંદ આવી. તેમને ડોક્ટરી કરવા કરતા વધુ આનંદ શાયરીમાં આવતો હતો અને એટલે તેમણે અંતે ડોક્ટરી મૂકી દીધી.
  • ૧૯૪૫માં સુલતાનપુરીએ મુંબઈમાં આવેલા સબુ સિદ્દક ઇન્સ્ટિટયૂટમાં યોજાયેલા એક મુશાયરામાં ભાગ લીધો. તેમની ગઝલ અને કવિતાઓને શ્રોતાઓ દ્વારા વખાણવામાં આવી. મુશાયરામાં હાજર શ્રોતામાં ફિલ્મ પ્રોડયુસર એ.આર. કરદાર પણ હતા. તેઓ મજરુહની ગઝલથી એટલા પ્રભાવિત થયા કે તેની મુલાકાત જિગર મુરાદાબાદી સાથે કરાવી.
  • મુરાદાબાદીએ સુલતાનપુરી સમક્ષ ફિલ્મોનાં ગીત લખવાનો પ્રસ્તાવ મૂક્યો. મજરુહએ પહેલાં તો ના પાડી પરંતુ મુરાદાબાદીના દબાણને લીધે અંતે તેમણે શાહજહાં ફિલ્મનાં ગીત લખ્યાં.
  • સુલતાનપુરી હિન્દી સિનેજગતના પહેલા ગીતકાર છે, જેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમના ગીત બદલ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઇકબાલ સન્માન અને મહારાષ્ટ્ર સરકારે સંત જ્ઞાાનેશ્વર પુરસ્કાર પણ એનાયત કર્યો છે. તેમના જીવનનાં પચાસ વર્ષ તેમણે સિનેજગતને સમર્પણ કર્યાં છે અને ૩૫૦થી વધુ ફિલ્મોનાં ગીત પણ લખ્યાં છે.