Vakil Saheb Important Play Role in PM Modi's Life
  • Home
  • Featured
  • નરેન્દ્ર મોદી આ વ્યક્તિને કરતાં મનની બધી જ વાત, આમને શીખવ્યા હતા રાજકારણના પાઠ

નરેન્દ્ર મોદી આ વ્યક્તિને કરતાં મનની બધી જ વાત, આમને શીખવ્યા હતા રાજકારણના પાઠ

 | 8:52 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદીએ પોતાની મહેનતના દમ પર રાજકારણની સફરમાં સફળતાની તમામ સીડી ચઢી છે પરંતુ તેમના વ્યક્તિત્વને ઘડવામાં એક શખ્સે ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી છે. આ શખ્સ બીજું કોઇ નહીં પરંતુ ગુજરાતના જ વકીલ સાહેબ હતા જેમણે મોદીને અનુશાસન અને રાજકારણના તમામ પાઠ શીખવાડ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં વકીલ સાહેબના નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વકીલ સાહેબ સાથે તેઓ પોતાના મનની દરેક વાતો શેર કરતાં હતા.

વકીલ સાહેબનું અસલી નામ લક્ષ્મણરાવ ઇનામદાર હતું. વકીલ સાહેબનું ઇન્ટરવ્યુમાં નામ આવતા જ લોકોમાં એ જાણવાની તાલાવેલી વધી ગઇ હતી આખરે આ વકીલ સાહેબ છે કોણ કે જેમની સાથે નરેન્દ્ર મોદી બધી જ વાત દિલ ખુલીને કરતાં હતા. તો આવો આ વકીલ સાહેબ અંગે આપને વિગતે જણાવીએ.

નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ઘડવામાં ઇનામદારનું મોટું યોગદાન

ગુજરાતમાં આરએસએસના સંસ્થાપકોમાંથી એક વકીલ સાહેબની પીએમ મોદીની મુલાકાત એ સમયે થઇ હતી જ્યારે મોદી સંઘના સ્વયંસેવક હતા. નરેન્દ્ર મોદીની ચાવાળાથી લઇ ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં વડાપ્રધન સુધીની સફરમાં વકીલ સાહેબની અગત્યની ભૂમિકા હતી. આમ લક્ષ્મણરાવ ઇનામદાર જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સંઘના પ્રચારક તરીકે કામ કરતા હતા. એ સમયે તેઓ સતત તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જે પ્રકારે સંગઠન કૌશલ્ય જોવા મળી રહ્યું છે. તેમાં ઇનામદારનું મોટું યોગદાન છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા પુસ્તક જ્યોતિ પુંજમાં કરાયો છે.

લક્ષ્ણરાવ ઇનામદાર હતા કોણ

લક્ષ્મણરાવ નામદાર મૂળ મહારાષ્ટ્રના હતા. તેમનો જન્મ 19 સપ્ટેબર 1917ના રોજ ગામ ખટાવ જિલ્લાના સતારા ખાતે થયો હતો. તેમના પરિવારે શિવાજી મહારાજની સ્વરાજની લડતમાં મોટો ભાગ ભજવ્યો હતો. જેને કારણે શિવાજીના પૌત્રએ તેમની જમીન અને સરદારની ઉપાધિ આપી હતી. ત્યારથી આ પરિવાર ઇનામદાર તરીકે ઓળખાતો હતો. તેમના દાદાએ સંઘર્ષ કરીને પરિવારને એકજૂથ રાખ્યો હતો. જેને લીધે તેમના મનમાં બધાને સાથે રાખવાના સંસ્કાર દઢ થયા. તેઓ 1943માં સંઘના પ્રચારક બન્યા હતા. તેમણે લગ્ન કર્યા નહોતા અને સાદા જીવનના નિયમનું તેમણે પાલન કર્યું હતું.

કેવી રીતે થઇ મુલાકાત

પીએમ મોદીએ 17 વર્ષની ઉંમરમાં 1969માં હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વડનગરમાં પોતાનું ઘર છોડી દીધું. 2014મા પ્રકાશિત કિશોર મકવાનાના પુસ્તક કોમન મેન નરેન્દ્ર મોદીમાં તેમણે કહ્યું હતું કે હું કંઇક કરવા માંગતો હતો પરંતુ જાણતો નહોતો કે શું કરું. તેમણે રાજકોટમાં રામકૃષ્ણ મિશન આશ્રમથી યાત્રા શરૂ કરી અને કોલકત્તા નજીક હુગલી કિનારે બેલ્લુર મઠ પહોંચ્યા. થોડોક સમય રામકૃષ્ણ મિશનના મુખ્યાલયમાં વિતાવ્યો. પછી ગુવાહાટી જતા રહ્યા. ત્યારબાદ અલ્મોડામાં સ્વામી વિવેકાનંદના બીજા એક આશ્રમમાં રહેવા લાગ્યા.

મોદીની ઇનામદાર સાથે પહેલી વખત 1960મા મુલાકાત થઇ હતી. 1943થી ગુજરાતમાં ઇનામદાર સંઘના પ્રાંત પ્રચારક હતા. શાખાઓમાં આવવા માટે છોકરાઓને પ્રોત્સાહન કરતા હતા. તેમણે ધારાપ્રવાહ ગુજરાતીમાં જ્યારે વડનગરમાં સભાઓને સંબોધિત કરી તો મોદી તેમના ભાવિ ગુરૂજી પર મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. પીએમ મોદી બે વર્ષ બાદ વડનગર પાછા આવ્યા. થોડાંક દિવસ પોતાના ઘરમાં રહ્યા બાદ મોદી ફરીથી અમદાવાદ જવા રવાના થઇ ગયા અને પોતાના કાકાની ચાની દુકાનમાં રહેતા કામ કરવા લાગ્યા.

થોડાંક સમય બાદ અહીં તેમનો ફરી એકવખત વકીલ સાહેબ સાથે સંપર્ક થયો જે શહેરમાં સંઘના મુખ્યાલય હેડગેવર ભવનમાં રહેતા હતા. ત્યારબાદ પીએમ મોદી પોતાના ગુરૂ વકીલ સાહેબના સાનિધ્યમાં આરએસએસ ઓફિસ આવી ગયા. મોદી પોતાના ગુરૂની સામેના 3 નંબરના રૂમમાં રહેતા હતા. હેડગેવાર ભવનમાં તેમની શરૂઆત સૌથી નીચલી સપાટી પરથી થઇ. તેઓ પ્રચારકો માટે ચા બનાવતા હતા. એ સમયે કોમ્પલેક્સની સફાઇ કરતા હતા અને ગુરૂના કપડાં ધોતા હતા. આ સિલસિલો એક વર્ષ સુધી ચાલ્યો.

વકીલ સાહેબનું હાલ અમદાવાદ સાથે ખાસ કનેકશન

બીજી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા. એ સમયે તેમના દ્વારા સંઘની યોજના મુજબ વકીલ સાહેબની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે સંઘ વિચારધારાનો વધુ ફેલાવો થાય તે માટે શિક્ષણ ક્ષેત્રે મણિપુરમાં સંસ્કાર ધામનું નિર્માણ કરાયું હતું. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 88 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ પાસે ઓવર બ્રિજ બનાવાયો છે. જેને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાતના પૂર્વ પ્રાંત પ્રચારક લક્ષમ્ણરાવ ઇનામદાર નામ આપવામાં આવ્યું છે. બોપલ બ્રીજને વકીલ સાહેબના નામથી જાણીતા લક્ષ્મણરાવ ઇનામદાર બ્રીજ નામ કેમ અપાયું તેની પાછળ એક ઋણાનું બંધની વાત છે.

PM મોદીને ખૂબ શિખવાડ્યું

મોદીએ ખૂબ નજીકથી જોયું કે વકીલ સાહેબ જે રીતે રાજ્યમાં સંઘનો પ્રચાર કરતાં હતા. તે ખૂબ વાંચતા અને પોતાની સાથે એક ટ્રાંજિસ્ટર રેડિયો રાખતા હતા તેના પર બીબીસી વર્લ્ડ સર્વિસ નિયમિત રીતે સાંભળતા હતા. જવાનીમાં કબડ્ડી અને ખો-ખો રમવાના શોખીન હતા પરંતુ બાદમાં પ્રાણાયામથી પોતાને સ્વસ્થ રાખતા હતા. ઇનામદારનો સ્વભાગ મિત્રતાભર્યો અને ખૂબ જ સહજ હતો. 1972મા તેમણે ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને સંઘના પ્રચારક બનાવી દીધા. 1985મા વકીલ સાહેબનું નિધન થઇ ગયું હતું.

આ વીડિયો પણ જુઓ – મા રેવાનાં શરણે મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન