`Be My valentine' : સહિયારા શ્વાસનું સરનામું!  - Sandesh
  • Home
  • Columnist
  • `Be My valentine’ : સહિયારા શ્વાસનું સરનામું! 

`Be My valentine’ : સહિયારા શ્વાસનું સરનામું! 

 | 5:52 am IST

રોંગનંબર :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

ડો. રાજા રમન્ના જેવો ભારતીય ઓટોમિક ઇમ્પ્લોઝનનો પિતા અને પ્રખર વિજ્ઞાની એક દિવસ પિયાનો પર બેસીને ક્લાસિકલ વેસ્ટર્ન મ્યુઝિક વગાડે છે ત્યારે તેના સહકર્મચારીઓને આશ્ચર્ય થાય છે! ભારતીય પ્રક્ષેપકોના પિતા અને ત્રિશૂલ, પૃથ્વી, આકાશ, નાગ તેમજ અગ્નિ જેવાં મહાશક્તિશાળી ગાઇડેડ મિસાઇલ છોડી શકનાર આ સદીના મહાવિજ્ઞાની ડો. અવૂલ પાકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ પોતાની તમિળ ભાષામાં કવિતાઓ લખે છે ત્યારે પણ તેમના સહ-વિજ્ઞાનીઓ હેરત પામી જાય છે! આમ થવાનું એક જ કારણ કે આ બંને મહાનુભાવો એ, વિજ્ઞાનીઓ હોવા છતાં, પોતાના લોહીમાં લાગણીના લયને અને શ્વાસમાં પ્રેમની સરગમને બૂઝવી નહોતા નાખ્યા. મનુષ્યમાત્રને પ્રેમ કે લાગણી વ્યક્ત કરવાનો જન્મસિદ્ધ અને હૃદયસિદ્ધ અધિકાર છે એવું આ બંને મહાનુભાવોએ જીવી બતાવીને ‘માણસ હોવા’નું સિદ્ધ કર્યું છે. પ્રેમને જાળવી રાખવા માટેનો એક જ માર્ગ છે, પણ એને વ્યક્ત કરવા માટે તો અનેક માર્ગ છે. કોઈ બોલીને વ્યક્ત કરે, કોઈ ગીત-સંગીતનો આશરો લઈને, કોઈ ફૂલ કે સ્મિતની ગિફ્ટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.  પ્રેમને વ્યક્ત કરવા માટે વસંત પંચમી કે વેલેન્ટાઇન ડે ની રાહ જોઈને ના બેસાય. સેન્ટ પર સેન્ટ માણસ માટે તો ‘એવરી ડે ઇઝ વેલેન્ટાઇન ડે’ હોય !  આજે ‘વેલેન્ટાઇન ડે’ છે. વેલેન્ટાઇન ડે ઊજવવાની મોનોપોલી ફક્ત માણસોની જ હોય એવું નથી, રાજકારણીઓ પણ ઊજવતા હોય છે. જોકે ફરક એટલો કે રાજકારણીઓ-વેલેન્ટાઇન ડે ઊજવે છે ત્યારે યોજનાબદ્ધ ઊજવે છે. એમાં પ્લાનિંગ હોય છે. ‘Be my Valentine’ કહીને સામેની વ્યક્તિને ઇમોશનલ બનાવી પોતાની પાર્ટીમાં કેવી રીતે ખેંચી લેવી એનું જબરજસ્ત પ્લાનિંગ હોય છે. સ્ટ્રેટેજીનો પૂરો વિચાર કરીને જ આ લોકો વેલેન્ટાઇન ડે ઊજવતા હોય છે. વેલેન્ટાઇન માટેનું પણ એક બજેટ હોય છે. નાણાંનું નહીં, શબ્દોનું બજેટ. વચનોનું બજેટ, વિચારોનું બજેટ.

ચૂંટણીની મોસમ હોય ત્યારે તો એકબીજાંને ‘Be my Valentine’ કહેવા દોડાદોડી કરતાં રાજકારણીઓને પકડી રાખવા પડે. કોઈકના વેલેન્ટાઇન બનવાનો કે કોઈકને વેલેન્ટાઇન બનાવવાનો ઉછાળો, આ મોસમમાં, ઓલ ટાઇમ હાઇ રહેતો હોય છે. દિલ્હીમાં ‘ફિરસે એકબાર કેજરીવાલ સરકાર’ સૂત્રની ટીકા કરનારા કટ્ટર ટીકાપ્રેમીઓ પણ આજે કેજરીવાલના ઘરની સામે હાથમાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ લઈને વેલેન્ટાઇન વિશ કરવા લાઇનમાં આવીને ઊભા છે. ‘લાઇનમાં હોવું’, ‘લાઇનમાં રહેવું’, અને ‘લાઇનમાં આવી જવું’ એમાં ફરક છે સાહેબ! સમય ભલભલાને લાઇનમાં લાવી દેતો હોય છે! વેલેન્ટાઇનો એક આદર્શ છે કે પ્રેમ વ્યક્ત કરવાથી, પ્રેમ વ્યક્ત કરનારને અને જેને વ્યક્ત કરવામાં આવે છે એ વ્યક્તિને – બંનેને એક સ્વર્ગીય અનુભૂતિ પ્રાપ્ત થાય છે, એવું આપણા ન્યૂ ચાણક્યનું કહેવું છે. આજે ભાજપાના અને કોંગ્રેસના પરાજિત નેતાઓ તો કેજરીવાલને વેલેન્ટાઇન વિષ કરવા આવે એ સમજી શકાય એવી વાત છે કેમ કે આશા અમર છે, પણ વિપક્ષના જે લોકો જીતી ગયા છે એ લોકો પણ લાઇનમાં ઊભા છે એ ગળે ઊતરે એવી વાત નથી. છતાં ઊતરી જાય છે કેમ કે આ ભારતીય રાજકારણીઓ છે. અહીં બધું જ અશક્ય લાગતું શક્ય બની જતું હોય છે.

સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રે વેલેન્ટાઇન ડે કઈ રીતે ઊજવાય છે એનું રસપ્રદ વર્ણન :

રાજક્ષેત્ર : ‘Be my Valentine’ આવું અહીં જાહેરમાં બોલાય છે, પણ ખાનગીમાં તો I hate you બોલાતું હોય છે. જોકે આવુંય પ્રેમ હોય તો જ બોલાય ને! નફરકત કરવા માટે પણ કોઈકે પસંદગી તો આપણી જ કરી ને, એવું સમજવાનું ઉદારીકરણ ભલે સમાજકારણમાં ન હોય, રાજકારણમાં તો છે જ! અહીં કોઈનાય વેલેન્ટાઇનો સ્થાયી અને કાયમી નથી હોતા, પરિણામે આયારામ-ગયારામની અવિરત સિરિયલ ચાલ્યા કરે છે. રાજકારણીઓ માટે એવું કહેવાય છે કે સાચો રાજકારણી ક્યારેય કોઈનો મિત્ર પણ નથી, શત્રુ પણ નથી અને વેલેન્ટાઇન પણ નથી. ‘કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે…’ એ ભજન આ લોકોએ સાચું પાડયું છે.

ધર્મક્ષેત્ર : પ્રેમ જેવો કોઈ ધર્મ નથી એ મંત્ર ધર્મક્ષેત્રનો છે. સ્વાર્થ જેવો કોઈ ધર્મ નથી એ મંત્ર ધર્મના નામે ચાલતા કોઈપણ ક્ષેત્રનો છે. અહીં પણ લોકો ધર્માત્માઓ પાસે એક અમર આશા લઈને આવતા હોય છે અને કહેવાતા ધર્માનુભાવોની તનથી, મનથી અને (લોકોના)ધનથી પ્રેમ સેવા કરનારા વેલેન્ટાઇનોની ખોટ નથી. ગયા વરસે આ જ દિવસે અમારે ધર્મઉદ્યોગ એન્ટ્રેપ્રેન્યોર એવા આત્માનંદ ધર્માત્માના એક આશ્રમે જવાનું થયેલું. આ આત્માનંદજીએ ભારતને વિશ્વગુરુ બનાવવાનું બીડું ઝડપ્યું છે એ આનંદની વાત છે. જો કે આનંદ એમના શિષ્યનું નામ છે. અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હોવાથી વેલેન્ટાઇન વિશ કરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડેલું નહીં. ‘બી માય વેલેન્ટાઇન ગુરુજી!’ કહીને અમે પ્રણામ કરી એમના શ્રીચરણોમાં બંધ કવર મૂક્યું. કવરને ઝભ્ભાના ખિસ્સામાં મૂકી આત્માનંદજીએ પોતાનાં ચક્ષુદ્વાર બંધ કરીને કહ્યું : ‘હરિ, હરિ હવે તું જા. I am in hurry.’ કહી એ ઊભા થવા જતા’તા ત્યાં જ અમે વિનંતી કરી, ‘આત્માનંદજી, આજે ૧૪મી ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે છે… હું તમને વિશ કરી, તમારા આશીર્વાદ લેવા…’ છરી વડે કોઈ દૂધી કાપી નાખે એમ, એક ઝાટકે અમારી વાતને કાપી નાખતાં એમણે કહ્યું, ‘કીધુંને, કે પછી કોઈ પણ દિવસે આવજે. અહીં તો અમારે બારે મહિના અને ચોવીસે કલાક વેલેન્ટાઇન ડે જ ઊજવાય છે. વાત રહી આશીર્વાદની, તો એ તો જે ક્ષણે તારું કવર મારા ખિસ્સામાં ગયું, એ જ ક્ષણે મારા આશીર્વાદ તારા લાઇફ એકાઉન્ટમાં જમા થઈ ગયા સમજ’ આજે મારા ફૈંઁ ભક્તો માટે હું એડવાન્સમાં બુક થઈ ગયો છું. એ લોકો સાથે વેલેન્ટાઇનોત્સવનો સમય શરૂ થવામાં છે. તું ભાગ અહીંથી.’

અર્થક્ષેત્ર : સરકાર રિઝર્વ બેન્કને Be my valentine વિશ કરે છે. રિઝર્વ બેન્ક અન્ય બેન્કોને, અને અન્ય બેન્કો જનતાને આવું કહીને, (ઓછા વ્યાજે) ડિપોઝિટ મૂકવા અને (વધુ વ્યાજે) લોન લઈ જવા આર્થિક લાગણી વ્યક્ત કરતી રહે છે. ‘Be my Valentine’ કહીને સામેની વ્યક્તિની લાગણી જ જીતી શકાય એવું થોડું છે, આખેઆખું ખિસ્સું પણ જીતી શકાય છે! હમણાં હમણાં તો કેટલીક પ્રેક્ટિકલ પત્નીઓ દર મહિનાની ૧૪મી તારીખની વહેલી સવારે સુગંધભર્યું સ્મિત કરીને Be my Valentine કહીને પોતાના પતિના હાથમાં કોફી કપ મૂકી દે છે. પરિણામે આટલી મંદીમાં પણ સાડી બજાર અને સોના બજારમાં તેજી આપવા માંડે છે! વેલેન્ટાઇન ડે ભલે એક દિવસ પૂરતો આવતો હોય, પણ એની અસરો તો એ ૩૬૫ દિવસ સુધી મૂકતો જાય છે. કેટલાક ઉદ્યોગપતિઓ અને અમુક બેન્ક અધિકારીઓ વચ્ચે કેટલી ઉચ્ચ કક્ષાએ વેલેન્ટાઇન ડે ઊજવાતો હશે એનો ખ્યાલ બેન્કોના NPA રેટ પરથી આવી જાય છે!

સરકારી-અર્ધસરકારી કર્મક્ષેત્ર : સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ અને જનતા વચ્ચે તો વેલેન્ટાઇન ડે દરરોજ, ક્યારેક તો એક જ દિવસમાં બબ્બે-ત્રણ ત્રણ વાર પણ, ઊજવાતો હોય છે. જેવી ફાઇલ, એવો વેલેન્ટાઇન! જનતાની જેવી ગરજ, એવો અધિકારીનો વેલેન્ટાઇન પ્રેમ! ક્યારેક તો આર્થિક વેલેન્ટાઇનનું અર્થતંત્ર, કેન્દ્ર કે રાજ્ય સરકારના અર્થતંત્રને પણ વામણું સાબિત કરી દે એવું વિશાળ, વિરાટ અને વિકરાળ નેટવર્ક ધરાવે છે. અર્ધસરકારી સમાજમાં પણ વેલેન્ટાઇન ડે તો પૂર્ણ સરકારી ધોરણે જ ઊજવાતો હોય છે. હવેના સમયમાં તો અર્ધસરકારી કર્મચારીઓ જનતા સાથે આર્થિક વેલેન્ટાઇન ડે ઊજવવાની બાબતે પૂર્ણ સરકારી બાબુઓ કરતાં પણ વધારે આવડતવાળા સિદ્ધ થવા માંડયા છે. આમ તો ગુલાબનું ફૂલ માન-સન્માનનું પ્રતીક છે અને મોગરાનું ફૂલ પ્રેમનુંપ્રતીક છે. જનતાને ટ્રાફિકપ્રેમ સમજાવવા માટે પોલીસ કર્મચારી ક્યારેક ગુલાબનું ફૂલ આપીને પ્રેમથી વ્યવહાર કરે છે. આ દૃશ્ય પણ વેલેન્ટાઇન ડે પર કે નવા વર્ષના પ્રથમ દિવસે અપાતી શુભેચ્છાના દૃશ્યથી સહેજ પણ ઓછું મહત્ત્વ નથી. આવું જ પાવનકારી દૃશ્ય સરકારી ટેબલો પર થતા ફાઇલોના ટ્રાફિકજામ બાબતે સર્જાય તો ચોક્કસ કહી શકાય કે મેરા ભારત મહાન!

શિક્ષણક્ષેત્ર : શિક્ષણકાર્ય કેટલા દિવસનું રહેશે એ મહત્ત્વનું નથી, જેટલા દિવસનું રહે એમાં, શિક્ષકને શિક્ષણકાર્ય (લિટરલી અને ઓન્લી એન્ડ ઓન્લી શિક્ષણકાર્ય) કરવા માટે કેટલા દિવસ ફાળવવામાં આવશે એવો સંવાદ, શિક્ષણ વિભાગ અને શિક્ષકવર્ગ એકબીજાને Be my Valentine કહીને શરૂ કરે તો શિક્ષણનું લેવલ ભલે ઊંચું ન આવે, કમસેકમ નીચું જતું તો ચોક્કસ રોકી શકાય! શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો વચ્ચે આવો વેલેન્ટાઇન ડે અનવારનવાર ઊજવાતો રહે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે તેમજ વાલીસમાજ સાથે સંવાદી સૂરનો વેલેન્ટાઇન ડે ઊજવાતો રહે, ક્યાંય પણ ટયૂશનનું ટેન્શન જોવા ન મળે ટેન્શન-શિક્ષક અને વિદ્યાર્થી એમ બંને પક્ષે હોય છે. જોકે બંનેનાં પર્સેપ્શન અલગ અલગ હોય એ સ્વાભાવિક છે!

આજે મોટા ભાગના લોકો એકબીજાને I would like to be your valentine, Do you like to be my Valentine. એવું બોલીને એકબીજાનાં વેલેન્ટાઇન બનવા અને એકબીજાને ‘બનાવવા’ સોફ્ટ પોલિટિક્સ પણ રમી લેતા હોય છે!

અમે તો જોકે શુદ્ધ ભાવે જ આપ સૌ વાચકરાજાને જરૂર કહીશું : Be my Valentine!

ડાયલટોન

  • મનુષ્યની સૌથી મોટી વિરાસત છે પ્રેમ! પ્રેમ જેવી કોઈ પ્રોપર્ટી નથી.
  • ઓશો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન