Valsad Cheater Maulvi beaten by two women in Gujarat
  • Home
  • Featured
  • વલસાડની 29 વર્ષીય યુવતીને મૌલવી પાસે જવું ભારે પડ્યું, જાણી લો આંખ ઉઘાડતો કિસ્સો

વલસાડની 29 વર્ષીય યુવતીને મૌલવી પાસે જવું ભારે પડ્યું, જાણી લો આંખ ઉઘાડતો કિસ્સો

 | 8:49 am IST

નવસારીના એક મૌલવીએ વલસાડની એક ત્યક્તા મહિલાને તેના પતિ સામે ચાલી રહેલા કેસમાં મદદ કરવાને બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે કરીને લાખો રૂપિયા પડાવી લીધા હતાં. બાદમાં આ મૌલવીની પોલ ખૂલી જતાં મહિલાએ પૈસાની માંગણી કરતાં મૌલવી તથા અન્ય બે મહિલાઓએ પીડિત મહિલાની માતાને માર મારતા આ સમગ્ર મામલો નવસારી ટાઉન પોલીસ મથકમાં પહોંચ્યો છે.

વલસાડનાં વલ્લભ નગર, તીથલ રોડ ખાતે રહેતી જોલીનો ઉર્ફે દીપાબેન પ્રતીક ચાંપાનેરી (ઉ.વ. 29) નાં લગ્ન વલસાડનાં જ એક ઇસમ સાથે થયા હતાં. બાદમાં મન મેળ ન થતા બન્નેના છૂટાછેડા થયા હતાં. જોકે તેનાં પતિનો ભાઇ શિશિર દીપાનાં લગ્નનો વિડીયો બનાવી તેની પાસેથી પૈસા પડાવતો હતો. આ વાતથી કંટાળી તેણે અને તેની માતાએ તેમનાં ઓળખીતા રિક્ષાચાલકને વાત કરતાં તે મૌલવી ઇસ્યાસ અબ્દુલરશીદ હજાત (રહે. ન્યૂ ઇન્ડિયા બેકરીની પાછળ, જૂના બસ ડેપો પાછળ, નવસારી) પાસે લઇ ગયો હતો.

મૌલવી ઇલ્યાસે દીપાબેન તથા તેમની માતાને વિશ્વાસમાં લઇ તે દીપાબેનનાં પતિ તથા તેના ભાઇથી તેમનો છૂટકારો કરાવી દેશે એવી ખાત્ર આપી હતી. દીપાબેન તથા તેમની માતા અવારનવાર મૌલવીના સ્થાનક 201, એવન એપાર્ટમેન્ટ, ડેપો પાછળ, નવસારી ખાતે મળવા આવતા હતાં. આ દરમિયાન મૌલવી ઇલ્યાસની વાતોનાં પ્રભાવમાં આવી ગયેલા દીપાબેન પાસેથી મૌલવી અવાર નવાર કોઇને કોઇ બહાને નાની મોટી રકમની માગ કરતો અને દીપાબેન તેને આ રકમ આપી પણ દેતા હતાં.

દીપાબેને તેના અગાઉનાં પતિના ભાઈ સામે ફરિયાદ આપતા તેણે પૈસા માંગવાનું બંધ કરી દીધેલું. બાદમાં દીપાબેનનો પરિચય પ્રતીક ચાંપાનેરી સાથે થતાં તેમણે લગ્ન કરી લીધા હતાં. જોકે પ્રતીકને માતાને આ લગ્ન મંજૂર ન હતા, જેથી પ્રતીક પોતાની માતા પાસે જતો રહ્યો હતો. દીપાબેન પુનઃ મૌલવીને મળતા મૌલવીએ પ્રતિક તેની પાસે સમાધાન કરવા આવશે એવી ખાત્રી આપી હતી.

આ મૌલવી ઇલ્યાસે દીપાબેન પાસેથી રૃ. 48 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ પૈસા દીપાબેને પરત માંગતા મૌલવી ઇલ્યાસે ટુકડે ટુકડે ચૂકવવાનો વાયદો કર્યો હતો. જોકે તેમ છતાં તે પૈસા આપતો ન હતો. ગતરોજ દીપાબેન તથા તેમની માતા નવસારી ખાતે મૌલવીનાં સ્થાનક પર આવી પૈસાની માંગણી કરતાં મૌલવીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તથા દીપાબેનની માતાને લાત મારી હતી.

આ બૂમાબૂમ સાંભળી એવન એપાર્ટમેન્ટની મહિલા સેક્રેટરી તથા અન્ય એક મહિલાએ ત્યાં આવી દીપાબેન તથા તેમની માતાને માર મારવા લાગેલા. આ બાબતે દીપાબેને નવસારી ટાઉન પોલીસ મથકમાં મૌલવી ઇલ્યાસ તથા બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ઇ.પી.કો. ની કલમ 323, 504, 506(2) મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મૌલવી ઇલ્યાસની ધરપકડ કરી શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન