Valsad Patidar Family And Anavil Family Of Ujjain, 11 Injured
  • Home
  • Featured
  • વલસાડના પટેલ પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત: ભાજપ કિસાન મોરચા પ્રમુખ સહિત 11ને ઈજા

વલસાડના પટેલ પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત: ભાજપ કિસાન મોરચા પ્રમુખ સહિત 11ને ઈજા

 | 11:47 am IST
  • Share

વલસાડના પટેલ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં એક દુર્ઘટના બની છે. મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે ટ્રાવેલર બસને ડમ્પર ચાલકે ટક્કર મારતા ટ્રાવેલર બસમાં બેસેલ 11 લોકોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે, જેમાં 11 લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રાવેલર બસમાંથી મુસાફરોને દરવાજો તોડીને બહાર કાઢ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હાલ તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ, મહામંત્રી, વલસાડના જાણીતા વકીલ તથા પત્રકાર મળી પાંચ પરિવારના 17 સભ્યો મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મંદિરે દર્શનાર્થે ટેમ્પો ટ્રાવેલર્સમાં જતા હતા. ત્યારે એમ.પી.ના દેવાસ ગામ પાસે એક ડમ્પરની અડફેંટે ચઢતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર્સમાં બેઠેલા 11 મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હતી.

વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તથા વલસાડ સુગર ફેકટરી અને સહકારી બેંકના ચેરમેન અરવિંદભાઇ પટેલના ભાણેજ હિતેશ ઉર્ફે રામભાઇ પટેલ, તેમની પત્ની અને પુત્રી, કિસાન મોરચાના મહામંત્રી કમલેશભાઇ અને તેમનો પરિવાર, વલસાડના એડવોકેટ ચેતનભાઇ પટેલ અને તેમનો પરિવાર, પત્રકારત્વ સાથે સંકળાયેલા અને અરવિંદભાઇ પટેલના અન્ય એક ભાણિયા નિમેષભાઇ પટેલ તથા તેમનો પરિવાર સહિત 17 જણા ટ્રેન મારફતે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા.

બાદ પંચમઢીથી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે ટેમ્પો ટ્રાવેલર્સમાં સવાર થઇને આજરોજ નિકળ્યા હતાં. તેઓ દેવાસના ખાતેગાંવ ગામે આવેલી રજતકુંજ કોલોની પાસે પહોંચ્યા હતા. ત્યારે અચાનક એક ડમ્પરના ચાલકે ટર્ન મારીને રસ્તા વચ્ચે આવી જતા, ટેમ્પો ટ્રાવેલર્સ ધડાકાભેર ડમ્પર સાથે ભટકાઇ પડયો હતો.

આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર્સમાં નિમેષભાઇ પટેલ અને તેમની પત્ની જેતલબેન પટેલને ગંભીર ઇજા થતાં ઇન્દોરની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ સિવાય હિતેષભાઇ પટેલ, તેમની પત્ની બીનાબેન, પુત્રી બંસી, નિમેષભાઇના પુત્ર માનવ તેમજ વકીલ ચેતન પટેલ સહિત 11 લોકોને નાની-મોટી ઇજા અને ડ્રાઇવર રાહુલ ( રહે. ઇન્દોર)ને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

ડમ્પરમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને દરવાજા કાપીને બહાર કઢાયા

દેવાસ ગામ પાસે અકસ્માત એટલો ગંભીર હતો કે, ડમ્પરમાં ઘૂસી ગયેલી ટેમ્પો ટ્રાવેલર્સના આગળના ભાગનો ખૂરદો બોલી ગયો હતો. આથી યાત્રિકો અંદર જ ફસાઇ ગયાં હતાં. સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાવેલર્સના દરવાજા કાપીને ઇજાગ્રસ્તોને માંડ-માંડ બહાર કાઢયા હતા.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો