વલસાડ: 23 વર્ષિય પરિણીતા સાથે 4 હવસખોરોએ ગુજાર્યો ગેંગરેપ - Sandesh
NIFTY 11,395.15 -39.95  |  SENSEX 37,733.77 +-118.23  |  USD 70.3000 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડ: 23 વર્ષિય પરિણીતા સાથે 4 હવસખોરોએ ગુજાર્યો ગેંગરેપ

વલસાડ: 23 વર્ષિય પરિણીતા સાથે 4 હવસખોરોએ ગુજાર્યો ગેંગરેપ

 | 7:53 pm IST

વલસાડના ધોબીતળાવ તથા ખડકીભાગડા વિસ્તારમાં રહેતા બે હવસખોરોએ વલસાડમાં રહેતી 23 વર્ષીય પરિણીતાને ગતરાત્રે બાઇક પર બેસાડી વલસાડ કોલેજની પાછળ આવેલ અવાવરું જગ્યાએ લઇ જઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ અન્ય બે મિત્રોને બોલાવ્યા હતા. તે પૈકી એક મિત્રએ મહિલા સાથે દુષ્કર્મ કર્યુ હતું. ચોથો યુવાન બળાત્કાર કરે તે પહેલા મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હોવાની જાણ થતાં ચારેય જણાએ મહિલાને માર માર્યા બાદ તેને ત્યાં જ છોડીને ભાગી છૂટયા હોવાની સનસનાટીભરી ઘટના ઉજાગર થઇ છે. પોલીસે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલભેગા કરી દીધા છે.

પોલીસના જણાવ્યાનુસાર, વલસાડ નજીકના વિસ્તારમાં રહેતી શીલાબેન રાઠોડ (નામ બદલ્યુ છે), (ઉં.વ.23)એ હરેશ નાયકા (નામ બદલ્યું છે) નામના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. તેઓને સંતાનમાં 5 વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે. શીલાના માતા-પિતા ગુજરી ગયા બાદ પત્ની સાથે સાસરિયામાં રહેતો હરેશ તેણીને મારઝૂડ કરવા માંડતા, શીલા તેનાથી અલગ થઇને ઓળખીતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. જ્યારે પતિ તેના બંને સંતાનો સાથે પત્નીના પિયરમાં રહે છે. પતિથી જુદી થઇને કેટરર્સમાં કામ કરતી શીલાની ઓળખાણ તેની સાથે કામ કરતા નિલેશ ઉર્ફે ગોલ ભાણા નાયકા (રહે. ખડકીભાગડા, વલસાડ) અને વિજય સુરેશ પટેલ (રહે. ધોબીતળાવ) સાથે ઓળખાણ થયેલ. જે બાદ મહિલા અન્ય વિસ્તારમાં રહેવા ચાલી ગઇ હતી.

શીલાબેન ગતરાત્રે વલસાડ ખાતે કામ પતાવીને ઘરે જવા માટે વલસાડ બસ સ્ટેશન પાસે ઊભી હતી તે સમયે આવી પહોંચેલ વિજય પટેલે, મને કામ છે તેમ કહી શીલાને તેની બાઇક પર બેસાડી ધોબીતળાવ લઇ ગયો. જ્યાં નિલેશ નાયકા પણ બાઇક પર બેસી ગયો હતો. ત્યારબાદ બંને જણા શીલાને લઇને વલસાડ કોલેજની પાછળના ભાગે આવેલ ઝાડી-ઝાંખરવાળી જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં વિજય પટેલે સૌપ્રથમ શીલાને જમીન પર પાડી નાંખીને બળાત્કાર કર્યા બાદ નિલેશે પણ પરિણીતા સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન ત્યાં પહોંચેલા બળાત્કારીઓના અન્ય બે મિત્રો આનંદ શંકર રાઠોડ (રહે. ધોબીતળાવ પોલીસ ચોકી પાસે, વલસાડ) તથા અજય બચુ પટેલ (રહે. શ્રીરામ મહોલ્લા, ધોબીતળાવ, વલસાડ) પૈકી આનંદે પણ મહિલા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ કર્યુ હતું.

બળાત્કારીઓ આટલેથી જ અટક્યા નહોતા. નિલેશ અને આનંદે ફરી મહિલા સાથે દુષ્કર્મ કરતાં, તેણીની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ અજય પટેલે પણ મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મીઓની પાશવીલીલાથી હતપ્રભ થઇ ગયેલ મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હતો. જેની જાણ થતાં જ ચારેય આરોપીઓએ મહિલાને ફટકારીને ભાગી છૂટયા હતા. મહિલા ત્યાંથી જેમ-તેમ ચાલતી-ચાલતી કોલેજના હોસ્ટેલ પાસે પહોંચી હતી. જ્યાં હાજર વોચમેનની મદદથી પોલીસને બોલાવી હતી. જે બાદ તેણીને 108-માં વલસાડ સિવિલમાં દાખલ કરાઇ હતી.

પોલીસે મહિલાની ફરિયાદને આધારે દુષ્કર્મનો ગુનો નોંધી, ચારેય આરોપીઓ નિલેશ નાયકા, વિજય પટેલ, આનંદ રાઠોડ અને અજય પટેલને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.