Vapi - Student caught doing copy from his smart-watch.
  • Home
  • Gujarat
  • બોર્ડ પરીક્ષામાં કાપલીનો જમાનો ગયો, હવે હાઈટેક ચોરી વિશે જાણી તમે દંગ રહી જશો

બોર્ડ પરીક્ષામાં કાપલીનો જમાનો ગયો, હવે હાઈટેક ચોરી વિશે જાણી તમે દંગ રહી જશો

 | 7:28 pm IST

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કાપલી કરતાં વિદ્યાર્થીઓ ઝડપાયાના સમાચાર વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ચોરી કરીને પાસ થવાની કુટેવ ધરાવતા ઉમેદવારો કોઈન કોઈ રીતે ચોરી કરવાનું શોધી જ લે છે. વલસાડ જિલ્લાના વાપીની એક સ્કૂલમાં ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી સ્માર્ટ વૉચ સાથે ઝડપાયો હતો. આ વિદ્યાર્થીએ વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની આખી ગાઈડ સ્માર્ટ વૉચમાં તૈયાર કરી હતી.

ધોરણ.10માં શનિવારે સવારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા હતી. જેમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી આર.જી.એફ સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર આપેલુ છે. આ સ્કૂલમાં પરીક્ષા શરૂ થયાની થોડીક મિનિટો બાદ એક વિદ્યાર્થી તેની વૉચને વારંવાર ટચ કરતો હોવાનું ખંડ નિરીક્ષકને દેખાતા આ વિદ્યાર્થીને સ્થળ પર ઊભો કરવામાં આવ્યો હતો. બાદમાં સ્થળ સંચાલકને બોલાવી તેની સ્માર્ટ વૉચ તપાસ કરવામાં આવી હતી. જોકે સ્માર્ટ વૉચ તપાસ કરતી વખતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના એક પછી એક પ્રકરણ તેમાં ખુલવા લાગ્યાં હતા. આમ વલસાડ ડીઈઓના જણાવ્યાં પ્રમાણે, સ્માર્ટ વૉચમાં વિજ્ઞાાન વિષયની આખી ગાઈડ વિદ્યાર્થીએ સામેલ કરી હતી. આ ગેરરીતિ અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને શિક્ષણ બોર્ડમાં પણ જાણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે આ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડમાં રૃબરૃ બોલાવી હિયરીંગ હાથ ધરાશે જેમાં ગેરરીતિ સાબિત થશે તો વિદ્યાર્થીને આગામી બે વર્ષ સુધી પરીક્ષા આપવા નહી મળે.

બોટાદમાં મોબાઈલથી પેપર વાયરલ કરતાં બે વિદ્યાર્થી ઝડપાયા 
બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાની એમ.એમ.હાઈસ્કૂલમાં ધોરણ.10ની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થી મોબાઈલ ફોનથી પ્રશ્નપત્ર વાયરલ કરતાં ઝડપાયા હતા. આ બંને વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન એકથી વધુ વખત શૌચાલય જવાની રજા માગી હતી. જેથી ખંડ નિરિક્ષક દ્વારા આ બંને વિદ્યાર્થીઓને શૌચાલય જવાની છૂટ આપી અને સ્થાનિક સ્ક્વોડને એ અંગેની જાણ કરી હતી. જેથી સ્થાનિક સ્ક્વોડ દ્વારા શૌચાલમાં ગયેલા વિદ્યાર્થીઓ પર વૉચ ગોઠવી તો બંને વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રના ફોટો પાડીને વોટ્સએપ માધ્યમથી વાયરલ કરતા હોવાનુ પ્રકાશમાં આવ્યુ હતુ. જેથી તાત્કાલિક બંને વિદ્યાર્થીઓ ઝડપી પાડયા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું બોટાદના ઈઆઈએ જણાવ્યુ હતુ. મહત્વનું છે કે, આ વિદ્યાર્થીઓે અંદાજે 17 જેટલા લોકોને પ્રશ્નપત્ર વાયરલ કર્યુ હોવાનુ બહાર આવ્યુ છે પરંતુ પરીક્ષાની ગણતરીની મીનિટોમાં જ ઝડપી પડાતા દુરપયોગ થયો ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન