ચલ રે તુંબડા તુડુક-તુડુક - Sandesh
  • Home
  • Kids Corner
  • ચલ રે તુંબડા તુડુક-તુડુક

ચલ રે તુંબડા તુડુક-તુડુક

 | 12:10 am IST

જનકપુર ગામમાં એક ઘરડાં ડોશીમા રહેતાં હતાં. એ સાવ જ એકલાંઅટૂલાં હતાં. સંતાનમાં એક જ દીકરી હતી. તે સાસરે સુખેથી રહેતી હતી. એક વખત ડોશીમાને દીકરીને મળવાનું મન થયું. તેમણે તો એક નાનકડી પોટલીમાં કપડાં ભર્યા અને બીજી એક પોટલીમાં ખાવા માટે રોટલા, ગોળ ને અથાણું ભર્યું. પછી હાથમાં એક ડંડો લઈને એ નીકળી પડયાં. દીકરીના ગામ જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો.

જંગલમાં તેમને હરણ, સસલાં, મળ્યાં તો ડોશીમાએ આનંદથી એમને પસવાર્યા. શિયાળ અને વરૂ જેવાં પ્રાણીઓ મળ્યાં તેમને ડોશીમાએ ડંડો મારીને ભગાડયાં. પછી તેમને મળ્યો એક વાઘ. મસમોટો વાઘ. વાઘ કહે, ડોશી મને ભૂખ લાગી છે, મારે તો તમને ખાવાં છે. ડોશીમા થોડીક વાર માટે તો ડરી ગયાં, પણ ડોશીમા જમાનો જોઈને હોશિયાર થઈ ગયા હતા. હાજર-જવાબી અને નીડર હતાં. તેમણે શાંતિથી કહ્યું, વાઘભાઈ, આ જુઓને, મારા શરીરમાં અત્યારે હાકડાં અને ચામડું જ છે. તમે મને ખાધા પછી પણ ભૂખ્યા ને ભૂખ્યા જ રહેશો. એના કરતાં મને મારી દીકરીના ઘરે જવા દો, તાજી-માજી થવા દો. પછી તમે મને ખાશો તો તમારું પેટ ભરાશે. વાઘને થયું, વાત તો સાચી છે, ડોશી તાજીમાજી થાય પછી હું તેને ખાઈશ. એણે ડોશીમાને જવા દીધા.

ડોશીમા તો પહોંચ્યા દીકરીના ઘેર. દીકરીનું ઘર ખુબ ઊંચી ટેકરી પર હતું. ઢોળાવ ચઢતાં ડોશીમા થાકી જતા અને વચ્ચે વચ્ચે આરામ કરવા બેસી જતા હતા. એમ કરતાં ડોશીમા દીકરીના ઘેર પહોંચ્યા. દીકરી બહુ રાજી થઈ. તેણે ડોશીમાની ખૂબ સેવા ચાકરી કરી અને તેમને મનભાવતાં ભોજન જમાડયાં. થોડા દિવસમાં ડોશીમા તાજા-માજા થઈ ગયા. મોજમઝામાં બે મહિના પસાર થઈ ગયા. હવે ડોશીમા પાછા ઘેર જવા તૈયાર થયા. તરત એમને પેલો વાઘ યાદ આવી ગયો. દીકરીને તેમણે કહ્યું, મને મરચાંની ભૂકીની પોટલી બાંધી આપ અને એક મોટું તુંબડું (કોળું) લાવી આપ. દીકરીએ મરચું બાંધી આપ્યું અનેે એક ખુબ મોટું તુંબડું લાવી આપ્યું. ડોશીમાએ તુંબડું કાપીને અંદરથી બધો ગર કાઢી નાંખ્યો. પોતે આખાં એમાં સમાઈ જાય એવી જગ્યા બનાવી. પછી પોતે એમાં બેસી ગયાં અને દીકરીને કહ્યું, હવે તુંબડાનો ઉપરનો ભાગ ઢાંકી દે. પછી જોરથી ધક્કો મારીને તુંબડું ગબડાવ.

દીકરીએ તુંબડાને માર્યો ધક્કો. ગોળ તુંબડું દડદડ ગબડાવા લાગ્યું. અંદરથી ડોશીમા થોડું જોર કરીને તુંબડું ગબડવતાં રહ્યાં. આગળ જંગલ આવ્યું. જંગલમાંથી તુંકડું ગબડતું હતું ત્યારે ડોશીમાના જાણેનસીબ વાંકા થયા. ડોશીમાનું તુંબડું સીધું વાઘને અથડાયું અને ઉપરનું ઢાંકણું ખુલી ગયું. વાઘે જોયું કે તુંબડામાં તો ડોશીમા છે. તાજા-માજા તંદુરસ્ત ડોશીમા. તેણે કહ્યું, વાહ, તમે વચન પાળ્યું. હવે તમને ખાવાની ખૂબ મજા આવશે. મારું પેટ પણ ભરાઈ જશે.

ડોશીમા કહે, શિકારની વાત જવા દે. મને ચૂપ-ચાપ ધક્કો મારી આપ..

વાઘ કહે, હવે તો હું તમને નહીં જ જવા દઉં.

ડોશીમાએ પોટલી ખોલીને મરચાંની ભૂકી નાંખી વાઘની આંખમાં. પછી જાતે તુંબડાનું ઢાંકણું બંધ કરીને ડોશીમાએ વાઘને કહ્યું, ડોશી કૈસી, બાત કૈસી, ચલ રે તુંબડા તુડુક તુડુક. આવું કહી ડોશીમા તુંબડામા આળોટયાં એટલે તુંબડું તો ગબડવા લાગ્યું.

પછી જંગલ પૂરું થયું એટલે ડોશીમા તુંબડામાંથી નીકળીને આરામથી ચાલતાં ચાલતાં ઘરે પહોંચ્યાં. ઘરે જઈને નાહી-ધોઈને, ખાઈ-પીને ડોશીમા આરામથી સૂઈ ગયાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન