જેનું ઘર હોય અસ્તવ્યસ્ત તેની માનસિક સ્થિતી પણ રહે છે ખરાબ, જાણો તેનું કારણ - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જેનું ઘર હોય અસ્તવ્યસ્ત તેની માનસિક સ્થિતી પણ રહે છે ખરાબ, જાણો તેનું કારણ

જેનું ઘર હોય અસ્તવ્યસ્ત તેની માનસિક સ્થિતી પણ રહે છે ખરાબ, જાણો તેનું કારણ

 | 3:40 pm IST

થોડાંક વર્ષો પહેલાં આપણું જીવન સાદું અને સરળ હતું. કોઈપણ કામ કરવામાં સમયનો અભાવ નડતો ન હતો. જો કે તે સમયે ઘરમાં પણ એટલો સામાન ન હતો કે, તેને વ્યવસ્થિત રાખવા વધારે સમય આપવો પડે. તે સમયની સરખામણીમાં અત્યારનું જીવન સમયના અભાવથી ઘેરાયેલું રહે છે. ભૌતિક સુખ-સુવિધા માટેની ચીજવસ્તુઓનું પ્રમાણ વધી ગયું છે. જો કે આવી ભૌતિક સામગ્રીઓ નકામી ચીજોને પણ જન્મ આપે છે. તેથી તેમનો યોગ્ય સમયે નિકાલ કરવો જરૂરી બની જાય છે. કામની ચીજોની યોગ્ય જાળવણી કરવી પડે છે. આવી સ્થિતિમાં સમય કાઢવો મુશ્કેલ બને છે અને તેના કારણે વ્યક્તિને માનસિક તેમજ શારીરિક તાણ પડે છે. આ સમયમાં શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધી જાય છે તેમજ ક્રોનિક-કોગ્નિટિવ-ઇમ્પેરમેન્ટ, થાક, ઈમ્યુન-સિસ્ટમની નિર્બળતા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ ઉપરાંત નિષ્ણાંતો એ વાતને પણ માને છે કે ઘરમાંથી નકામી ચીજવસ્તુઓની સફાઈ કરવાથી મન પર સકારાત્મક અસર થાય છે. એટલે કે સફાઈ કામ માત્ર ઘર માટે જ નહીં માનસિક શાંતિ માટે પણ જરૂરી છે. ઘરમાંથી નકામી વસ્તુઓ ઘરમાંથી દૂર કરવાની પ્રક્રિયામાં પરીજનોની મદદ પણ લેવી જોઈએ. બધાના સહયોગથી ઉપયોગી ચીજવસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવવી જ્યારે નકામી વસ્તુઓને ઘરમાંથી દૂર કરી દેવી. ઘરમાંથી નકામી વસ્તુઓ દૂર નહીં થાય ત્યાં સુધી કામની વસ્તુઓ શોધવામાં પણ સમસ્યા થઈ શકે છે. પરંતુ જો તમને સમજાતું ન હોય તો કે આ કામની શરૂઆત ક્યાંથી કરવી તો આ રીતે કરો સફાઈની શરૂઆત.

– કપડાને ડેઈલી-વેર, ઓફિસ-વેર, આઉટડોર-વેર અને પાર્ટી/લગ્ન માટેનાં વસ્ત્રોમાં વહેંચી નાખો. દરેક પ્રકારના કપડાને સાડી, સૂટ્સ, વેસ્ટર્ન-વેર, એક્સેસરીઝ પ્રમાણે છૂટા પાડીને રાખો. એક્સેસરીઝનું વર્ગીકરણ અલગ રાખો. તમારી જરૂરિયાત પ્રમાણે તમે વર્ગીકરણ કરી શકો છો. રસોડામાં પણ તમે વર્ગીકરણ કરીને સહેલાઈથી આ કામ કરી શકો છો.

– ગમતી પણ ન વપરાતી ચીજવસ્તુઓનો નિકાલ કરવાનું કામ અઘરું છે. જો એક વર્ષથી વધારે સમયથી તમે કોઈ વસ્તુ ન વાપરી હોય તો તેને કાઢી નાખો. કુટુંબની પરંપરાગત વસ્તુ કે ભેટમાં મળેલી પ્રિય વસ્તુઓને સંભાળીને રાખો. જૂની ફેશનનાં વસ્ત્રો કે ચીજોને તરત કાઢી નાખો. તમને ગમતાં હોય તો પણ તે કોઈને આપી દો. ફેશન ફરી આવશે એ આશામાં તેને સંઘરશો નહીં. ફેશન ફરી આવે ત્યારે નવું ખરીદી લેજો. જે વસ્ત્રો તમને થતાં ના હોય તે કાઢી નાખો. વજન ઉતારવાની પ્રેરણા મેળવવા તમે એકાદ ડ્રેસ રાખી શકો છો. આ કામ કરવા માટે તમારે થોડાં નિષ્ઠુર બનવું પડશે.

– કેટલીક વસ્તુઓની બાબતમાં તમે થોડો વિચાર કરશો. કેટલાકને તમે વેચી નાખશો અને કેટલાકને તમે કોઈને આપી દેશો. જે ચીજો માટે તમે નિર્ણય નથી લઈ શકતા તેમનું મહત્વ કે જરૂરિયાતને લક્ષમાં લઈને નક્કી કરો.

– રાખવા માટેની ચીજવસ્તુઓને ગોઠવવા યોગ્ય જગ્યાઓ નક્કી કરો જેથી દરેક વસ્તુ જ્યારે જોઈએ ત્યારે આસાનીથી બહાર કાઢી શકાય. તમારા કુટુંબના સભ્યોને પૂછીને તેઓની ચીજવસ્તુઓને ગોઠવો જેથી તેઓને પણ સરળતા રહે. પછી તેઓ પણ તેમની વસ્તુઓને વ્યવસ્થિત રાખશે.

– નકામી ચીજવસ્તુઓનું મૂલ્ય તમે જ સમજી શકશો. કઈ ચીજ વેચવા જેવી છે અને કઈ દાન કરવા યોગ્ય છે તે તમે જ નક્કી કરી શકશો. દાન કરીને પણ તમને સંતોષ મળશે. સાફ અને વ્યવસ્થિત થયેલું ઘર તમને તાણમુક્ત વાતાવરણ આપશે એ મોટો લાભ છે.

– ઘર સાફ અને વ્યવસ્થિત બને તે તરફ તેને જાળવવું જરૂરી છે. થોડા સમયના અંતરે મારા ખાનાં તપાસતા રહો, વ્યવસ્થિત કરતાં રહો.