Vayu Cyclone Returning from Oman can hit the coast of Kutch after Monday
  • Home
  • Bhuj
  • ‘વાયુ’ નલિયાના દરિયાકાંઠે ટકરાઈને ઉત્તર ગુજરાતના માર્ગે રાજસ્થાન તરફ આગળ વધશે

‘વાયુ’ નલિયાના દરિયાકાંઠે ટકરાઈને ઉત્તર ગુજરાતના માર્ગે રાજસ્થાન તરફ આગળ વધશે

 | 9:18 pm IST

અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે સર્જાયેલા લોપ્રેસર બાદ વાવાઝોડામાં ફેરવાયેલા વાયુ નામના વાવાઝોડાનો ભય હજુ કચ્છ પરથી દૂર થયો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસેથી પસાર થઇને ફંટાઇ ગયા બાદ ઓમાનના આખાતમાંથી પુનઃ તે કચ્છ તરફ પરત વળે તેવી સંભાવનાઓ વચ્ચે શનિવારે હવામાન વિભાગે તા.17 જૂનની સાંજ સુધીમાં કચ્છનાં નલિયા સહિતના દરિયાકાંઠે તે ટકરાશે તેવી આગાહી કરી હતી. શનિવારે વાવાઝોડું ભુજથી ૪૬૨ કિલોમીટર દૂર રહ્યું હતું. રવિવારે સાંજે વાયુની દિશા બદલીને કચ્છ તરફ ગતિ કરશે અને સંભવતઃ 17 અને 18 જૂન સુધી કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભુજમાં આવેલું હવામાન વિભાગનું રડાર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

15 જૂનનાં રોજ સાંજે વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ભુજથી 462 કિમી સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. તે વાવાઝોડું હજુ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે, પરંતુ તે રવિવારે સાંજે અથવા સોમવાર સવાર સુધીમાં પરત વળશે અને 12થી 13 કલાકના સમયગાળામાં તા.17 મી જૂનના સાંજે કચ્છના અબડાસાના નલિયા, જખૌના દરિયાકાંઠે ટકરાશે અને ત્યારબાદ કચ્છનાં અન્ય વિસ્તારોમાંથી પસાર થઇને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ નીકળી જશે. આની અસર તળે શનિવારે જિલ્લાના ગાંધીધામ, મુન્દ્રા, રાપર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા થયા હતા અને ભુજમાં સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે સવારે ઝરમર છાંટા પડયા હતા.

વાયુની વર્તમાન ગતિ 45થી 50 કિમીની

હાલમાં અરબી સમુદ્રમાં જ્યાં વાવાઝોડું છે ત્યાં તેની ઘૂમવાની સ્પીડ 45થી 50 કિમી પ્રતિ કલાકની છે અને આગળ વધવાની સ્પીડ 8થી 10 પ્રતિ કલાકની છે. કચ્છનાં દરિયાકાંઠે જ્યારે તે ટકરાશે ત્યારે તે ડિપ્રેશનમાં હશે તો પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા રહે છે. હાલમાં ભુજથી તે વાવાઝોડું 462 કિમી દૂર અરબી સમુદ્રમાં છે અને તે ધીમે ધીમે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે, જે પરત વળશે અને કચ્છનાં દરિયાકિનારે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન