Vayu Cyclone To Gujarat in Cross Coastal On Early Morning of 13th June
  • Home
  • Bhavnagar
  • ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના કયા વિસ્તારોમાંથી પસાર થશે, હવામાન વિભાગે આપી માહિતી

‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના કયા વિસ્તારોમાંથી પસાર થશે, હવામાન વિભાગે આપી માહિતી

 | 11:02 am IST

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.

‘વાયુ’ 30થી 35 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી 740 કિલોમીટર દૂર હતું, જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ આ વાવાઝોડું મુંબઈથી 540 કિલોમીટર દૂર છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 13મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે.

13મીએ વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ‘વાયુ’
ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 13મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે.

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંને પગલે NDRFની ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગાંધીનગરની 2 ટીમ કચ્છના નલિયા અને કંડલા ખાતે જશે. વડોદરાથી પણ NDRFની 9 ટીમ મોકલવામાં આવશે. આ સિવાય મોરબી, રાજકોટ, જોડીયા, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત રહેશે.

સાથે પોરબંદર, સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આટલી બધી જગ્યાએ પહોંચી વળવા માટે રાજ્ય બહારથી 11 NDRFની ટીમ બોલાવવામાં આવી છે. આ સિવાય પુના અને ભટીંડાની NDRFની 5 – 5 ટીમની મદદ લેવામાં આવી શકે છે. અજમેરથી પણ એક NDRFની ટીમ બોલાવાઈ છે.

અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળમાં પણ વરસાદની વકી
હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.બાદના 24 કલાકમાં આ ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી અંદાજે 930 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાને પગલે તૈયારી
રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંની આગાહીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે. દરિયામાં સંભવિત ચક્રવાતના પગલે અલગ અલગ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની 9 ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના થઇ ગઇ છે. જરોદ હેડક્વાર્ટરથી 9 ટીમો પણ રવાના થઇ ગઇ છે. તેમને બોટ, જનરેટર સહિતની બચાવ કામગીરીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે.

NDRFની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન, ડૂબતી વ્યક્તિ ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે.

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન