Vayu 'hurricane has shifted the coast of Gujarat
  • Home
  • Gujarat
  • ‘વાયુ’ વાવાઝોડાનો ગુજરાતનાં કાંઠે ત્રાટકવાનો સમય અને દિશા બદલાઇ, બન્યું વધુ ઘાતક

‘વાયુ’ વાવાઝોડાનો ગુજરાતનાં કાંઠે ત્રાટકવાનો સમય અને દિશા બદલાઇ, બન્યું વધુ ઘાતક

 | 5:47 pm IST

ગુજરાતના દરિયાકાંઠાઓ પર વાયુ વાવાઝોડાનું સંકટ વધુ વિકટ બનતું જાય છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાયુ વાવાઝોડું હાલ મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમથી 290 કિમી દૂર છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 13 જૂનના રોજ પોરબંદર અને દીવ, વેરાવળના કાંઠે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે. પરંતુ હવે આ પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે. હવે વાયુએ પોતાની દિશા બદલી છે અને તે વેરાવળ નહી પરંતુ પોરબંદરના કાંઠે આવતી કાલે બપોરે ટકરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાયુ વાવાઝોડું વધુ વિકરાળ બની ગયું છે અને આ કુદરતી આફત 155થી 165 કિમીની ઝડપે ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે. આ સાથે જ ગુરુવારે સવારે નહીં પરંતુ બપોરે વાવાઝોડું ત્રાટકશે આ વિકરાળ બની ગયેલું વાવાઝોડું વેરાવળ અને દ્વારકા કાંઠે ટકરાશે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલમાં હવામાન વિભાગ આ વાવાઝોડા પર નજરો ટાંકીને બેઠુ છે અને તેની પળેપળની જાણ તંત્રને આપી મળી રહી છે.

ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદભવેલ હવાનું લો પ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલીક અસરથી કેન્સલ કરી દીધી છે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની 7 ટીમો ઉપરાંત નેવીના 500 તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

હાલમાં આ કુદરતી આફતને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે થઇ ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ દરિયાકાંઠાનાં મોટા ભાગના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

ત્યાં જ વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મોરબી અને જામનગરમાં છૂટો છવાયો વરસાદ પણ ચાલુ થઇ ગયો છે તો ત્યાં જ સોમનાથમાં આંધી ઉડવા લાગી છે. આમ વાયુના કારણે ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણ બદલાઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન