Veerpur Congress District Member Pinakin Shukla including Taluka member enters BJP
  • Home
  • Gujarat
  • ગુજરાત કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ, આ કદાવર નેતાએ ભાજપનો ભગવો કર્યો ધારણ

ગુજરાત કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ, આ કદાવર નેતાએ ભાજપનો ભગવો કર્યો ધારણ

 | 9:24 pm IST

ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશ શુક્લના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લેતા વીરપુરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. લુણાવાડા વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ જિલ્લા પ્રમુખ જે.પી. પટેલ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વીરપુર મુકેશભાઈ શુક્લના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યારે મુકેશભાઈ શુક્લ મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ છોડયા બાદ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

પરંતુ તેમનો પુત્ર મહીસાગર જિલ્લા સદસ્ય પિનાકીન શુક્લે કોંગ્રેસનો પંજો પકડી રાખ્યો હતો અને તેઓએ વીરપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા મેળવવામાં મહત્ત્વની ભૂમિકા તેમજ તાલુકા જિલ્લામાં મોટી રાજકીય પકડ ધરાવે છે પરંતુ તેઓ કેટલાય સમયથી કોગ્રેસથી નારાજ જણાઈ રહ્યા હતા. ત્યારે આજરોજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તેમના નિવાસસ્થાને મુલાકાત લેતા વીરપુર તેમજ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટા ભંગાણના અણસાર જોવા મળી રહ્યા હતા. વીરપુર તાલુકાના કોંગ્રેસના તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે જીતુ વાઘાણીની મુલાકાતથી પિનાકીન શુક્લ કોંગ્રેસને રામ રામ કરે તેમ જણાઇ રહ્યું હતું અને સાથે સાથે વીરપુર તાલુકા પંચાયત કોંગ્રેસ ગુમાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ મુકેશ શુક્લના નિવાસે કાર્યકરો તેમજ પ્રદેશ પ્રમુખ અને મુકેશ શુક્લ પિનાકીન શુક્લની ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો સાથે પણ મુલાકાત થઈ હતી.

અડધા કલાકના રોકાણ બાદ કડાચલા ગામે યોજાયેલ પ્રચાર સભામાં જીતુભાઈ વાઘાણીના હસ્તે પિનાકીન શુક્લ તેમજ તાલુકા પંચાયત કોંગ્રેસ સદસ્ય નાનસિંહ સોલંકી, પ્રદીપ શેઠ, સોનલબહેન પરમાર, નવનીતભાઈ પટેલ સહિત કેસરિયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. સાથે સાથે વીરપુર તાલુકા પંચાયતના ચાર સભ્યોએ ભાજપમાં પ્રવેશ કરતા વીરપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન