ઊંટડીના દૂધની વિશેષતાઓ જાણવા જેવી છે   - Sandesh
  • Home
  • Kids Corner
  • ઊંટડીના દૂધની વિશેષતાઓ જાણવા જેવી છે  

ઊંટડીના દૂધની વિશેષતાઓ જાણવા જેવી છે  

 | 12:07 am IST

આપણો દેશ બહુ વિરાટ છે. ૨૯ રાજ્યો, ૧.૩ અબજની વસતિ, અનેક ભાષાઓ… આ બધું જ જાણવું કોઈપણ વ્યક્તિ માટે લગભગ અશક્ય છે. આપણા રસપ્રદ, રોમાંચક અને મંત્રમુગ્ધ કરનારા દેશ વિશેની મસ્ત માહિતી મેળવવામાં સોની બીબીસી અર્થની લોકપ્રિય સિરીઝ જોઆના લમલીઝ ઈન્ડિયા ઉપયોગી નિવડી શકે છે. અહીં એ શ્રેણીમાં રજૂ થતી માહિતીની એક ઝલક પ્રસ્તુત છે.

હાથી યોજના  

ભારતની બહુમતી હિંદુ પ્રજા માટે હાથી એક પવિત્ર અને પ્યારું પ્રાણી છે. અન્ય દેશોની માફ્ક ઉશ્કેરાયેલા એટલે કે ગાંડા થયેલા હાથીને ભારતમાં મારવામાં આવતા નથી. અલબત્ત, આવા હાથી ઓછામાં ઓછું નુકસાન કરે એ માટે વિજ્ઞાનીઓની એક ટીમને ભંડોળ આપવામાં આવ્યું છે. ગાંડા થયેલા હાથીને લીધે જાન-માલને નુકસાન ન થાય તેનું આ ટીમ ધ્યાન રાખે છે. આ વિજ્ઞાનીઓ જોખમી હાથીઓનું પગેરું મેળવીને લોકોને સચેત કરે છે. સરવાળે, ભારતમાં ગીચ વસતિમાં પણ માનવી અને હાથી પરસ્પર શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ ટકાવી રાખે છે.

બૌદ્ધ માન્યતા  

ઈશાન ભારતના રાજ્ય સિક્કિમમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો છે. અહીં બૌદ્ધ ધર્મને લગતાં સ્થાનકો પણ અનેક છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે ધ્વજ પર લખાયેલી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ હવાની સાથે દુર-સુદુર સુધી પ્રસરે છે. એટલે તેઓ શુભ લખાણ ધરાવતા ધ્વજ ઊંચી ઊંચી પહાડીઓ પર ફ્રકાવે છે, આ રીતે તેઓ શુભ તત્ત્વનો પ્રસાર કરે છે.

ઊંટડીનું દૂધ  

રાજસ્થાનનાં રજવાડાંઓના ઇતિહાસમાં ઊંટ એકદમ મહત્ત્વનું પાત્ર છે. અહીંના રાયકા જાતિના લોકો ઊંટ-નિષ્ણાત છે. તેઓ છ સદીથી ઊંટ-ઉછેરમાં ડૂબેલા છે. ઊંટ તેમની રોજીરોટી છે. હજુ તો ૨૦ જ વર્ષ પહેલાં રાજસ્થાનમાં આઠેક લાખ ઊંટો હતા. હવે કાર અને ટ્રક જેવાં વાહનોનું ચલણ વધ્યા બાદ ઊંટની માગમાં ખાસ્સો ઘટાડો થયો છે. પરિણામે રાયકા જાતિના લોકોને ઊંટ-પાલનના તેમના વ્યવસાયમાં ઇનોવેશન કરવાની જરૂરિયાત ઊભી થતાં હવે તેઓ ઊંટડીના દૂધના વેચાણ તરફ વળ્યા છે. ઊંટડીનું દૂધ આરોગ્ય માટે અત્યંત સારું છે. તેનામાં ઔષધિય ગુણો ઘણા છે. તેમાં વિટામિન-સીનું પ્રમાણ ગાયના દૂધ કરતાં છ ગણું વધારે હોય છે. વળી તેમાં ફેટ ઓછી હોય છે. ડાયાબિટિસના પેશન્ટ્સ માટે ઊંટડીનું દૂધ સારું પડે, કારણ કે એમાં એવું એક તત્ત્વ હોય છે જે શુગરનું પાચન કરનાર ઇન્શ્યૂલિનની માફ્ક કામ કરીને શુગરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.

  • Special Featurea

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન