ખૂબ જ અઘરા પ્રદેશોમાં જીવી જતાં પ્રાણી-૨ - Sandesh
  • Home
  • Kids Corner
  • ખૂબ જ અઘરા પ્રદેશોમાં જીવી જતાં પ્રાણી-૨

ખૂબ જ અઘરા પ્રદેશોમાં જીવી જતાં પ્રાણી-૨

 | 2:09 am IST

દુનિયાના સાત ખંડોમાં એશિયા ખંડ સૌથી મોટો છે. વિશ્વની ૩૦ ટકા ધરતી આ ખંડની છે. એ ૧૧ ટાઈમઝોનમાંથી પસાર થાય છે. આર્કટિકથી માંડીને વિષુવવૃત્ત સુધી વિસ્તરે છે અને સોથી વધુ જાતનાં પશુ-પંખી અહીં વસે છે

વ્હેલ શાર્ક  

પૃથ્વીના નકશામાં તમે ઈન્ડોનેશિયા, મલેશિયા, પાપુઆ ન્યૂ ગીની, ફિલિપાઈન્સ, સોલોમન ટાપુઓ અને તિમોર વચ્ચેના ત્રિકોણ દરિયાને તપાસો તો એમાં કોરલ એટલે કે પરવાળાના ખડકો જોવા મળે છે. આ કોરલમાં ઓછામાં ઓછા ૫૦૦ જાતના દરિયાઈ જીવ વસે છે. એમાં વ્હેલ શાર્ક નામની માછલીઓ પણ વસે છે. તે અહીંના મહાસાગરોમાં સૌથી મોટી માછલીઓ છે.

વ્હેલ શાર્ક માછલીઓ મહાસાગરના પાણીમાં ખૂબ નિરાંતે ધીમી ગતિથી તરે છે. આક્રમક નથી હોતી અને મહાસાગરનું પાણી ગલોફામાં ભરીને એમાંથી સાવ સૂક્ષ્મ પ્લાન્કટન નામના જીવ, સાવ નાનીનાની માછલીઓ અને નાની સાઈઝની ઝીંઘા માછલી જેવો ખોરાક ગાળીને ખાઈ લે છે. એટલા માટે જ આવડી મોટી કાયા હોવા છતાં મહાસાગરમાં તમે એની સાથે તરતા હોવ તો તમારા માટે કોઈ જોખમ હોતું નથી. હા, એ નિરાંતે તરતી હોવા છતાં એની વિશાળ પૂંછડીની આછેરી ઝાપટ પણ વાગી જાય તો આપણે ઘાયલ થઈ શકીએ અને ક્યાંના ક્યાંય ફેંકાઈ જઈએ.

બોર્નિંયો ઉરાંગ ઉટાંગ  

દક્ષિણ-પૂર્વ એશિયામાં જ્યારે વરસાદ આવે ત્યારે ઈન્ડોનેશિયા અને બોર્નિંયોનાં વરસાદી જંગલોનો વિસ્તાર હરિયાળો થઈ જાય છે. અહીંનાં વૃક્ષો તો બારમાસી છે અને આકાશને આંબતાં ઊંચાં ઊંચાં હોય છે. આવા વનમાં એક ખાસ જાતના વાનર જાતિના જીવ થાય છે. એમનું નામ છે, બોર્નિંયો ઉરાંગ ઉટાંગ. આ નામ મલય અને ઈન્ડોનેશિયન ભાષાના શબ્દો ભેગા મળીને બન્યું છે. ઉરાંગનો અર્થ થાય છે માણસ અને ઉટાંગ શબ્દનો અર્થ થાય છે જંગલ. એ રીતે જોઈએ તો ઉરાંગ ઉટાંગનો અર્થ છે જંગલનો માણસ. એને માણસ એટલા માટે કહેવામાં આવ્યો કે એ ખરેખર વનવાસી માણસ જ લાગે છે. જરાક વિચિત્ર રીતે ચાલતો હોય છે, પરંતુ શીખવામાં એ માણસ જેવો જ ચાલાક અને ઝડપી હોય છે. એ ટારઝનની જેમ ઊંચાં ઊંચાં વૃક્ષોની એક ડાળીથી બીજી ડાળી પર કૂદી શકે છે અને ખૂબ લાંબા સમય સુધી ઊંધા માથે લટકતા રહી શકે છે. ફળ અને પાંદડાં ખાય છે. એક સમયે આખા વિસ્તારમાં ઉરાંગ ઉટાંગ જ્યાં ને ત્યાં જોવા મળતા હતા. હવે એ કદાચ ગણતરીના જ બચ્યા છે.

આવાં અનેક પ્રાણીઓની રસપ્રદ માહિતી સોની બીબીસીના સેવન વર્લ્ડ વન પ્લેનેટ કાર્યક્રમમાં જોવા મળે છે.

  • Special Feature

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન