Gujarat is the Golden Gate of the whole world - CM
  • Home
  • Featured
  • ગુજરાત સમગ્ર દુનિયાનો ગોલ્ડન ગેટ – મુખ્યમંત્રી

ગુજરાત સમગ્ર દુનિયાનો ગોલ્ડન ગેટ – મુખ્યમંત્રી

 | 1:48 pm IST
  • Share

  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 સંદર્ભે બેઠકો શરૂ

  • મુખ્યમંત્રી રાજદૂતો-ડિપ્લોમેટ્સને સાંજે મળશે

     

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત દિલ્હીમાં આજે રોડ – શૉ કરશે. જેમાં નવી દિલ્હીમાં સવારે 9 થી સાંજે 7 દરમ્યાન ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 સંદર્ભે બેઠકો યોજાઇ રહી છે.

ગુજરાત ભારતની રિન્યૂબલ એનર્જીની રાજધાની બનશે

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત દિલ્હીમાં કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વાઈબ્રન્ટ સમિટનું 10 જાન્યુઆરીએ વડાપ્રધાન શુભારંભ કરશે. સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવી ગયા પણ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશના ઉદ્યોગોને અસર થવા દિધી નથી. ગુજરાત સમગ્ર દુનિયાનું ગોલ્ડન ગેટ છે. ગુજરાતે ઉદ્યોગોને અનુકળતા માટે ઘણી યોજનાઓ બનાવી છે. ધોલેરા અમારું વિઝન છે. જ્યાં ઘણી સંભાવનાઓ છે. 2025 સુધી ગુજરાત ભારતની રિન્યૂબલ એનર્જીની રાજધાની બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોરોના મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો-ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.

મુખ્યમંત્રી રાજદૂતો-ડિપ્લોમેટ્સને સાંજે મળશે

ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

વાઇબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં રોડશો યોજાવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ રોડશો આજે દિલ્હીમાં થશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો