Video: 14 Dead, Thousands In Shelters As Typhoon Hagibis At Japan
  • Home
  • Featured
  • જાપાનમાં ‘હગિબીસ’ વાવાઝોડાએ ચોતરફ વેર્યો વિનાશ, 14ના મોત, ચોતરફ તબાહીના દ્રશ્યો જોઇ હચમચી જશો

જાપાનમાં ‘હગિબીસ’ વાવાઝોડાએ ચોતરફ વેર્યો વિનાશ, 14ના મોત, ચોતરફ તબાહીના દ્રશ્યો જોઇ હચમચી જશો

 | 2:33 pm IST

જાપાનમાં છેલ્લા 60 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. શનિવારે સાંજે 7 કલાકે જાપાનના મુખ્ય હોન્શુ આઇલેન્ડ પર વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં 180 કિલોમીટરની ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાની સાથે સાથે જાપાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું. રાજધાની ટોકિયોમાં પણ ભારે વાવાઝોડાં સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. સરકારે લગભગ 72 લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવાના આદેશ અપાયા હતા. ટોકિયોની આસપાસના વિસ્તારમાં હગિબિસે ભારે તબાહી મચાવતા ઠેરઠેર કુદરતે વિનાશ નોતર્યો હતો. અત્યાર સુધીમાં 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

વાવાઝોડા બાદ ભારે વરસાદ અને પવન ફૂંકાતા કેટલાંય વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. જાપાનમાં ચારેયબાજુ તબાહીના દ્રશ્યો દેખાઇ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે 14 લોકોના મોત અને 16 લોકો ગુમ થયા છે. માત્ર 24 કલાકની અંદર જ કેટલાંક વિસ્તારોમાં 93.5 સેન્ટીમીટર સુધીનો સાંબેલાધાર વરસાદ પડ્યો. ચિબા, ગુનમા, કનાગાવા, અને ફુકુશિમામાં સૌથી વધુ તબાહી થઇ છે. સ્થાનિક મીડિયાના પ્રમાણે અંદાજે 90 લોકો ઘાયલ છે. સોશિયલ મીડિયા પર જાપાનની તબાહીના કેટલાંય વીડિયો વાયરલ થયા છે.

સરકારે જારી કરેલી વોર્નિંગના કારણે હજારો લોકો શેલ્ટરમાં પહોંચ્યાં હતાં. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે તથા ઇમરજન્સી સેવાઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.

અમેરિકન જિઓલોજિકલ સરવેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર ટોકિયો નજીક ચીબાના દરિયા કિનારા નજીક જમીનથી 59.5 કિલોમીટરની ઊંડાઇએ હતું.

વાવાઝોડાની અસરને પગલે તમામ હવાઈ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટને રદ કરી દીધી હતી. રેલ નેટવર્કને બંધ કરી દેવામાં આવ્યું છે. ટોકિયોમાં તમામ સિનેમાઘરો, શોપિંગ મોલ અને કારખાનાને બંધ કરી દેવામાં આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓ – દ્ગારકાથી ભાલકા સુધીની વિશ્વની સૌથી મોટી યાત્રા પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન