Video Of Rohit Sharma Crying After Defeat Against New Zealand
  • Home
  • Sports
  • Cricket
  • Video: ભારતને હારતું જોઇ રોહિતે ગુમાવ્યો કાબૂ, ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો ‘હિટમેન’

Video: ભારતને હારતું જોઇ રોહિતે ગુમાવ્યો કાબૂ, ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો ‘હિટમેન’

 | 10:55 pm IST

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ-2019ની પહેલી સેમિ-ફાઇનલમાં હાર્યા બાદ ભારત બહાર થઇ ગયું છે. ન્યૂઝીલેન્ડે ભારત જેવી મજબૂત ટીમને 18 રને પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યાં તેનો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ સામે થશે. સેમિ-ફાઇનલની હાર પહેલા ભારતનું લીગ સ્ટેજમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતુ અને ભારતે ફક્ત એક જ મેચ ગુમાવી હતી. પૉઇન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને હતુ. વર્લ્ડ કપ શરૂ થયા પહેલા અને સેમિ-ફાઇનલ પહેલા પણ દિગ્ગજ ક્રિકેટરો, ક્રિકેટ પંડિતો સહિત ફેન્સનું પણ માનવું હતુ કે વર્લ્ડ કપ 2019 ભારત જીતશે.

ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનુ અધૂરું રહ્યું

લીગ સ્ટેજમાં ભારતનું જે પ્રકારનું પ્રદર્શન હતુ તે જોઇને ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવાનું સપનુ પુરૂ થશે તેવું લાગતુ હતુ. ભારતીય ટીમની બેટિંગનો મદાર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર હતો. શિખર ધવન ઇજાગ્રસ્ત થઇને બહાર જતા રોહિત શર્મા પર દબાવ હતો. જો કે તેણે એકલા હાથે જ ભારતની બેટિંગની ધૂરા સંભાળી હતી અને ભારતને સેમિ-ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નીભાવી.

રોહિત શર્માએ વર્લ્ડ કપ-2019માં બનાવ્યા સૌથી વધુ રન

રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવામાં તે નંબર-1 પર છે. ન્યૂઝીલેન્ડનાં 240 રનનાં આસાન જણાતા લક્ષ્યને જોઇને લાગુતુ હતુ કે ભારતની ધરખમ બેટિંગ લાઇનઅપ આ લક્ષ્યાંકને આસાનીથી પૂર્ણ કરી દેશે. જો કે ન્યૂઝીલેન્ડનાં બૉલરોએ ભારતનાં બેટ્સમેનોને બાંધી દીધી અને આખરે ન્યૂઝીલેન્ડે વિજય મેળવ્યો.

ધોનીને વર્લ્ડ કપની ભેટ આપવાની રોહિતની ઇચ્છા રહી ગઈ અધૂરી

ભારતે 5 રનમાં જ પોતાની 3 વિકેટો ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ફક્ત 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને રાહુલ પણ 1-1 રન બનાવીને આઉટ થયા હતા. ધોની અને જાડેજાએ ભારતની જીતની સંભાવનાઓને જીવતી કરી અને 100થી વધુ રનની ભાગીદારી કરી ત્યારે લાગતુ હતુ કે ભારત આ મેચ જીતી જશે.

ભારતની હારથી રડી પડ્યો રોહિત

જો કે ફરી એકવાર કિસ્મતે ભારતનો સાથ છોડ્યો અને જાડેજા આઉટ થયો, ત્યારબાદ ગપ્ટિલનાં એક સીધા થ્રોનાં કારણે પોતાની ઝડપી દોડ માટે જાણીતો ધોની પણ રનઆઉટ થયો અને ભારતની હાર નક્કી થઇ. પોતાનું તમામ જોર લગાવીને ભારતને સેમિ-ફાઇનલમાં લાવનાર રોહિત શર્મા ભારતની હાર જોઇ શક્યો નહીં અને તે ભાવુક જોવા મળ્યો. એટલું જ નહીં તે પોતાના આંસુ પર પણ કાબુ રાખી શક્યો નહીં અને રડતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન