વિજ્ઞાાનને નવા કિફાયતી આઈડિયાઓની ખોટ સાલી રહી છે : મૂડીરોકાણ પર વળતર નથી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • વિજ્ઞાાનને નવા કિફાયતી આઈડિયાઓની ખોટ સાલી રહી છે : મૂડીરોકાણ પર વળતર નથી

વિજ્ઞાાનને નવા કિફાયતી આઈડિયાઓની ખોટ સાલી રહી છે : મૂડીરોકાણ પર વળતર નથી

 | 3:18 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

છેલ્લાં દસ વર્ષમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. હમણાં એક નાનકડા શહેરમાં એક લગ્નપ્રસંગમાં ડ્રોન વિમાન દ્વારા ફોટોગ્રાફી થતી જોઈ. દસ વર્ષમાં સ્માર્ટ ફોન આવ્યાં અને તેની પાછળ પાછળ અનેક પ્રકારના એપ્સ અથવા એપ્લિકેશન્સ આવી જે તમારા માટે જરૂરી, કેટલાક બિનજરૂરી કામો કરી આપે અને તમારા શોખ અને વળગણોનું પણ ધ્યાન રાખે. બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીઓ પણ વહેવારમાં આવી. લોકપ્રિય પણ બની અને છતાં મોટા ભાગના લોકો અને નિવેશકો જાણતા નથી કે બિટકોઈન કેવી રીતે કામ કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ) નો પણ ઘણો વિકાસ થયો અને હજી આ ક્ષેત્ર તો દરિયા જેવડું વિશાળ પુરવાર થવાનું છે. જાણે દોડતી મોટરગાડીઓનો જમાનો આવ્યો. હાઈપરલૂપમાં વિમાન જેટલી ગતિએ દોડતી સિસ્ટમો વિકસાવવામાં આવી રહી છે. સવાસો માળથી ઊંચી, અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઈમારતો ચણાઈ રહી છે. ન્યૂયોર્કમાં બેસીને તબીબો લંડનના દરદી પર શસ્ત્રક્રિયા કરી શકે છે. વર્ષ ૨૦૦૭માં આ બધી શોધખોળો પ્રાથમિક અવસ્થામાં હતી અથવા હતી જ નહીં. આજે ૨૦૧૮માં જે સ્થિતિ છે તે ૨૦૨૮માં મામૂલી ગણાશે. વિજ્ઞાાન અને ટેકનોલોજીમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે, છતાં નિષ્ણાતો અને નિરીક્ષકોનું કહેવું છે કે વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મૂડીરોકાણ અનેકગણું વધ્યું છે અને તેનાં જે ફળ કે પરિણામ મળવા જોઈએ તે માત્રામાં મળતાં નથી.

વિજ્ઞાાન અને ટેકનોલોજી માટે આ ચિંતાકારક પ્રશ્ન છે. કારણ કે જો ધાર્યાં પરિણામો અથવા ફાયદા ન મળે તો મૂડીરોકાણ ઘટી જાય અને આખરે વિજ્ઞાાનક્ષેત્રમાં વિકાસની ઝડપ ઘટી જાય. ભારતમાં આંધ્રના કોલાર ખાતે સોનાની ખાણ છે અને મધ્યપ્રદેશના પન્ના ખાતે હીરાની ખાણ છે. તેમાંથી હવે અનુક્રમે સોનંુ અને હીરા મળે છે તે મેળવવા માટેનો ખર્ચ પ્રાપ્ત થતાં સોનાં કે હીરા કરતાં વધુ આવે છે તેથી ત્યાં ખનન પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.

વિજ્ઞાાન અને ટેકનોલોજી પણ આ સ્થિતિમાં મુકાયાં છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે જીનેટિક પ્રગતિમાં અભૂતપૂર્વ તેજી આવી હતી. પણ હવે તે પ્રવૃત્તિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વિજ્ઞાાનમાં આવિષ્કારોથી માણસ જાત વધુ સુખી થશે એવી અપેક્ષા હતી, માણસજાત સુખી તો થઈ છે, પણ અપેક્ષા મુજબ સુખી થઈ નથી તેમ કેટલાક સંશોધનો અને નિરીક્ષણો જણાવે છે.

એક સમય હતો જેમાં નવાં વૈજ્ઞાાનિક આવિષ્કારોને કારણે અમેરિકાની કુલ રાષ્ટ્રીય આવક (જીડીપી)માં પાંચ ટકાનો અને ઉત્પાદકતામાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. તે મહત્તમ હતો. પણ હમણાંના થોડાં દાયકાઓથી અમેરિકાનો વિકાસદરમાં માત્ર એકથી બે ટકાનું યોગદાન રહ્યું છે. હમણાંના દાયકામાં અમેરિકામાં આવકની અસમાનતા પણ વધી છે. અમેરિકામાં જે ટેકનોલોજીએ નોંધપાત્ર વળતર આપવાનું બંધ કરી દીધું છે એ ટેકનોલોજી હવે ભારત અને ચીનમાં આર્થિક વિકાસનું કારણ બની રહી છે. જેમકે મોટરકાર અને અન્ય વાહનોનો વધતો ઉપયોગ. એરલાઈન ઉદ્યોગ, હોટેલ, પર્યટન ઉદ્યોગ વગેરે. પણ વિજ્ઞાાનના નૂતન વિચારો અને સંશોધનો બાદ જે વળતર મળતું હતું તેમાં સાર્વત્રિક ઘટાડો જરૂર નોંધાયો છે.

અમેરિકાની પ્રસિદ્ધ વિજ્ઞાાન અને ટેકનોલોજીની શિક્ષણ સંસ્થા એમઆઈટી (મેસેચ્યુસેટસ ઈન્સ્ટિયૂટ ઓફ ટેકનોલોજી) અને સ્ટેનફોર્ડ દ્વારા એ અભ્યાસ થયો હતો કે નવાં સંશોધનો પાછળ કેટલો ખર્ચ થાય છે અને પરિણામે કેટલું આર્થિક વળતર મળે છે?

સંશોધનોનો એક નિષ્કર્ષ એ આવ્યો કે નવા ટેકનોલોજિક અને સાયન્ટિફિક વિચારો ઉદ્દભવે છે. પણ તેનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. વિજ્ઞાાનીઓ અને ટેકનોલોજિસ્ટ ઉટપટાંગ આઈડિયાઓ લઈ આવે તેનું મહત્ત્વ ત્યારે જ પુરવાર થાય જ્યારે એ આઈડિયા સામાન્ય જનતામાં આવકાર્ય બને અને પરિણામે વળતરદાયક બને. આજકાલ ફાયદાકારક પુરવાર થાય તેવા આઈડિયાઓ જલદીથી મળતા નથી. ઈલોન મસ્ક જેવા વિજ્ઞાાન આધારિત ઉદ્યોજકો ડ્રાઈવર વગરની કાર, હાઈપરલૂપ ટ્રેન જેવાં આઈડિયા લડાવે છે. પણ તે પ્રકારના આઈડિયાને જમીન પર સાર્થક કરવામાં ખૂબ મોટો ખર્ચ થાય છે. એ આઈડિયા આર્થિક રીતે પોષણક્ષમ પુરવાર ન થાય તો મસમોટું નુકસાન સહન કરવું પડે. ઈલોન મસ્કે સામાન્ય માનવીઓને અવકાશયાત્રાએ લઈ જવાની યોજના ઘડી છે. અમુક લોકોએ એના ખાસ યાનમાં સીટો પણ બુક કરાવી છે. ઈલોને તે માટેની ટેકનોલોજી પણ વિકસાવવા માંડી છે જેમાં યાત્રિકોને લઈ જવા અને લાવવાનો ખર્ચ પોસાય. છતાં જો એવી ટેકનોલોજી વિકસાવી ન શકાય તો સંશોધનો માટેનો તમામ ખર્ચ પાણીમાં જાય.

દરેક ક્ષેત્રમાં એક સમય આવે છે જ્યારે વળતરનું પ્રમાણ ઘટે છે. દવા સંશોધન અને સારવારના ક્ષેત્રમાં પણ આવું જ થયું છે. જેમ કે કેન્સરની સારવારના સંશોધન પાછળ લખલૂટ ધન ખર્ચવામાં આવ્યું છે, પણ રોગમાંથી ઉગરી જતા દરદીઓની સંખ્યામાં ખૂબ થોડો વધારો થયો છે. કૃષિ વિજ્ઞાાનમાં પણ એ જ સ્થિતિ છે. વધુ પાક માટે સંશોધનો થયાં અને ૧૯૬૦થી ૨૦૧૦ વચ્ચેનાં વર્ષોમાં ઉત્પાદન બમણું થયું, પરંતુ હવે સંશોધનોના ખર્ચ સામે ઉત્પાદનમાં વૃદ્ધિનું પ્રમાણ ઘટયું છે. આજથી ત્રીસ વર્ષ અગાઉ જે વૃદ્ધિ થતી હતી તે આજે પ્રાપ્ત કરવી હોય તો સરેરાશ પંદર ટકા વધુ મૂડીરોકાણ કરવું પડે છે.

આમ થવાનું એક કારણ એ છે કે વિજ્ઞાાનનો વ્યાપ વધ્યો છે. ત્રીસેક વર્ષ પહેલા વિજ્ઞાાનની તાલીમ લેવા માટે જે ખર્ચ થતો હતો તેના કરતા અનેકગણો ખર્ચ આજે થાય છે. સંશોધનો માટે જરૂરી સાધનસામગ્રીની કિંમતો ખૂબ ઊંચે ગઈ છે.

 

વિજ્ઞાાનનો ઘેરાવો વધવાને કારણે અગાઉ એકલો વિજ્ઞાાની સંશોધનો કરતો હતો તેની જગ્યાએ અલગ-અલગ પ્રકારના વિજ્ઞાાનીઓની મોટી ટીમ (ફોજ) રોકવી પડે છે, કારણ કે વિજ્ઞાાનની પ્રગતિ સાથે ખૂબ જટિલ બાબતો જ સોલ્વ કરવાની કે ઉકેલવાની રહેતી હોય છે. વિજ્ઞાાનનાં ઓછાં ફળ મળવાનો વખત શરૂ થયો છે, પણ આ કાયમી સ્થિતિ નથી. એક તબક્કાનો અંત આવે છે પછી થોડો સમય સન્નાટો રહે છે. સમય સ્થગિત થઈ જાય છે અને ફરી પાછો કોલાહલ સાથે નવો તબક્કો શરૂ થાય છે. વિજ્ઞાાનનો વ્યાપ વધી ગયો છે તેથી નવા તબક્કાઓ પણ જલદી જલદી આવે છે. હજારો વરસો સુધી બળદગાડાઓ અને ઘોડાગાડીઓ ચાલ્યાં બાદ મોટરકારો, ટ્રેનો અને વિમાનો આવી ગયાં. હવે વિજ્ઞાાનમાં નવો ચમત્કાર આણવાની ગુંજાઈશ ધરાવે તેવાં ક્ષેત્રોનો પણ પરિચય થયો છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં હજી થ્રી-ડી ટેકનોલોજીનો વ્યાપ વધશે. બીજું જે અમાપ શક્યતા ધરાવતું ક્ષેત્ર છે તે જીનોમિકસ અથવા વંશશાસ્ત્ર છે. ડીએનએ અથવા જીનોમનું એડિટિંગ (સંપાદન) કરવાની શાખાનો એટલો વિકાસ થશે કે સદીઓ સુધી તે કામ ચાલતું રહેશે. ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં વર્ચ્યુઅલ રિયાલિટીનું વિજ્ઞાાન પણ એવી જ અમાપ તકો ધરાવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજિન્સ પોતે જ અમાપ અને કલ્પિત અને અકલ્પિત બંને શક્યાઓ ધરાવે છે ત્યારે અન્ય નવી શોધખોળો માટે આ કૃત્રિમ બુદ્ધિ પણ માણસજાત માટે ખૂબ મદદરૂપ થવાની જ છે, જે આજના કમ્પ્યૂટરોએ પણ પુરવાર કર્યું છે. અન્ય ગ્રહો અને ઉપગ્રહો તરફ માણસને તે લઈ જશે. માટે રળતરમાં હંગામી ઘટાડો થાય તે કોઈ મોટો સેટબેક નથી.