વિજય હઝારે ટ્રોફી : બંગાળને ૩૭ રને હરાવી તામિલનાડુ ચેમ્પિયન

216

દિલ્હી, તા. ૨૦

વિકેટ કીપર બેટસમેન દિનેશ કાર્તિકની શાનદાર સદી બાદ બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી ફિરોજશાહ કોટલા ખાતે રમાઇ રહેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ મેચમાં બંગાળને ૩૭ રને હરાવી તામિલનાડુ ચેમ્પિયન બન્યું છે. જીતવા માટેના ૨૧૮ રનનાં લક્ષ્ય સામે બંગાળની ટીમ ફક્ત ૧૮૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચમાં ૧૧૨ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કાર્તિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી તામિલનાડુની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ૪૯ રન સુધી ટીમનાં ચાર બેટ્સમેનો આઉટ થઇ ગયાં હતાં. પરંતુ ત્યારબાદ બેટિંગમાં આવેલા બાબા ઇન્દ્રજિતે (૩૨) કાર્તિક સાથે ૮૫ રનની ભાગીદારી નોંધાવી હતી. તેના આઉટ થયા બાદ વિકેટ પડવાનો ક્રમ શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન કાર્તિકે પોતાની સદી પૂરી કરી હતી અને તે સૌથી છેલ્લે મોહંમદ શમીની ઓવરમાં હિટ-વિકેટ આઉટ થયો હતો. તામિલનાડુની ટીમ ૨૧૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બંગાળ તરફથી શમીએ ચાર અને અશોક ડિન્ડાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

૨૧૮ રનનાં લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી બંગાળની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. અભિમન્યુ ઇશ્વરન અને પન અનુક્રમે એક અને શૂન્ય રન બનાવી અશ્વિન ક્રિસ્ટની ઓવરમાં આઉટ થયા હતાં. ઓપનિંગ બેટ્સમેન ગોસ્વામી પણ ૨૩ રન બનાવી રાહિલ શાહનો શિકાર બન્યો હતો. સુદીપ ચેટરજીએ ચોથી વિકેટ માટે કેપ્ટન મનોજ તિવારી સાથે ૩૧ અને પાંચમી વિકેટ માટે મજુમદાર સાથે ૬૫ રન જોડયાં હતાં. ચેટરજી ૫૮ અને મજુમદાર ૨૪ રને આઉટ થયા બાદ ગનીએ ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. તામિલનાડની ચુસ્ત બોલિંગ સામે બંગાળનાં અન્ય બેટ્સમેનો વધુ સમય ટકી શક્યા નહોતા અને આખી ટીમ ૧૮૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તામિલનાડુ તરફથી ક્રિસ્ટ, મોહંમદ અને શાહ બે-બે વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યાં હતાં.