વિજય માલ્યાએ પ્રત્યર્પણના આદેશ સામે બ્રિટિશ હાઇકોર્ટમાં અપીલ કરી - Sandesh
  • Home
  • Featured
  • વિજય માલ્યાએ પ્રત્યર્પણના આદેશ સામે બ્રિટિશ હાઇકોર્ટમાં અપીલ કરી

વિજય માલ્યાએ પ્રત્યર્પણના આદેશ સામે બ્રિટિશ હાઇકોર્ટમાં અપીલ કરી

 | 12:37 am IST

કાનૂની લડાઈ લડી રહેલા વિજય માલ્યાએ બ્રિટિશ સચિવ અને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મની લોન્ડરિંગ અને કાવતરાના કેસમાં ભારતમાં તેમની સામે થઈ રહેલા આક્ષેપોનો સામનો કરવા તેમના પ્રત્યર્પણ માટે કરેલા આદેશ સામે બ્રિટિશ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. ગુરુવારે હાઇકોર્ટની વહીવટી શાખાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘વિજય માલ્યાએ આજે અપીલ કરવાની મંજૂરી કરતી અરજી દાખલ કરી છે.’

બીજી તરફ વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, ‘ટિપ્પણી આપવા તેમની પાસે કાંઈ નથી. અગાઉ પણ અપીલ કરવાનો ઇરાદો જાહેર કરી ચૂક્યો છું. હું વધુ વિગતો નથી જાણતો, મારા વકીલો કાર્યવાહી કરી રહ્યા છે.’  કોર્ટની વહીવટી શાખાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અરજીની સુનાવણી અંગેનો નિર્ણય આવતાં બે સપ્તાહથી બે મહિનાનો સમય જઈ શકે છે. કોર્ટના વકીલો હવે અરજીનો અભ્યાસ કરશે.

માલ્યાનાં પ્રત્યર્પણ સંબંધમાં મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બોથનોટે ૧૦ ડિસેમ્બરે પોતાનો નિર્ણય ગૃહપ્રધાનને મોકલી આપ્યા પછી ૩ ફેબ્રુઆરીએ ગૃહપ્રધાન સાજિદ જાવેદે જે આદેશ પર હસ્તાક્ષર કર્યા તેની સામે માલ્યાએ અપીલ કરી છે.  ૬૩ વર્ષના માલ્યાએ ૨૦૦૯માં કિંગફિશરને ઉગારી લેવા બેન્ક કોન્સોર્ટિયમ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ કરોડની લોન લીધી હતી અને તે પછી ડિફોલ્ટર જાહેર થયા હતા.

તેમના પર આક્ષેપ છે કે તેમણે કિંગફિશરના અધિકારીઓ અને આઈડીબીઆઈ બેન્કના અધિકારીઓ સાથે કાવતરું કરીને લોન ભરપાઈ ના કરવી પડે તેવા ઇરાદા સાથે ધિરાણ મેળવ્યું હતું. એરલાઇનની નફાકારકતા વિશે ખોટી માહિતી આપીને આઈડીબીઓઆઈ પાસેથી ધિરાણ મેળવ્યું હોવાના આક્ષેપ છે.

લંડન ખાતેનાં પ્રત્યર્પણ બેરિસ્ટર તોબી કેડમેને જણાવ્યું હતું કે વિદેશપ્રધાન અને કોર્ટ એમ બંનેના નિર્ણયો સામે અપીલ કરવામાં આવશે. મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, તે અંગેનો નિર્ણય આવતાં એકાદ બે સપ્તાહ લાગી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;