વિક્રમ ડાકુ મલખાનના અડ્ડા પર ત્રાટક્યો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • વિક્રમ ડાકુ મલખાનના અડ્ડા પર ત્રાટક્યો

વિક્રમ ડાકુ મલખાનના અડ્ડા પર ત્રાટક્યો

 | 2:55 am IST

વહી ગયેલી વાર્તા

નજીકમાં બનેલા વિશાળ જળાશયને કારણે ડૂબમાં જનાર ડુંગરી ગામના લોકો ગામ ખાલી કરવા તૈયાર નથી. ગામ લોકોને સમજાવટથી ગામ ખાલી કરાવવા આવેલા વિક્રમ પ્રત્યે ગામ રોષે ભરાયેલું છે. ગામના ચોકીદારની યુવાન પુત્રી મધુ સાથે લાગણીમાં ખેંચાયેલા વિક્રમ પ્રત્યે ગામનો રોષ ભભૂકી ઊઠે છે. એવામાં રાત્રે કોઈ લોકો મધુને પીંખી નાંખે છે. લોકો માને છે કે આ કામ વિક્રમનું છે. ઘરની આબરૂ જતી રહી હોવાનું માની મધુનો ગરીબ પિતા ચોકીદાર રામસિંહ હતાશ થઈ આત્મહત્યા કરવા ઊંડી ખીણ તરફ જવા નીકળે છે.

પ્રકરણ-૧૦

પરંતુ વિક્રમને ખબર છે કે મધુ સાથે દુષ્કૃત્ય કોણે કર્યું.

સમસતી જીપ લઈને વિક્રમ જીતપુર ગામમાં પ્રવેશી ચૂક્યો હતો. એની આંખોમાં આગ ભભૂકતી હતી. મધુ પર બળાત્કાર કરનાર માણસોને ઢૂંઢવા એ જોજનો લગી જીપને દોડાવીને જરાય થોભ્યા વગર અહીં આવી પહોંચ્યો હતો.

બધા જ ડેલીબંધ મકાનોની વચ્ચેના રસ્તા પર ધૂળના ગોટા ઉડાડતી આ બેફામ દોડી રહેલી જીપને લોકો ઘડીભર જોઈ જ રહ્યા.

જીપ અચાનક થોભી.

બ્રેક વાગી તોયે પાંચેક ફૂટ એનાં પૈડાં ઘસડાયાં.

રસ્તામાં ગિલ્લીદંડા રમી રહેલાં છોકરાં પણ ગભરાઈને હટી ગયાં.

વિક્રમે ધીમેથી એક છોકરાને જીપમાં બેઠાં બેઠાં જ કંઈક પૂછયું. છોકરાએ પાંચસો એક ફૂટ દૂર એવી એક પુરાણી ઈમારતના દરવાજા ભણી આંગળી કરી.

વિક્રમે જીપનો સહેજ ટર્ન લઈ ગિયર બદલ્યો. શાયદ એ પૂરી તાકાતથી જીપને દોડાવવા માગતો હતો. એણે જીપને દોડાવી અને વિફરેલો હાથી મોતની પરવા કર્યા વિના અભેદ્ય દીવાલને ભેદવા દોડતો હોય તેમ એણે જરાયે પરવા કર્યા વિના તોતિંગ દરવાજા સાથે જીપ અફળાવી. એક ભયાનક કડાકા સાથે જીપ બારણા તોડી પોતાનો માર્ગ કરી ડેલીમાં પ્રવેશી ગઈ. આ દ્રશ્ય જોઈ ગામના છોકરા સ્તબ્ધ બની ગયા. તૂટેલા બારણાનો કેટલોક કાટમાળ જીપની ઉપર ખેંચાઈ આવ્યો અને કેટલાક અવશેષો ત્યાં જ નેસ્તનાબૂદ થયા. વર્ષોથી ભરાઈ રહેલાં પાણી બંધને ફાડીને ધસમસતાં હોય તેમ જીપ ડેલીને વટાવી હવેલીના ચોરાનાં પગથિયાં પણ ચડી ગઈ.

અને હવેલીના ચોરામાં ડાયરો જમાવીને બેઠેલા જીતપુરના ડાકુ મલખાનના તથા તેમના આઠ દસ મળતિયાઓ ઘડીભર તો હબક ખાઈ ગયાં. તે એક મોટા ઢોલિયા પર બિરાજેલો હતો. એમની પાસે ઊભેલો માણસ વાયરો ઢોળતો હતો. જ્યારે તેના પગ પાસે અને આસપાસ બેઠેલા કરાલકાળ જેવા ખૂંખાર મૂછાળા આદમીઓ પણ આમ અચાનક ત્રાટકતા સિંહને જોઈ હકબક થઈ જાય તેમ વિક્રમની જીપને ચોરામાં ઘૂસી ગયેલી જોઈ ઘડીભર તો તેઓ કંઈ વિચારી પણ શક્યા નહીં.

એમણે જોયું તો વિક્રમે સ્ટિયરિંગ પર બેઠાં બેઠાં જ રિવોલ્વર બહાર કાઢી હતી.

એણે હવામાં ધડાકો કર્યો.

અને કેટલાક એમની બંદૂકને હાથ લગાડવા જતા હતા પણ થંભી ગયા.

વિક્રમે જીતપુરના ડાકુ મલખાન તરફ નજર નાખી. છ ફૂટનો એ મહાકાય આદમી હતો, મોટી આંખો, શ્વેતશ્યામ મૂછો, ગોરો પણ કડક ચહેરો અને પડછંદ કાયા. ડાકુ મલખાને  એક જ ક્ષણમાં વિક્રમનું વિકરાળ સ્વરૂપ પારખી લીધું. તે જ્યાં હતો ત્યાં જ સ્થિર બેસી રહ્યો.

બીજા સાથીદારોના હાથ હજુ સળવળતા હતા.

વિક્રમે બાજુની દીવાલના અરીસા સામે જોયું તો પાછળથી હાથમાં દોરડા સાથે એક આદમી પોતાની પર ધસી રહ્યો હતો. વિક્રમે વીજળીવેગે પાછળ ફરી રિવોલ્વરનું ટ્રીગર દબાવ્યું અને પાછળના આદમીનો દોરડાવાળો હાથ એક ધડાકા સાથે જ વીંધાઈ ગયો. દોરડા સાથે એ જીપમાં આગળના પૈડા પાસે ઊથલી પડયો. વિક્રમે એના હાથમાનું દોરડું આંચકી લીધું.

એણે ત્રાડ નાખીઃ “મલખાન…! કોઈએ જરા પણ હિલચાલ કરી છે તો એને ઘડીના છઠ્ઠા ભાગમાં હું ઉડાવી દઈશ…કહી દો તમારા માણસોને કે જરા પણ ચાલાકી ના કરે.”

અને ત્યાં જ એણે ડાબી બાજુ બેેઠેલા એક આદમી તરફ ગોળી છોડી. એ બાજુમાં પડેલી બંદૂક લેવા જતો હતો પણ વિક્રમે રિવોલ્વરની ગોળીથી બંદૂકને ઉડાડી મૂકી.

ડાકુ મલખાન વીજળીવેગે આ બનાવને વિસ્મયપૂર્વક નિહાળી રહ્યો હતો. એમણે પહેલી જ વાર મોં ખોલ્યું અને પોતાના સાથીઓને ઉદ્ેશીને કહ્યું: “ખબરદાર છે કોઈએ મહેમાન સાથે ગુસ્તાખી પણ કરી છે તો.”

વળી એમણે એ જ અદાથી વિક્રમ સામે જોતાં પૂછયું: “તું પેલો પોલિસ ઈન્સ્પેક્ટર વિક્રમ છે?”

વિક્રમે ત્રાડ પાડીઃ “મલખાન! મને તારી સાથે સવાલ-જવાબ કરવાનો વખત નથી.”

“તો તમારું અહીં આવવાનું પ્રયોજન શું છે?”

ફરી વિક્રમે રાતીચોળ આંખો ઠાલવતાં કહ્યું: “ડુંગરી ગામને રસાતાળ કરવામાં તે બાકી રાખ્યું નથી. મેળામાં લૂંટ ચલાવી, ઘરને આગ લગાડી અને આટલું ઓછું હોય તેમ તે  ગામની છોકરી પર બળાત્કાર કર્યો.”

મલખાને ઠંડે કલેજે ઉત્તર વાળ્યોઃ “મેં નહીં, વિક્રમ! મારા માણસોએ.”

અને ગુસ્સે ભરાયેલા વિક્રમે ફાટયા અવાજે બૂમ મારીઃ “મારે તારા એ બે માણસો જોઈએ છે! ક્યાં છે એ બે જણ?”

વિક્રમના ઉગ્ર અવાજના પ્રત્યાઘાતમાં ડાકુ મલખાન ખડખડાટ હસ્યો અને હસતાં હસતાં જ કહ્યું: “તમારી તાકાત હોય તો શોધી લો એ માણસો…અહીં મારી આસપાસ જ  બેઠેલા છે.”

અને વિક્રમે બુલેટ ભરેલી રિવોલ્વર તાકતાં એક પછી એક એમ તમામ માણસો તરફ નજર ફેંકી. પ્રત્યેકની આંખો અને ચહેરા ખૂંખાર લાગતા હતા. એકે એકની આંખો રક્તભીની લાગતી હતી. પ્રત્યેકના હોઠ પરથી વાસના ટપકતી હતી. કોને વિષયી ગણવોને કોને લંપટ ગણવો તે શોધી કાઢવું અતિ કઠણ હતું.

એની નજર ફરીને છેવટે ડાકુ મલખાન  પર અટકી.

ડાકુ મલખાન હજુ ખડખડાટ હસી રહ્યો હતો. એ હાસ્ય વિક્રમના કાન ફાડી નાખતું હતું. એ હાસ્યની ભીતરમાં મધુએ અનુભવેલા દર્દની ચીસો જાણે કે એના કાને અથડાઈ રહી હતીઃ “બચાવો…બચાવો….બચાવો.”

અને એ બધાયે અવાજોને દાબી દેતા સ્વરે વિક્રમે ગર્જના કરીઃ “બંધ કરો આ બકવાસ.”

અને વિક્રમનું આ સિંહ જેવું સ્વરૂપ જોઈ સહુ થીજી ગયા. એક માત્ર ડાકુ મલખાન પર એની કોઈ અસર નહોતી.

વિક્રમ બોલ્યોઃ “તારા માણસો મારી સમક્ષ કબૂલ નહીં કરે તો એ માટે તારે સહન કરવું પડશે.”

“વિક્રમ! આજે તું અચાનક ત્રાટક્યો છે એટલે તારો હાથ ઉપર છે પણ મારા સાથીઓને હું તારી આગળ નહીં ધરું.”

“મલખાન તારા જ માણસો જ ડુંગરી ગામે અચાનક ત્રાટક્યા હતા એ શું એમનું શૂરાતન હતું?”

“મેં પ્રત્યેક આક્રમણ વેળા ગામને ચેતવણી આપેલી જ છે. પ્રત્યેક વખત જાસા મોકલાવ્યા જ હતા. મેળાને ખેદાનમેદાન કરવા મારા માણસો ગયા ત્યારે પણ મેં ગામને કહેવડાવ્યું જ હતું. પણ એ દિવસે તું નવો હતો.”

“પણ આજે હું કોઈ નવો નથી. મને પણ ડુંગરી ગામનો જ એક આદમી સમજી લ્યો.”

અને મલખાન ખડખડાટ હસ્યો. હસતાં હસતાં બોલ્યાઃ “હા, ભાઈ હા…હવે તો…ડુંગરી ગામ તમારું…સાસરું જ….”

અને વિક્રમ છંછેડાયો. એણે હાથમાં પકડેલું દોરડું ગાળા સાથે ડાકુ મલખાન પર ફેંક્યું અને ગાળો એના ગળે ભરાઈ ગયો. સાથીઓ બેઠા થઈ ગયા પણ વિક્રમે કહ્યું: “આસ્તે…આસ્તે…કોઈએ સહેજ પણ ઉતાવળ કરી તો મલખાનના પ્રાણ આ હવેલીમાં જ નીકળી જશે.”

સહુ થંભી ગયા.

વિક્રમે દોરડાનો છેડો જીપની પાછળના ભાગમાં મજબૂત રીતે બાંધી દીધો. દરમિયાન ગળામાં ભરડાયેલો દોરડાનો ગાળો સહેજ ઢીલો કર્યો. વિક્રમે દોરડું ઢીલું થતું જોઈ એક આંચકાથી દોરડું ખેંચ્યું અને દોરડાનો પહોળો થયેલો ગાળો મલખાનની કમર પર ઊતરી આવ્યો.

ડાકુ મલખાન હજુ હસતો હતો.

વિક્રમનો ક્રોધ વધી રહ્યો હતો.

એણે અચાનક જીપને રીવર્સ કરી. જીપ પગથિયાં ઊતરી ગઈ અને એક ક્ષણનોય વિલંબ કર્યા વિના જીપને ડેલીના તૂટેલા દરવાજા તરફ ફંગોળી. મલખાનની કમર પર ભરડાયેલું દોરડું, મલખાનની છાતી પર આવીને ગાંઠની જેમ બંધાઈ ગયું. જીપના દોડવાની સાથે જ મલખાન ઢોલિયા પરથી નીચે પછડાયો અને એમનો પડછંદ દેહ પણ પગથિયાં પરથી ગબડતો જીપની પાછળ પાછળ ઘસડાવા માંડયો. ડેલીના લટકી રહેલા દરવાજા પાસે પાંચસો એક માણસનું ટોળું આ વીજળી વેગે બદલાતાં દ્રશ્યોને નિહાળી રહ્યું હતું. વિક્રમની જીપ હાઈ ગિયરમાં ભારે ઘૂરકાટ કરતી દરવાજા તરફ આવતી જોઈ લોકો પોતાનો જાન બચાવવા હટી ગયા અને જીપ કોઈનીય પરવા કર્યા વિનાના મલખાનના દેહને સહુની નજર આગળ ઘસડતી બહાર નીકળી ગઈ. લોકો ફાટી આંખે ડાકુ મલખાનને જમીન પર ઘસડાતો જોઈ  રહ્યા. ગામની વચ્ચે ધૂળિયા રસ્તા પર થઈ પસાર થતી જીપ અને પાછળ બાંધેલા દોરડાથી ઘસડાઈ રહેલા ડાકુને જોઈ ગામની સ્ત્રીઓ પણ સ્તબ્ધ થઈ રહી.

ઘડીભરમાં તો વિક્રમ ગામની બહાર નીકળી ગયો.

એણે પાછળ મલખાનની હાલત જોવા કોશિશ પણ કરી નહીં. તેના વસ્ત્રોના લીરા થઈ રહ્યા હતા. પણ વિક્રમની આંખો સમક્ષ મધુનાં ઉપવસ્ત્રોનાં ફાટેલાં ચીર તરવરતાં હતાં. ડાકુ મલખાનનો દેહ ધરતી સાથે ઘસડાઈને ઉઝરડા પામી રહ્યો હતો, પણ વિક્રમની આંખો સમક્ષ મધુનો પીંખાયેલો દેહ દેખાતો હતો. ડાકુ મલખાનના ઘસડાઈ રહેલા શરીરમાંથી લોહી ફૂટી રહ્યું હતું પણ વિક્રમ તો લીંપણ પર મધુના દેહમાંથી ધસી આવેલા લોહીનાં ટપકાંને હજુ નિહાળી રહ્યો હતો. ડાકુ મલખાન યાતનાનો એક હરફ ઉચ્ચારતો નહોતો…શાયદ મધુની વેદના પણ ખોરડાની ભીતર જ ઊઠીને ભીતરમાં જ સમાઈ ગઈ હતી.

અને જીતપુરના ગામલોકોએ જોયું તો ડાકુ મલખાનને એક ઢોરની જેમ ખેંચી જતી જીપ ઘડીભરમાં તો અદ્રશ્ય થઈ ગઈ…દૂર દૂર ધૂળના ગોટા જ હવે તો દેખાતા હતા.

(ક્રમશઃ)

www.devendrapatel.in