હિંસા અને વિકૃતિઓ જીવલેણ બની રહી છે - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • હિંસા અને વિકૃતિઓ જીવલેણ બની રહી છે

હિંસા અને વિકૃતિઓ જીવલેણ બની રહી છે

 | 3:52 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

ભારત જેને મહાત્મા કહે છે એ ગાંધીજી અહિંસાના પરમ પૂજારી હતા અને તેણે અહિંસાના માર્ગે અંગ્રેજો સામે મોરચો માંડયો હતો. આઝાદી મેળવવામાં અનેક લોકોએ તેમના લોહી રેડયા હતા તે બાબત અલગ છે. પણ અહીં વાતનો બહુ સ્પષ્ટ આશય છે કે, સાંસ્કૃતિક વારસો ધરાવતું ભારત હીંસાના રંગમાં એટલી હદે રંગાયેલું છે કે, સાલુ સવારે અખબારના પાના ઊથલાવતાં કે રાત્રે ન્યૂઝ ચેનલના અહેવાલો જોતા પણ જીવ ગભરાય છે. માનો કે ન માનો પરંતુ જેમ જેમ ભારતીય સોસાયટી પોગ્રેસિવ બનતી ચાલી છે તેમ તેમ તેનું ચરિત્રહનન વધુ ને વધુ થતું ચાલ્યું છે. હિંસાચાર તે નિત્યક્રમ બની ગયો છે. ગંભીર ગુનાથી લઈ ઈવનિંગ ટીઝ જેવા બનાવોની હારમાળા સતત ચાલુ રહે છે. માણસ સતત સ્ટ્રેસમાં રહે તેવું ચિત્ર બની રહ્યું છે. ત્યારે મનમાં સવાલ થાય છે કે આ તે આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યાં છીએ. જ્યાં હિંસા, ગુનાખોરી અને પેંતરાની ખદબદ છે.

દિલ્હી પાસે ગુરુગ્રામમાં રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં માસૂમ પ્રદ્યુમનની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. તો દિલ્હીમાં જે એક બાળકી સાથે રેપ, બિહારમાં યુવતી સાથે રેપ ડીલ ડેથની ઘટનામાં તેના કોઈપણ પ્રકારના ગુના વિના તે હરામખોરોએ તે બદનસીબને રેપ કર્યા બાદ તેજાબમાં નવડાવી દીધી હતી. તેમજ રામરહીમ જેવા મવાલી અને ગુંડા છાપ બાબાને બચાવવા તેના કાર્યકર્તાઓએ મચાવેલ ઉત્પાતમાં લગભગ કેટલાય લોકોની હત્યા, સાર્વજનિક સંપત્તિને કરોડોનું નુકસાન તેમજ સેફ ગણાતા ગુજરાતમાં પણ સિનિયર સિટીઝનના હત્યાના છુટાછવાયા બનાવો બનતા જ રહે છે. ત્યારે આ સીનારિયો જોઈ મનમાં સવાલ પેદા થાય છે કે શું આ છે આધુનિક ભારતની તેવી છબિ કે જ્યાં બાળકોના મોતના રોજ રોજ સમાચારો સાંભળવા મળે છે તેમ છતાં તેના પર ટીકા-ટિપ્પણીઓ સિવાય કંઈ જ પગલા ભરાતા નથી. આ માસૂમોનો શું તે જ દોષ છે કે તેઓ ભારતમાં જન્મ્યા છે?

બાય ધ વે, ભારતમાં રાજનૈતિક હિંસાથી લઈ (કેરલમાં સરેઆમ હત્યાના મામલા નોંધાયા છે) સાંપ્રદાયિક, જાતીય, લૈગિંક, યૌન અને ઘરેલુ હીંસાનું દુષ્ચક્ર ફેલાઈ રહ્યું છે. જ્યાં અપરાધી ખુલ્લેઆમ ફરી રહ્યાં છે, પોલીસ સુસ્ત છે. તો તેની સામે વ્યાપક થતી જતી હીંસાની પેટર્ન ચિંતાજનક જણાય છે. જેમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓની જેમ હમલાવર ભીડ ગમે ત્યારે પેદા થઈ શકે છે. કેમ કે, હીંસા લોકોના દીમાગનો કબજો લઈ ચૂકી છે. છેડચોક ગુનાખોરી કરતાં લોકો કોઈ ગુના સબબ મળતી સજાને એક ઉદાહરણ તરીકે નથી લેતા તેવું સ્પષ્ટ જણાય છે અને એટલે જ તેઓ સરેઆમ ગુનાઓને અંજામ આપે છે.

નેશનલ ક્રાઈમ બ્યૂરોના રેકોર્ડ મુજબ ૨૦૧૨ના નિર્ભયા કાંડ બાદ દેશમા લોકોના આક્રોશ ચરમસીમાએ હતો અને આ બનાવને ધ્યાનમાં રાખીને કાયદામાં પણ કેટલાય સુધારા-વધારા કરાયા હતા. તેમ છતાં આવી ઘટનાઓમાં ઘટાડો થવાને બદલે દિલ્હીમાં રેપની ઘટનાઓમાં લગભગ ૩૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. જે એક અત્યંત ભયાવહ સ્થિતિ છે. ચોંકી જવાય છે ને આ વાંચી ને ?? તો વિચારો કે આ ગુનાખોરો કેવું માઈન્ડ ધરાવે છે. તેમનામાં કાયદાનો ડર કે સમાજનો કોઈ ખૌફ હોય તેવું તમને લાગે છે ખરું ? જી ના, જરા પણ નહીં.

વેલ ત્યારે તમે દેશની રાજધાની દિલ્હીથી ગમે તે બાજુ નજર દોડાવશો પુર્વાેત્તર, પૂર્વ, પશ્ચિમ કે દક્ષિણના રાજ્યો તરફ તો તમને લાગશે કે, દેશ ખૂબ ઝડપથી એક ભયંકર અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે. જ્યાં ગોળીનો અવાજ વધુ બુલંદ બની ઊભરી રહ્યો છે.

વેલ આ ગોળી ચાહે કાશ્મીરના ત્રાસવાદીઓએ છોડેલ હોય, ચાહે અલગાવવાદીઓ ઉકસાવેલ ભીડે, કે માઓવાદીઓના બંદૂકના નાળચામાંથી કે પછી યુ.પી., બિહાર કે તામિલનાડુમાં દલિતો સામે તે તકાયેલી હોય કે પછી કેરળ કે જ્યાં રાજનીતિક હત્યાઓ તે રોજિંદી બાબત બની ચૂકી છે. ત્યારે કહેવાનો આશય છે કે, દેશનો કોઈ એક ખૂણો સલામત બચ્યો નથી કે જ્યાં હીંસા ન થતી હોય કોઈ ને કોઈ બહાને હીંસા આચરવામાં આવે જ છે.

વળી વાત અહીં કેવળ બંદૂકની ગોળીઓથી થતી મોતની જ નથી. બલકે રોડ એક્સિડેન્ટની ઘટનાઓએ પણ માઝા મૂકી છે. હાલમાં અમદાવાદમાં બાવળાના બાળકો પણ આવા ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. જો કે આ તો ફક્ત એક ઉદાહરણ છે બાકી અકસ્માત મામલે પણ દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વર્ષ ૨૦૧૪માં ૧,૩૪,૯૦૩ જેટલી દુર્ઘટનામાં ૪૭,૬૪૯ જેટલા લોકોના મોત થયા હતા. તો વર્ષ ૨૦૧૫માં ૧,૪૨,૨૬૮ જેટલી દુર્ઘટનામાં ૫૧,૨૦૪ (પરિવહન મંત્રાલયની રિપોર્ટ મુજબ) જેટલા લોકોના મોત નીપજ્યાં છે. જે આંકડો ત્રાસવાદી ઘટનાઓથી થતા સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુથી થતા મોતથી ઘણો વધારે છે.

વેલ, આને દુર્ઘટનામાં ખપાવી રાહત ન અનુભવી શકાય. કેમ કે આમાં પણ કેટલાક લુખ્ખાઓની માનસિકતા જ જવાબદાર છે. રોડ-રસ્તાને શક્તિ પ્રદર્શનનું સાધન સમજી બેઠેલ કેટલીક નવરી બજારો ભરબજાર વચ્ચે કે હાઈવે પર પણ બેફામ ગતિએ વાહન હંકારવાની બાબતને પોતાની શાન ગણે છે. પણ આ મૂરખોને કોણ સમજાવે કે આ કોઈ બહાદુરી છે કે જે કેટલાય લોકોના જાન જોખમમાં મૂકી શકે છે. આ કોઈ રમકડું નથી બલકે સડક પર હરતું ફરતું મોત છે. જો તેને તકેદારીથી ન ચલાવાય તો તેથી જ આ પણ એક માનસિક વિકૃતિ અને હિંસક વૃત્તિનો જ એક ભાગ છે.

અને વધારે ઝાટકો અનુભવવા આ પણ વાંચો કે ભારતની આવી હાલતને ધ્યાનમાં રાખીને અમેરિકી વિદેશ મંત્રાલયના બ્યૂરો ઓફ ડિપ્લોમેટિક સિક્યોરિટીની વેબસાઈડ પર ભારત આવનાર અમેરિકી યાત્રીઓને હીદાયત આપવામાં આવી છે કે, આપ સડક ક્રોસ કરતાં સાવધાની વર્તાે કેમ કે, અહીં બેફામ ડ્રાઈવિંગથી લઈને, તમારા વાહન સાથે કોઈ રાહગીર કે ગાયને ટકરાવવાની ઘટનાઓ બનતી રહે છે. તેમજ મહિલાઓને અંધારા પછી બહાર ન નીકળવાની પણ સલાહ અપાઈ છે. લ્યો જૂઓ ભારતની ઈમેજ અને આમાં ખોટું પણ કંઈ નથી. કેમ કે, ગાયો પણ આટલા જ અકસ્માતો કરે છે ત્યારે અમેરિકી નજરીયાથી અગર આપણે આપણી અંદર ઝાંકવાની કોશિશ કરીશુ તો ખ્યાલ આવશે કે આપણે આપણી શું હાલત બનાવી નાંખી છે.

જો કે, આ મુદ્દે કોઈ કદાચ તેમ પણ કહેશે કે, આમાં નવું શું છે ? હીંસા અને અપરાધ તો પહેલાં પણ થતા હતા. ત્યારે આમાં વધારે ચિંતાની બાબત શું છે ? તો જાણી લો કે, હીંસા હવે વધુ સંગઠિત, અપરાધ હવે વધુ સુનિયોજીત અને ભીડ હવે વધુ અધિક પ્રગટ થઈ ચૂકી છે. ક્રાઈમની એક નવી જ દ્રુત પેટર્ન વિકસી ચૂકી છે. ત્યારે આપણે ગાંધી અને બુદ્ધનો દેશ કહી આપણી જવાબદારીમાંથી ન છટકી શકીએ.

દિલ્હીના પ્રદ્યુમન કેસે ફરી એકવાર સંવેદનાઓએ હલબલાવી નાંખી છે. તેની માતાની હાલત અત્યંત હૃદયદ્રાવક છે અને હોય જ ને… તેના લાડકવાયાને આખરે આવા પિશાચને હવાલે કરવા તો તેણે સ્કૂલ નોતો મોકલ્યો. અહીં ફક્ત સ્કૂલની જ નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી નક્કી થાય તેમ છે. કેમ કે, ચોક્કસ રુલ્સ ફોલો અપ થતા નથી. હવે બધાએ સાથે મળી નક્કી કરવું પડશે. સ્કૂલો સામે લાલ આંખો કરો કે તેઓ સુરક્ષાના મજબૂત પગલાં લે. સ્કૂલોમાં ગુનેગારીને અંજામ અપાય તેવી સ્પેસ જ ન જોઈએ. નાના બાળકોના ટોઈલેટ પાસે બાઈઓ રાખવી જ જોઈએ. કેમેરા જો હોય છે તો ચાલતા નથી અને એટલે જ સ્કૂલોમાં આજે પણ બાળકોનું હેરેસમેન્ટ થતું રહે છે. તેમની સાથે નાની નાની બાબતોમાં માર-પીટથી લઈ શારીરિક શોષણ તે કોઈ નવો વિષય નથી.