Virat Kohli Gave Warning To Indian Team Players Before Playing IPL
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ પહેલા IPL રમવાને લઇને કોહલીએ ખેલાડીઓને આપી દીધી વૉર્નિંગ

વર્લ્ડ કપ પહેલા IPL રમવાને લઇને કોહલીએ ખેલાડીઓને આપી દીધી વૉર્નિંગ

 | 5:20 pm IST

વિશ્વ કપ પહેલા ભારતીય ખેલાડીઓને IPLમાં રમવાનાં કામનો બોજ ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ નિર્ણય પોતાના સાથી ખેલાડીઓ પર છોડી દીધો છે કે તેમને આ ટૂર્નામેન્ટમાં કેટલી મેચ રમવી અને કેટલી નહીં તે તેમનાં ઉપર છે. IPL 23 માર્ચથી શરૂ થવા જઇ રહી છે અને તે પૂર્ણ થતા જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ રવાના થવું પડશે, જ્યાં 30 મેથી વિશ્વ કપ રમાશે. પસંદગી સમિતિનાં અધ્યક્ષ એમએસકે પ્રસાદ પહેલા જ કહી ચુક્યા છે કે ખેલાડીઓ પર પડી રહેલા કામનાં બોજને લઇને પહેલાથી જ ફ્રેંચાઇઝી સાથે વાત થઇ ગઇ છે, પરંતુ કોહલીએ કહ્યું કે પોતાના કાર્યભારને વ્યવસ્થિત કરવો તે ખેલાડીઓનું કામ છે.

કોહલીએ કહ્યું, “અમે ખેલાડીઓને સંપૂર્ણ બુદ્ધિમત્તાથી કામ લેવા અને ફ્રેંચાઇઝી મેનેજમેન્ટને જણાવવા માટેની જવાબદારી આપી છે. તેઓ અમારા ફિઝિયો પેટ્રિક ફરહાર્ટની સાથે સંપર્કમાં રહેશે. વિશ્વ કપ માટે દરેક ચીજ ઉપર નજર રાખવામાં આવશે અને આમાં કાર્યભાર પણ સામેલ છે.” તેણે કહ્યું કે, “અમે કોઇ એવો સમય જણાવીશું જ્યાં ખેલાડીઓ આરામ કરી શકે. તેઓ નિશ્ચિત રીતે આ સમયનો લાભ ઉઠાવશે. વિશ્વ કપ ચાર વર્ષમાં એકવાર આવે છે અને IPL દર વર્ષે આવે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે અમે ટૂર્નામેન્ટમાં રમવા માટે પ્રતિબદ્ધ નથી. અમારે ચતુર બનવું પડશે અને સારા નિર્ણય લેવા પડશે. આની જવાબદારી ખેલાડીની રહેશે. કોઇને પણ કોઇ નિર્ણય લેવા માટે મજબૂર નહીં કરવામાં આવે.”

કોહલીએ જો કે તેની સાથે કહ્યું કે, “ભારતીય ટીમ માટે આ સત્ર ઘણું જ વ્યસ્ત રહ્યું, પરંતુ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે અને ખેલાડી IPLનો આનંદ ઉઠાવવાનાં હકદાર છે.” તેણે કહ્યું કે, “લાંબા સમય સુધી રમતા રહેવાથી અસર પડે છે. હું તેને બહાનું નથી માની રહ્યો કારણ કે એક ટીમ તરીકે તમે જે પણ મેચ રમો છો તેમાં તમારી પાસેથી જીતની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે લાંબુ સત્ર હોય છે ત્યારે તમે તેની પર વિચાર કરો છો. આ ઘણું વ્યસ્ત સત્ર રહ્યું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.