વિરાટે ટેસ્ટ રેન્કિંગમાં મારી ઉંચી છલાંગ, હવે આ ખિલાડી ને પાછળ છોડવાનો પ્લાન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટે ટેસ્ટ રેન્કિંગમાં મારી ઉંચી છલાંગ, હવે આ ખિલાડી ને પાછળ છોડવાનો પ્લાન

વિરાટે ટેસ્ટ રેન્કિંગમાં મારી ઉંચી છલાંગ, હવે આ ખિલાડી ને પાછળ છોડવાનો પ્લાન

 | 3:39 pm IST

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં કુલ 293 રન બનાવનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICC દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલી રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી બીજું સ્થાન મેળવી લીધું છે. વિરાટ કોહલી દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ પહેલાં 877 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને હતો પરંતુ તેણે આ મેચમાં 243 અને 50 રન બનાવતાં ચેતેશ્વર પૂજારા, જો રૂટ અને કેન વિલિયમસનને પાછળ ધકેલ્યા હતા. ચેતેશ્વર પૂજારા આ ટેસ્ટ પહેલાં બીજા સ્થાને પહોંચ્યો હતો પરંતુ તેને બે સ્થાનનું નુકસાન થતાં ચોથા ક્રમે ધકેલાયો છે.

શ્રીલંકા સામે શરૂ થયેલી ટેસ્ટ સિરીઝ પહેલાં વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે હતો પરંતુ તેણે આ સિરીઝમાં બે બેવડી સદી સહિત કુલ 610 રન બનાવતાં તે બીજા ક્રમે પહોંચી ગયો છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે અને તે વિરાટ કોહલી કરતાં 45 પોઇન્ટ આગળ છે. સ્મિથે ગત અઠવાડિયે 941 પોઇન્ટ મેળવી સૌથી વધુ પોઇન્ટ મેળવવાના મામલે ટોપ ફાઇવમાં પહોંચી ગયો હતો. જોકે, એડિલેડમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમેચમાં કુલ 46 રન બનાવ્યા હતા જેને કારણે તેને ત્રણ પોઇન્ટનું નુકસાન થયું છે અને તેના હવે 938 પોઇન્ટ થયા છે.

ભારતના અન્ય બેટ્સમેનોમાં ઓપનર મુરલ વિજયને ત્રણ સ્થાનનો ફાયદો થતાં 25મા ક્રમે પહોંચ્યો છે જ્યારે રોહિત શર્માને છ સ્થાનનો ફાયદો થતાં 40મા ક્રમે પહોંચ્યો છે. શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંદીમલે પણ આઠ સ્થાનના ફાયદા સાથે ટોપ-10માં પ્રવેશ મેળવ્યો છે. તે નવમા ક્રમે પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે પ્રથમ ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા જેને કારણે સાત સ્થાનના ફાયદા સાથે 23મા ક્રમે પહોંચ્યો છે. ધનંજય ડી સિલ્વાએ બીજી ઇનિંગમાં 119 રન બનાવી મેચ બચાવી હતી તે પણ નવ સ્થાનના ફાયદા સાથે 47મા ક્રમે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાના શોન માર્શે 126* રન બનાવ્યા હતા તે પણ છ સ્થાનના સુધારા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 27મા ક્રમે પહોંચી ગયો છે.

પોન્ટિંગ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બન્યો હતો
વિરાટ કોહલી અત્યારે વન-ડે અને ટી-20 ક્રિકેટમાં નંબર વનના સ્થાને છે અને ટેસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. જોકે, કેપ્ટન તરીકે એક જ સમયે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં નંબર વનનું સ્થાન રિકી પોન્ટિંગે મેળવ્યું હતું. પોન્ટિંગે ડિસેમ્બર-જાન્યુઆરી 2005-2006માં આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત બેટ્સમેનો તરીકે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને પણ ત્રણેય ફોર્મેટમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.

ભારતને એક પોઇન્ટનું નુકસાન
ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી હતી તેમ છતાં એક પોઇન્ટનું નુકસાન થયું છે અને હવે ભારતીય ટીમના 124 પોઇન્ટ થઈ ગયા છે. જોકે, ટીમે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા સ્થાને સાઉથ આફ્રિકા છે જેના 111 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડ 105 પોઇન્ટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડ 97 પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયા 97 પોઇન્ટ સાથે પાંચમા અને શ્રીલંકાની ટીમ 94 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. શ્રીલંકા ભારત સામે સિરીઝ હારી છતાં તેના પોઇન્ટમાં નુકસાન થયું નથી. આઠમા નંબરે રહેલી પાકિસ્તાન 88 પોઇન્ટ ધરાવે છે જ્યારે વિન્ડીઝના 75 પોઇન્ટ છે.

રવીન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને ધકેલાયો
બોલિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને એશિઝની બીજી ટેસ્ટમાં છ વિકેટ ઝડપી હતી જેને કારણે તેને ત્રણ પોઇન્ટનો ફાયદો થયો હતો અને તેણે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે જોકે, રવીન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી જેને કારણે એક સ્થાનનું નુકસાન થતાં ત્રીજા સ્થાને ધકેલાયો છે. તેનો ફાયદો કગિસો રબાદાને થયો છે અને તે બીજા ક્રમે પહોંચ્યો છે. રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી અને તેણે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. હેરથ પાંચમા અને જોશ હેઝલવૂડ છઠ્ઠા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર નીલ વેગનરે વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કુલ નવ વિકેટ ઝડપી હતી જેને કારણે બે સ્થાનનો સુધારો થતાં સાતમા ક્રમે પહોંચ્યો છે. એશિઝની બીજી ટેસ્ટમાં સ્ટાર્કે બીજી ઇનિંગમાં ઘાતક બોલિંગ દ્વારા પાંચ વિકેટ ઝડપી હતી જેને કારણે તે પણ બે સ્થાનના ફાયદા સાથે આઠમા નંબરે પહોંચ્યો છે. નાથન લાયન અને ડેલ સ્ટેન 2-2 સ્થાનના નુકસાન સાથે ક્રમશઃ નવમા અને 10મા ક્રમે છે. શ્રીલંકાના સંદાકનને 11 સ્થાનનો ફાયદો થતાં 56મા અને લાહિરૂ ગમાગેને 18 સ્થાનનો ફાયદો થતાં 76મા ક્રમે પહોંચ્યો છે. ઓલરાઉન્ડરના લિસ્ટમાં શાકિબ અલ હસન પ્રથમ સ્થાને અને જાડેજા બીજા સ્થાને છે પરંતુ અશ્વિનને એક સ્થાનનું નુકસાન થતાં ચોથા ક્રમે ધકેલાયો છે. સ્ટોક્સ ત્રીજા ક્રમે અને મોઇનઅલી પાંચમા સ્થાને છે.